રાજકોટ-મુંબઇ ઉપરાંત ગોવા-દિલ્હી; સ્પાઇસ જેટની પાંચ ફલાઇટ શરૂ કરશે

06 September 2019 05:17 PM
Rajkot Gujarat Saurashtra Travel
  • રાજકોટ-મુંબઇ ઉપરાંત ગોવા-દિલ્હી; સ્પાઇસ જેટની પાંચ ફલાઇટ શરૂ કરશે

વિમાની સેવામાં કાપની ખાધ ખાનગી એરલાઇન્સ સરભર કરી દેવા તૈયાર :આવતા સપ્તાહમાં એરલાઇન્સની ટીમ એરપોર્ટ સાથે ‘કરાર’ કરવા ફરી રાજકોટ આવશે : શિડયુલ તૈયાર થવા લાગ્યા

(મયુર ત્રિવેદી)
રાજકોટ તા.6
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સહેલાણીઓને ખુશી થાય તેવા એક સમાચાર મળી રહ્યા છે. જેમાં રાજકોટથી સીધી ગોવા જવાની ફલાઇટ સ્પાઇસ જેટ દ્વારા આવતા મહિનાથી શરૂ કરવામાં આવી રહી હોવાનું એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. સાથો સાથ જુદા-જુદા કામ માટે દિલ્હી જતાં વેપારીઓ તેમજ આગેવાનો માટે પણ સ્પાઇસ જેટ દ્વારા વધારાની એક દિલ્હીની ફલાઇટ પણ શરૂ કરવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે.
રાજકોટ એરપોર્ટથી જેટ એરવેઝની સીધી મુંબઇ જવાની ફલાઇટ બંધ થઇ જતાં રાજકોટ-મુંબઇ વચ્ચેનો એરટ્રાફીકને મોટી અસર પહોંચી છે. તાજેતરમાં રાજકોટ એરપોર્ટ ઓથોરીટીએ રાજકોટથી મુંબઇ જવા માટે સ્પાઇસ જેટ સાથે વાંટાઘાટ કરી હતી. સ્પાઇસ જેટે રાજકોટ મુંબઇ ઉપરાંત રાજકોટથી ગોવા તેમજ દિલ્હી જતાં પ્રવાસીઓનું પણ એક સર્વે રાજકોટ આવીને કર્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સહેલાણીઓને સીધી ગોવા જવા માટેની એક પણ ફલાઇટ નથી. તે બાબત સ્પાઇસ જેટના અધિકારીઓને ઘ્યાને આવી છે. સ્પાઇસ જેટ દ્વારા ચાલુ મહિનાના અંતમાં પાંચ એરક્રાફટ ઉડાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મુંબઇ વચ્ચે ત્રણ ફલાઇટ ડેઇલી ઉડાવવામાં આવશે. જયારે એક ફલાઇટ રાજકોટથી ગોવા અને એક ફલાઇટ રાજકોટથી દિલ્હીની શરૂ કરવામાં આવે તેવું એરપોર્ટ ઓથોરીટીના સૂત્રોએ જણાવ્યું છે.
દરમ્યાન રાજકોટથી મુંબઇ અને દિલ્હી માટે વધારાની ફલાઇટ ઉડાવવા માટે એરપોર્ટ ઓથોરીટી દ્વારા સ્પાઇસ જેટની સાથો સાથ ઇન્ડીગો એરલાઇન્સને પણ સંપર્ક કરવામાં આવ્યો છે. ઇન્ડીગો એરલાઇન્સના ટોચના સૂત્રોએ રાજકોટથી ફલાઇટ ઉડાવવા માટે મન બનાવ્યું છે અને રાજકોટથી વધારાની એક એરક્રાફટ કંપની રાજકોટ-મુંબઇ વચ્ચે અથવા અન્ય મોટા શહેરો વચ્ચે ફલાઇટ શરૂ કરે તે માટે ઇન્ડીગો દ્વારા વિચારાઇ રહ્યું છે.
હાલમાં રાજકોટ એરપોર્ટ પર સુવિધા વધારવામાં આવી છે. એક સાથે છ એરક્રાફટને સમાવી શકાય તેવો રન-વે અને પાર્કિંગ તૈયાર કરી લેવામાં આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના સહેલાણીઓને સંભવીત પણે આવતા મહિનાથી રાજકોટથી સીધી ગોવાની એર સુવિધા મળી રહેશે. સાથો સાથ દિલ્હી માટેની પણ એક વધારાની ફલાઇટ મળે તેવી શકયતા રાજકોટ એરપોર્ટ ઓથોરીટીના ટોચના અધિકારીઓએ વ્યકત કરી હતી.


Loading...
Advertisement