ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલમાં લોકમેળો યોજવા અંગે તંત્ર અવઢવમાં

17 August 2019 12:42 PM
Gondal Saurashtra
  •  ગોંડલની સંગ્રામજી હાઇસ્કૂલમાં લોકમેળો યોજવા અંગે તંત્ર અવઢવમાં

રાઇડસની આઇટમો પર બાન મૂકાતા મામલો કલેકટર પાસે

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.17
ગોંડલના સંગ્રામજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે નગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ યોજાતા લોકમેળામાં આ વર્ષે ચકરડી, ચકડોળ સહિતની વિવિધ રાઇડ્સ ઉપર અમદાવાદમાં સર્જાયેલ અકસ્માતનાં પગલે સરકાર દ્વારા બાન મુકાતા લોકમેળો યોજાશે કે કેમ તેવા પ્રશ્નો સર્જાયા છે,
લોકમેળો યોજવા અંગે નગરપાલિકા તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે બીજી બાજુ નગરપાલિકા દ્વારા સંગ્રામજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ટેન્ડર કરી આપી દેવાયું હોય, જેઓનું ટેન્ડર મંજુર થયું છે તે આયોજકો એ પણ રાઈડ્સ વગર મેળો સફળ થશે કે કેમ તેવી અવઢવમાં હોય મેળા અંગે ના ઈચ્છા પ્રગટ કરતા મામલો કલેકટર પાસે પહોંચ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ ખાતે કાકરીયા તળાવ પાસે રાઈડ્સ તૂટતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ના ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમી લોકમેળામાં ચકરડી ઉચક નીચક સહિતની રાઇડ્સ ની તમામ આઈટમો ઉપર બાન મુકવામાં આવ્યું છે, કડક નિયમ શરતોને આધીન રાઈટ ચલાવવા સૂચન કરાયું છે, ત્યારે મેળાના આયોજકોને આ નિયમોની અમલવારી કઠિન જણાતા સૌરાષ્ટ્રભરમાં રાઇડ્સ અંગે દ્વિધા સર્જાવા પામી છે, ગોંડલમાં પણ પરંપરાગત લોકમેળા અંગે નગરપાલિકા દ્વારા રૂપિયા 31 લાખમાં હરાજી મારફતે સંગ્રામજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ આપી દેવામાં આવ્યું છે, પરંતુ રાઇટ્સ અંગેના નિયમો માં કોઈ સ્પષ્ટીકરણ ન હોય મેળા માટે ગ્રાઉન્ડ લેનાર સંચાલકો અવઢવમાં મુકાયા છે, જો ચકરડી ચકડોળ વગર લોકમેળો યોજાય તો નુકસાની વેઠવી પડે તેવા સંજોગો હોય મેળો ન કરવા અને ડીપોઝીટ પરત કરવાની માંગણી કરાતા નગરપાલિકા તંત્ર પણ ચકરાવે ચડ્યું છે.
ઉલ્લેખનીય છે કે સંગ્રામજી હાઈસ્કૂલ મેદાનમાં વર્ષોથી નગરપાલિકા દ્વારા લોકમેળાનું આયોજન કરાય છે આ વર્ષે લોકમેળો યોજવા નગરપાલિકા તંત્ર પણ પાણીમાં બેસી જતાં મેળો યોજાશે કે કેમ તેવા સવાલો ઉઠવા પામ્યા છે, અલબત્ત પાલિકા તંત્ર દ્વારા લોકમેળા અંગે જિલ્લા કલેકટર નું તાકીદનું માર્ગદર્શન મંગાવાયુ છે, જન્માષ્ટમીના તહેવાર આડે ગણ્યાગાંઠ્યા દિવસો રહ્યા હોય કલેક્ટર તંત્ર દ્વારા મંજૂરીમાં ઢીલાશ રખાય તો ચકરડી ચકડોળ રાખવા માટેનો સમય પણ ના બચે આમ મેળો હાલ તુરત ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.


Loading...
Advertisement