વિરપુરના મેવાસા રોડ પરનું તળાવ લીકેજ થતા ખેતરોમાં પાણી ઘુસ્યા : ખેતીપાકનું ધોવાણ

14 August 2019 05:43 PM
Gondal
  • વિરપુરના મેવાસા રોડ પરનું તળાવ લીકેજ થતા ખેતરોમાં પાણી ઘુસ્યા : ખેતીપાકનું ધોવાણ

તાત્કાલીક મરામત કામગીરી કરવા ઉઠેલી માંગણી

(મનીષ ચંદ્રાણી) વિરપુર, તા. 14
વિરપુરના મેવાસા રોડ પર આવેલ ધજાધાર તળાવ ચાલુ વર્ષે સારા વરસાદને કારણે ઓવરફ્લો થઈ ગયું છે.પરંતુ તળાવ લિકેજીંગ હોવાથી તળાવનું પાણી વહીને ખેતરોમાં પહોંચતા ખેડૂતોના ઉભા પાકનું ધોવાણ થવા લાગ્યું છે.ઇ.સ.1987ના અછતના વર્ષમાં સિંચાઈ ખાતા દ્વારા વિરપુરના મેવાસા રોડ પર રાહતની કામગીરી હેઠળ એક વિશાળ જળાશય બનાવેલ જે ધજાધાર પાસે આવેલ હોવાથી તે તળાવ ધજાધાર તળાવ તરીકે ઓળખાય છે,આ તળાવમાં સારા વરસાદને કારણે પાણી ભરાઈ રહેતું હોવાથી આજુબાજુના ખેતરોમાં તેનું તળ લાગી જતા ખેતરોમાંના બોર, કુવાઓમાં ઉનાળામાં પણ પાણી ખૂટતું નથી. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી તળાવનો પાકો પારો જર્જરિત થઈ ગયો પાણી પારામાંથી લિકેજીંગ મારફતે વહી જાય છે જેમાં ગત વર્ષે તો નહિવત વરસાદને કારણે તળાવમાં ચોમાસાની ઋતુમાં જ તળાવ સુકાય ગયું હતું. પરંતુ ચાલુ વર્ષે સારા વરસાદથી આ તળાવ છલોછલ ભરાઈ ગયું છે જેમાં બે દિવસ ખૂબ સારા વરસાદથી તળાવ ઓવરફ્લો થઈ ગયું હતું. પરંતુ તળાવના પારામાં લિકેજીંગ દિવસે દિવસે વધતું જ જતું હોય આ તળાવમાં હાલ ખૂબ મોટા પ્રમાણમાં પાણી વહીને સામેની બાજુના ખેતરોમાં પહોંચી ગયું છે.
જેથી તે ખેતરોમાં ઉભા પાકનું ધોવાણ થવા લાગ્યું હોય ખેડૂતો ખુબ મુંજાયા છે માંડ સારા વરસાદ થવાથી સારા પાકની આશા બંધાણી ત્યાં આ વણનોતરી મુસીબત આવતા ખેડૂતો પર તેમના ખેતરમાં લીલા દુષ્કાળના ઓછાયા દેખાવા લાગ્યા છે. આ અંગે ખેડૂતોએ જણાવેલ કે ઇ.સ.1995 માં અમો બધા ખેડૂતોએ સ્વ ખર્ચે તળાવનું રીપેરીંગ કરેલ પરંતુ હવે તો રીપેરીંગનો ખર્ચ કરી શકીએ તેવી અમારી પરિસ્થિતિ પણ નથી અને આ તળાવને તાત્કાલીક રીપેર કરવામાં નહીં આવે તો તળાવ તો તળિયા ઝાટક થઈ જ જશે. આ પ્રશ્ર્ને તત્કાલ પગલા લેવા માગણી ઉઠવા પામી છે.


Loading...
Advertisement