છિછોરે : ફેઇલ્યોરની ઉજવણી કરી શકતા તોફાની બારકસો!

07 September 2019 11:19 AM
Entertainment
  • છિછોરે : ફેઇલ્યોરની ઉજવણી કરી શકતા તોફાની બારકસો!

ઘણી બધી ફિલ્મોમાં સંવાદ-લેખક અને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા નિતેશ તિવારીએ ‘દંગલ’ ડિરેક્ટ કરી, જેણે બોક્સ-ઓફિસ પર ધૂમ મચાવી. ત્યારબાદ તો એમણે અમિતાભ બચ્ચનના સુપરહિટ ટીવી શૉ ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ નવા પ્રાણ ફૂંક્યા. આવતા વર્ષે હજુ એક ફિલ્મ લઈને તેઓ આપણી વચ્ચે આવી રહ્યા છે, આમ છતાં તેઓ કહે છે કે છિછોરે એમના હ્રદયની ખૂબ જ નજીક છે કારણકે તે એમના કોલેજકાળના દિવસો સાથે જોડાયેલી છે. ૧૯૯૬ની સાલમાં મુંબઈની ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી’ (આઇ.આઇ.ટી.)માંથી એન્જિનિયરીંગ કર્યા બાદ એમણે ફિલ્મ-મેકર બનવાનો નિર્ણય કર્યો. છિછોરેમાં પણ આઇ.આઇ.ટી.ની હોસ્ટેલ લાઇફ અને એન્જિનિયર્સના કોલેજકાળ પર ફોકસ કરવામાં આવ્યું છે.

Image result for chhichhore movie

વાર્તામાં કુલ 7 કેરેક્ટર્સ : ડેરેક (તાહિર રાજ ભસીન), અન્ની (સુશાંત સિંઘ રાજપૂત), મમ્મી (તુષાર પાંડે), બેવડા (સહર્ષ કુમાર), એસિડ (નવીન પોલિશેટ્ટી), સેક્સા (વરૂણ શર્મા) અને માયા (શ્રદ્ધા કપૂર)! ફિલ્મની શરૂઆત ૧૯૯૨ની સાલ એટલે કે ફ્લેશબેકથી થાય છે. ત્યારબાદ ૯૦નો દાયકો અને અત્યારના સમય વચ્ચે આખી વાર્તા આકાર લે છે. ૪૦ વર્ષના પ્રૌઢનું કિરદાર નિભાવતા સુશાંતસિંઘના દીકરાનું આઇ.આઇ.ટી.માં એડમિશન ન થવાથી તે આત્મહત્યા કરવાની કોશિશ કરે છે. અન્ની એને પોતાના કોલેજકાળના દિવસોની વાત કરીને પ્રોત્સાહિત કરવાનું નક્કી કરે છે. પરિણામસ્વરૂપ, તેના અન્ય પાંચ હોસ્ટેલ-મેટ્સને મુંબઈ તેડાવી એમને પોતાના દીકરા સાથે વાત કરવા માટે વિનવે છે. અને એ પછી વાર્તા ફ્લેશબેક અને પ્રેઝન્ટ-ડે વચ્ચે ચાલતી રહે છે.

હ્યુમર, ઈમોશન્સ અને ડ્રામાનો ભંડાર છે અહીં! ‘જો જીતા વહી સિકંદર’ની એવરગ્રીનનેસ, ‘3 ઇડિયટ્સ’ની હોસ્ટેલ લાઇફ અને ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ની એન્યુઅલ કોમ્પિટિશનનું મિશ્રણ છિછોરેમાં છે. આમ છતાં ફિલ્મ રીફ્રેશિંગ છે. હતોત્સાહ થઈ ચૂકેલા નવજુવાનિયાઓ માટે મોટિવેશનનો ડોઝ પૂરવાર થાય એવી છે. પરંતુ સાતે-સાત એક્ટર્સની પ્રૌઢ વય વખતેના પ્રોસ્થેટિક મેક-અપ અત્યંત કૃત્રિમ લાગે છે. એમાંય ચાલીસી વટાવી ચૂકેલા અન્નીનો કિરદાર નિભાવી રહેલા સુશાંતનો પ્રૌઢ વ્યક્તિ તરીકેનો અભિનય તો બહુ જ ખરાબ! પ્રોસ્થેટિક મેક-અપ એ અભિનય નથી, જે વાત સુશાંત અને ડિરેક્ટર નિતેશ તિવારીએ ખાસ સમજવી પડશે.

શ્રદ્ધા કપૂર ગયા અઠવાડિયે આવેલી સાહોમાં પણ જોવા મળી હતી. જોકે, એ વખતે એના પર્ફોમન્સ કંઈ એટલો બધો ભલીવાર નહોતો, પરંતુ છિછોરેમાં તેણે બાજી મારી છે. બીજી બાજુ, ફુકરે અને ફુકરે રિટર્નમાં ચૂચાનું પાત્ર ભજવી ચૂકેલા વરૂણ શર્મા અહીં સેક્સાના કિરદારમાં છિછોરેની જાન બની ગયા છે એમ કહીએ તો પણ ખોટું નથી. પ્રતીક બબ્બર, નવીન પોલિશેટ્ટી, તુષાર પાંડે, તાહિર રાજ ભસીને પણ અફલાતુન પર્ફોમન્સ આપ્યા છે, બોસ!

પરંતુ સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લેમાં ૯૦ના દશકાની અસર અને નોસ્ટાલ્જિયા પેદા કરે એવા દ્રશ્યોનો અભાવ છે, જેને કારણે થોડી ઘણી અધૂરપ અને લંબાણ દેખાઈ આવશે. નિતેશ તિવારી પોતાના બંને કો-રાઇટર્સ પિયુષ ગુપ્તા અને નિખિલ મલ્હોત્રા સાથે મળીને આ ફિલ્મને હજુ વધારે ક્રિસ્પી અને મજેદાર બનાવી શક્યા હોત!

‘અપને કેરેક્ટર કે અંદર કા વિશ્વામિત્ર જગા કે,
યારોં… કસ કે લંગોટ, તપસ્યા હમ ઘનઘોર કરેંગે!’

અમિતાભ ભટ્ટાચાર્યના મીનિંગફુલ લિરીક્સ ફિલ્મના ગીતોમાં નાવિન્ય લાવે છે. પ્રિતમ દાનું મ્યુઝિક જૂની, વિસરાઈ ગયેલી યાદો તાજી કરવામાં મદદરૂપ બને છે, પરંતુ ‘ફિકર નોટ’ જેવા એવરેજ ગીત પાછળ આઠ કરોડનો અધધ ખર્ચ કેમ કરવામાં આવ્યો છે એનું ગણિત સમજાયું નથી.

ફેઇલ્યોરની ઉજવણી કરી શકતા તોફાની બારકસો, જીગરજાન મિત્રતાની યાદ તાજી કરવા અને જિંદગીની ભાગદોડમાં વ્યસ્ત થઈ ચૂકેલા દરેક વ્યક્તિ માટે ધિસ ઇઝ અ મસ્ટ વોચ ફિલ્મ!

bhattparakh@yahoo.com
ક્લાયમેક્સ : સુશાંતસિંઘ રાજપૂતનો ક્લાયમેક્સમાં એક સુંદર સંવાદ છે, “આપણે સંતાનોને સફળ થવા માટે નવા નવા પ્રલોભનો આપતા રહીએ છીએ, પરંતુ જ્યારે એ નિષ્ફળ થાય છે ત્યારે નિરાશામાં ન સરી પડે એ માટે તેના ફેઇલ્યોરની ઉજવણી કરવાનું કેમ ભૂલી જઈએ છીએ?”

સાંજ સ્ટાર : ત્રણ ચોકલેટ.

કેમ જોવી? : મોટિવેશન, મસ્તી અને મજા માટે!

કેમ ન જોવી? : કોલેજના દિવસો સાથે કોઈ ખાસ કહી શકાય એવી યાદો ન જોડાયેલી હોય તો!


Loading...
Advertisement