સ્વાતંત્ર્ય પર્વ બાદ સનદી અધિકારીઓની મોટા પાયે બદલી : સીએમ વિદેશથી પરત આવ્યે હુકમો

13 August 2019 06:42 PM
Gujarat
  • સ્વાતંત્ર્ય પર્વ બાદ સનદી અધિકારીઓની  મોટા પાયે બદલી : સીએમ વિદેશથી પરત આવ્યે હુકમો

સચિવ-કલેકટર-મ્યુ.કમિશ્નર, ડીડીઓ સહિતના અધિકારીઓની તોળાતી બદલી : સચિવાલયમાં ચર્ચા

ગાંધીનગર તા.13
રાજ્યના વહીવટી તંત્ર માં થનારા ફેરફારો હવે 15મી ઓગસ્ટ બાદ થવાનું નિશ્ચિત માનવામાં આવે છે. ત્યારે વિજયભાઈ રૂપાણી સ્વતંત્ર દિવસની ઉજવણી કર્યા બાદ તરતજ રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો લાવશે તેમ મનાઈ રહ્યું છે. અત્રે નોંધનીય છે કે વિજયભાઈ રૂપાણી હાલ વિદેશ પ્રવાસે છે. ત્યારે આગામી 15મી ઓગસ્ટ બાદ વહીવટી તંત્રમાં ફેરફારો કરશે.
સૂત્રોનું માનીએ તો રાજ્યમાં હાલ 15થી વધુ જગ્યાઓ ઉપર ઉચ્ચ અધિકારીઓ વધારાના ચાર્જ સાથે સંભાળી રહ્યા છે. જેમાં રાજ્યના મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પાસે ગૃહ વિભાગનો હવાલો સુપરત કરવામાં આવ્યો છે. જ્યારે મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ.કે.દાસ પાસે ઉદ્યોગ વિભાગ નો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય સનદી અધિકારીઓ જેમકે મનોજ અગ્રવાલ, સંજયકુમાર ,મુકેશકુમાર, પંકજ જોષી ,સુજીત ગુલાટી ,મમતા વર્મા શાલિની અગ્રવાલ ,સોનલ મિશ્રા, પી ભારતી અને ધનંજય દ્વિવેદી જેવા અધિકારીઓ પાસે અલગ અલગ વિભાગો ના વધારાના હવાલા છે. તો બીજી તરફ વહીવટીતંત્રમાં હાલ મહેકમ કરતા 60થી વધુ આઇ.એ.એસ અધિકારીઓની ઘટ છે. જ્યારે ગુજરાતના 25 જેટલા ઓફિસરો રાજ્ય બહાર ડેપ્યુટેશન પર ફરજ બજાવી રહ્યા છે.
અત્રે નોંધનીય છે કે લાંબા સમયથી ગુજરાતના વહીવટી તંત્રમાં ફેર બદલાવ કરવામાં આવ્યો નથી .ત્યારે આ વખતે તબક્કાવાર થઇ રહેલા ધરખમ ફેરફારો માં રાજ્યના જિલ્લા કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશ્નરો જિલ્લા વિકાસ અધિકારીઓ, બોર્ડ કોર્પોરેશન ના એમડી, તેમજ સચિવાલય ના અલગ અલગ વિભાગો ના સિનિયર અધિકારીઓ ની બદલીનો ગંજીફો ચીપાશે.
તો બીજી તરફ આઇ.પી.એસ કક્ષાના અધિકારીઓની પણ મોટા પાયે બદલી થવાનું મનાઇ રહ્યું છે .જેમાં જિલ્લા પોલીસ વડા (ડી.એસ.પી.)થી માંડીને સિનિયર આઇ.પી.એ.સ અધિકારીઓનો સમાવેશ થાય છે.
અત્રે નોંધનીય છે કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લાંબા સમયથી બદલીઓની રાહ જોવામાં આવી રહી હતી. તે બદલીઓ હવે મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ બાદ એટલે કે સ્વતંત્ર દિવસની ઉજવણી પછી તરત જ થાય તેવી શક્યતાઓ પ્રબળ બની રહી છે.


Loading...
Advertisement