રાજયની મેડીકલ કોલેજોમાં છોકરીઓની સંખ્યા 45%: ગત વર્ષ કરતા 11%નો વધારો

20 August 2019 05:12 PM
Gujarat
  • રાજયની મેડીકલ કોલેજોમાં છોકરીઓની સંખ્યા 45%: ગત વર્ષ કરતા 11%નો વધારો

8 કોલેજોમાં છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધુ

અમદાવાદ તા.20
ગુજરાતભરની મેડીકલ કોલેજોમાં એડમીશન લેતી છોકરીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે એ જોતાં ભવિષ્યમાં વધુ યુવતીઓના હાથમાં સ્ટેથોસ્કોપ અને સ્કાલપેલ્સ જોવા મળશે. 2014માં 34% એમબીબીએસ વિદ્યાર્થીનીઓ હતી તે સંખ્યા ચાલુ વર્ષે 45% થઈ છે.
તાજેતરમાં જ મેડીકલ કોલેજોની 5350 સીટો માટે એડમીશનની કાર્યવાહી પુરી થઈ છે. એમાં 2974 વિદ્યાર્થીઓ અને 2386 વિદ્યાર્થીનીઓ સામેલ છે. એનએચએલ મ્યુનીસીપલ મેડીકલ કોલેજમાં તો છોકરાઓ કરતાં પણ વધુ સંખ્યામાં પ્રવેશ લઈ છોકરીઓએ રેકોર્ડ સર્જી દીધો છે. પ્રતિષ્ઠિત ગણાતી આ કોલેજમાં 250 સીટોમાંથી 146 વિદ્યાર્થીનીઓ અને 104 વિદ્યાર્થીઓને એડમીશન મળ્યું છે.
નિષ્ણાંતો કહે છે કે એમબીબીએસ કોર્સમાં પ્રવેશ લેતી છોકરીઓની સંખ્યામાં ઉછાળા માટે અનેક પરિબલો છે. એમાં મુખ્ય નેશનલ એલીજીબીલીટી એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) છે. એડમીશન માટે સાર્વત્રિક, મલ્ટીપલ-ચોઈસ પરીક્ષા એકમાત્ર આધાર છે. અગાઉ 12માં ધોરણ અને સ્થાનિક પ્રવેશ પરીક્ષા ગુજસેટના સ્કારે પણ 60:40ના રેશિયોમાં ધ્યાનમાં લેવાતા હતા.
પ્રવેશ લેતી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં 10% વધારો જોનારી બીજે મેડીકલ કોલેજના ડીન ડો. પ્રનેશ શાહના જણાવ્યા મુજબ નીટ દાખલ થયા પછી એમબીબીએસમાં પ્રવેશ લેતી વિદ્યાર્થીનીઓની સંખ્યા વધી છે.
2017માં દાખલ કરાયેલી મુખ્યમંત્રી સ્વાભિમાન યોજના દ્વારા છોકરીઓને ક્ધયા કેળવણી કાર્યક્રમ હેઠળ સરકાર રૂા.4 લાખ સુધી અડધી મેડીકલ ફી આપે છે, અને એ લાભકારક પુરવાર થઈ રહી છે.
જોડીયા બહેનો રાહીમ અને રિબા હાતિઝી અને મહીને 10000 કમાતી શિક્ષિકા માતા આ વાતનું ઉદાહરણ છે. વાસ્તવમાં રાજયની 8 મેડીકલ કોલેજોમાં વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓની સંખ્યા વધી ગઈ છે. ગત વર્ષે માત્ર 4 કોલેજોમાં જ છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા વધુ હતી.


Loading...
Advertisement