મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં: સોમવારે સોમનાથના દર્શન

17 August 2019 12:39 PM
Gujarat Saurashtra
  • મુખ્યમંત્રી આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં: સોમવારે સોમનાથના દર્શન

ખંભાળિયામાં પોલીસ ભવનનું લોકાર્પણ કર્યુ : કાલે ઈણાજમાં જિ.પંચાયત ભવનનું ઉદ્ઘાટન: વિસાવદરમાં ખેડૂત શિબિરમાં હાજરી

રાજકોટ તા.17
રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજથી સૌરાષ્ટ્રનો ટૂંકો પ્રવાસ શરૂ કર્યો છે. આજે બપોરે ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં જિલ્લા પોલીસ ભવનનું લોકાર્પણ કયુર્ં છે. તો આવતીકાલે રવિવારે વેરાવળના ઈણાજમાં જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરશે.

રવિવારે વિસાવદરમાં મુખ્યમંત્રીની હાજરીમાં ખેડુત શિબિર યોજાઈ છે. તો સોમવારે સવારે 6 વાગ્યે સોમનાથમાં પ્રાત:આરતી કરશે.

ખંભાળીયામાં ધરમપુર વિસ્તારમાં જિલ્લા પંચાયત તથા જિલ્લા કલેકટર કચેરીની તદન નજીક આશરે રૂા.10.65 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા જિલ્લા પોલીસ ભવનનો લોકાર્પણ સમારોહ આજે યોજવામાં આવ્યો છે. આ પ્રસંગે રાજયના કૃષિ મંત્રી આર.સી. ફળદુ, જવાહરભાઈ ચાવડા, પ્રદીપસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિમાં અતિથી વિશેષ પદે સાંસદ પૂનમબેન માડમ તથા ઈન્ચાર્જ જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજા ઉપસ્થિત રહ્યા છે. બપોરે અહિંના માર્કેટીંગ યાર્ડ ખાતે એક ભવ્ય સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

વિસાવદર
આવતીકાલ તા.18-8-19ને રવીવારના વિસાવદરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી આવી રહ્યા છે. જયાં તેમની અધ્યક્ષતામા મહા ખેડુત શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.

સવારે 10 કલાકે વિસાવદર ખાતેના કેશુભાઈ માર્કેટીંગ યાર્ડ ખાતે મહા ખેડુત શિબિરમાં કૃષિ તજજ્ઞો પ્રવચન આપશે જેમાં ખેડુતોને સજીવ ખેતી વિવિધ પાકોમાં જીવાતનું જૈવીક નિયંત્રણ, બાગાયતી વિભાગ દ્વારા વિસાવદર તાલુકામાં બાગાયતી પાકની શકયતાઓ અને તેની આધૂનિક વાવેતર પધ્ધતિઓ, મગફળી પાકમાં મુલ્યવર્ધન, પશુપાલન વિભાગ દ્વારા આધૂનિક પશુપાલન જુનાગઢ ખેતીવાડી જીલ્લા પંચાયત દ્વારા ખેડુતોને મળતી વિવિધ સહાયની માહિતી આપવામાં આવશે.

બાદ તજજ્ઞો અને ખેડુતો વચ્ચે પ્રશ્ર્નો યોજાશે. શીબીરનું ઉદઘાટન મંત્રી આર.સી. ફળદુના હસ્તે કરાશે. મંત્રી જયેશ રાદડીયા. સાંસદ રાજેશ ચુડાસમા, ગોરધનભાઈ ઝડફીયા સહિતના ઉપસ્થિત રહેશે. ખેતી ખર્ચ અને ઉત્પાદનમાં વધારો થાય તે માટે શિબિર રાખવામાં આવી છે.


Loading...
Advertisement