તહેવારો પર ફરવા લાયક-જોવા લાયક ઝાલાવાડના ઐતિહાસીક સ્થળો

13 August 2019 07:00 PM
Surendaranagar Travel
  • તહેવારો પર ફરવા લાયક-જોવા લાયક ઝાલાવાડના ઐતિહાસીક સ્થળો
  • તહેવારો પર ફરવા લાયક-જોવા લાયક ઝાલાવાડના ઐતિહાસીક સ્થળો

ઝરીયા મહાદેવ
સુરેન્દ્રનગર જિલ્લાનાં પાંચાળ પ્રદેશના પ્રાકૃતિક સ્થળ પર આવેલા ઝરીયા મહાદેવની આ જગ્યાએ શિવલીંગ પર પથ્થરમાંથી પાણીનો સતત અભિષેક થયા કરે છે. તેની તેને ઝરીયા મહાદેવ કહેવાય છે. કેટલાક તેને ટપકેશ્ર્વર મહાદેવ તરીકે પણ ઓળખે છે. આ સ્થાન 15મી સદીનું હોવાનું મનાય છે. શ્રાવણ માસ દરમ્યાન અહીં આજુબાજુના વિસ્તારમાંથી અસંખ્ય શ્રઘ્ધાળુઓ ઉમટે છે. સુરેન્દ્રનગર જિલ્લા મથકથી અંદાજે 95 કિ.મી. દૂર આવેલું છે.

રાજરાજેશ્ર્વરી ધામ
લીંબડી તાલુકાના જાખણ ગામે આવેલું રાજ રાજેશ્ર્વરી ધામ ખાતે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સુંદર મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. રાજશ્રી મુનિના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલા આ ધામમાં ત્રિમૂર્તિ મંદિર, યોગા માટેના નિદર્શન ખંડ સહિત અનેકવિધ વિભાગો જોવાલાયક છે. વિશાળ જમીન ઉપર બંધાયેલા આ સંકુલમાં યોગ વિદ્યાર્થી નિદર્શન થકી લોકોને માહિતગાર કરે છે. આ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લા મથકથી અંદાજે 40 કિ.મી. દૂર આવેલું છે.

ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ (તરણેતર)
પાંચાળ પંથકમાં તરણેતર ગામ નજીક આવેલું ત્રિનેત્રેશ્ર્વર મહાદેવનું મંદિરએ લોકોની આસ્થાનું સ્થાનક છે. આ મંદિર સોલંકીકાળ પહેલાનું હોવાની માન્યતા છે. પુરાતત્વવિદ શ્રી નરોત્તમ પલાણ તેને 10મી સદીનું માને છે. મંદિરની શૈલી જોતા તે ગુર્જર પ્રતિહાર શૈલીનું છે. અહીં દર વર્ષે ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠ દરમ્યાન વિશ્ર્વ વિખ્યાત તરણેતરનો મેળો ભરાય છે. સુરેન્દ્રનગર જિલ્લા મથકથી અંદાજે 95 કિ.મી. દૂર આવેલું છે.

અનંતેશ્ર્વર મહાદેવ
ચોટીલા તાલુકાનાં આણંદપુર ભાડલા ગામે આવેલું આ મંદિર સિઘ્ધરાજ જયસિંહે બનાવ્યાનું કહેવાય છે. એક વાયકા એવી પણ છે કે, આ મંદિરનું નિર્માણ 1068માં વિક્રમ સંવંતમ અનંત કે આનંદ ચૂડાસમાએ કર્યુ હતું. મહમદ ગઝનીની ચડાઇઓનો ભોગ આ મંદિર બન્યું હતું. જેને સમર્થન આપતી ખંડીત પ્રતિમાઓ આજે પણ અહીં મોજૂદ છે. સુરેન્દ્રનગર જિલ્લા મથકથી અંદાજે 95 કિ.મી. દૂર આવેલું છે.

માંડવરાયજીનું મંદિર
મૂળી ખાતે માંડવરાયદાદાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરમાં પારાવાર શાખાના આરાઘ્ય દેવ એવા માંડવરાયજી દાદા બિરાજમાન છે. થરપારકરથી આવેલા પરમારો સાથે તેમના ઇષ્ટદેવ માર્તડ દેવ પણ પાંચાળની ભૂમિમાં આવ્યા હતા. માંડવરાયજીનો રથ મૂળીમાં સ્થિર થતા ત્યાં મંદિરની સ્થાપના થઇ. અઢારેય વરણના સાક્ષાત દેવ સૂર્ય ભગવાન-માંડવરાયજીનું માહત્મય વિશેષ છે. સ્થળ સુરેન્દ્રનગર જિલ્લા મથકથી અંદાજે 21 કિ.મી. દૂર આવેલું છે.

ગેબી નાથની ગુફા
દેવભૂમિ પાંચાળમાંથી થાનથી લગભગ 2 કિ.મી.ના માર્ગે ગેબીનાથના ભોંયરા તરીકે ઓળખાતી જગ્યા છે. સામસામા બે ડુંગરામાં એક પર જૂના સૂરજદેવના અને બીજા પર ગેબીનાથના બેસણા છે. નળીયાચ્છાદિત મકાનમાં ગેબીનાથનું સ્થાનક આવેલું છે. ભોયરૂ તો બંધ કરી દેવામાં આવ્યું છે પણ જગ્યા ઓળખાય છે. ગેબીનાથના ભોંયરા કે સ્થાનક તરીકે સુરેન્દ્રનગર જિલ્લા મથકથી અંદાજે 90 કિ.મી. દૂર આ સ્થાનક આવેલું છે.

નવા સૂરજદેવળ
થાન પંથકમાં દેવસર ગામે વિક્રમ સંવત 1991માં તૈયાર થયેલા કાઠી જ્ઞાતિના ઇષ્ટદેવ એવા સૂરજ દેવળનું પ્રખ્યાત યાત્રાધામ આવેલું છે. આ મંદિરમાં સૂર્યનારાયણ તથા રન્નાદેની મનોહર પ્રતિમાઓ પધરાવવામાં આવી છે. ચોમાસામાં આ મંદિર આસપાસનું નૈસર્ગીક સૌંદર્ય ખીલી ઉઠે છે. આ સ્થળ જિલ્લા મથકથી અંદાજે 71 કિ.મી.અંતરે આવેલું છે.

જૂના સૂરજદેવળ
સોનગઢ ગામની બાજુમાં પ્રાચીન સૂર્યમંદિર આવેલું છે. વખતો વખત સુધારા વધારા થયેલા આ મંદિરમાં સૂર્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. કાઠી સમાજની આસ્થાનું આ ભવ્ય કેન્દ્ર છે. આ મંદિર 14332માં બૂટડ લાખાના પુત્રએ ફરીવાર બંધાવેલું છે. સુરેન્દ્રનગર જિલ્લા મથકથી અંદાજે 90 કિ.મી. દૂર આવેલું છે.

શકિત મંદિર
પાટડી તાલુકાના ધામા ગામે શકિત માતાજીનું મંદિર આવેલું છે. નવ નિર્માણ પામેલા આ મંદિરના ગુંબજમાં અંદરની બાજુએ સુંદર કાચ જડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપરિયાળા જૈન તીર્થ બાદ ધામાના આ શકિત મંદિરને પણ કાચથી સુશોભીત કરવામાં આવ્યું છે. આ સ્થળ સુરેન્દ્રનગર જિલ્લા મથકથી અંદાજે 107 કિ.મી. દૂર આવેલું છે.


Loading...
Advertisement