વાંકાનેર પાસેનાં પ્રસિધ્ધ શ્રી જડેશ્ર્વર મહાદેવના પ્રાગટય દિનની ભવ્ય ઉજવણી

13 August 2019 06:47 PM
Dharmik
  • વાંકાનેર પાસેનાં પ્રસિધ્ધ શ્રી જડેશ્ર્વર
મહાદેવના પ્રાગટય દિનની ભવ્ય ઉજવણી

શાનદાર વરણાંગી નિકળી: બે દિ’નો લોકમેળો શરૂ: ટેકનિકલ કારણોસર ચકરડી-ફજેત બંધ

(નિલેશ ચંદારાણા)
વાંકાનેર તા.13
વાંકાનેરથી 10 કી.મી.દુર આવેલ પ્રસિધ્ધ સ્વંભૂશ્રી જડેશ્ર્વર દાદાનો આજે શ્રાવણ માસના બીજા સોમવારે પ્રાગટય દીન હોય સવારે નિજ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા (વરણાંગી) નીકળી હતી. શણગારેલા રથમાં જડેશ્ર્વર દાદાનું ચાંદીનું મોહરૂ રથમાં બીરાજમાન થઈ કાર માર્ગેથી શોભાયાત્રા મેળા પરિષરમાં ફરી પગથીયા માર્ગેથી પુન: નિજ મંદિરે પહોંચેલ. શોભાયાત્રામાં મંદિરના મહંતશ્રી રતીલાલજી મહારાજ, પુજારી છગનભાઈ પંડયા, ટ્રસ્ટીઓ, ભાવીકો, બહોળી સંખ્યામાં જોડાયા હતા.
બપોરે 12 વાગ્યે નીજ મંદિરમાં 51 લીટર ગાયના દુધ અને પંચામૃતથી જડેશ્ર્વર દાદાને અભિષેક બાદ ફુલના શણગાર બાદ મહાઆરતી થયેલ જેનો હજારો લોકોએ લાભ લીધો હતો.
સ્વયંભૂશ્રી જડેશ્ર્વર દાદાના પ્રાગટય દિન નિમિતે મંદિર નીચેના ભાગે મેળા પરિષરમાં રવી સોમ બે દિવસનો લોક સાંસ્કૃતિક મેળો ભરાય છે. જેમાં ફજત ફારકા રમકડા અને ખાણી પીણીના ધંધાર્થીઓ દુર દુરથી અહીં ધંધો કરવા આવે છે.
આ બે દિવસના મેળામાં આ વર્ષે ગઈકાલથી ફજત ફારકા ચકરડી મોતના કુવા જેવી મોટી રાઈડ આજે સોમવાર બપોરના બે વાગ્યા સુધી બંધ હાલતમાં જોવા મળેલ આ અંગે એવું જાણવા મળેલ છે કે અમદાવાદના રિર્વરફંડના બનાવ બાદ આકરા નિયમો અને તેમાં જરૂરી કાર્યવાહી ફજત ફારકાના ધંધાર્થીઓ પુરી કરી નહીં હોવાથી મંજુરી નહીં મળવાથી બંધ રહ્યા છે.
બીજી બાજુ મેળામાં ઉમટી પડેલા હજારો લોકો પણ ફજત ફારકા બંધ હોવાથી નારાજ જોવા મળ્યા હતા. એવુ પણ જાણવા મળેલ છે કે ફજત ફારકા ચકરડી સહીતની રાઈડો વાળાએ વીમાઓ ઉતરાવી લીધા છે અને જરૂરી કાગળો રજુ કરવા માટે સ્થાનિક કચેરીમાં અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. સાથે સોગંધનામા સહીતની પ્રક્રિયા ચાલી રહી છે. જે પૂર્ણ થયે સાંજે ફજત ફારકા શરૂ થઈ જશે તેવું સાંભળવા મળ્યું છે.


Loading...
Advertisement