રિલાયન્સમાં રૂા.115નો ઉછાળો; સેન્સેકસમાં 600 પોઈન્ટનો કડાકો

13 August 2019 06:37 PM
Business India
  • રિલાયન્સમાં રૂા.115નો ઉછાળો; સેન્સેકસમાં 600 પોઈન્ટનો કડાકો

શેરબજારમાં આક્રમક વેચવાલીથી હેવીવેઈટ રોકડા સહીતના તમામ ક્ષેત્રોના શેરોમાં ગાબડા

રાજકોટ તા.13
મુંબઈ શેરબજારમાં આજે રીલાયન્સમાં તોતીંગ ઉછાળા વચ્ચે સેન્સેકસમાં 600 પોઈન્ટનો ધરખમ કડાકો સર્જાયો હતો. મોટાભાગના હેવીવેઈટ રોકડાના શેરોમાં ગાબડા પડયા હતા.
શેરબજારમાં આજે માનસ નબળુ પડયું હતું. વિદેશી સંસ્થાકીય ઈન્વેસ્ટરો પર સુપરરીચ સરચાર્જ મુદે સરકાર તરફથી કાઈ રાહત ન અપાતા ખચકાટ ઉભો થયો હતો. વિદેશી નાણાં સંસ્થાઓ સતત માલ ફુંકતી હોવાનો પ્રત્યાઘાત હતો. વૈશ્ર્વિક મંદીની પણ નકારાત્મક અસર હતી. રીલાયન્સમાં તોતીંગ તેજી છતાં સમગ્ર માર્કેટમાં કોઈ સારી અસર શકય બની ન હતી. રીલાયન્સમાં ઉછાળા પાછળનું કારણ ગઈકાલે કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં ચેરમેન મુકેશ અંબાણીએ રજુ કરેલા મેગાપ્લાનનું હતું. ડીજીટલ, રીટેઈલ સહીતના ક્ષેત્રોની યોજના તથા દોઢ વર્ષમાં દેણામુક્ત થઈ જવાના કરેલા નિવેદનની સારી અસર હતી. રીલાયન્સની હુંફે આજે આખું બજાર તેજીમાં રહેવાની અટકળો હતી.
પરંતુ તેનાથી વિપરીત રીલાયન્સને બાદ કરતા અન્ય તમામ શેરો ધસી પડયા હતા. રીલાયન્સ 115 રૂપિયા ઉંચકાયો હતો. ઈન્ડીયા બુલ્સ હાઉસીંગ, ગેઈલ, સનફાર્મા, હાથવે, ટીપ્સ, જયોફરી ફીલીપ્સ વગેરેમાં ઉછાળો હતો. યશ બેંક, મહીન્દ્રા,બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વિસ, એક્ષીસ બેંક, એચડીએફસી, હીરો મોટો, એચડીએફસી બેંક, હિન્દ લીવર, ઈન્ડસઈન્ડ બેંક, ટીસ્કો, ટીસીએસ વગેરે ગગડયા હતા.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 37000ની સપાટીની નીચે સરકી ગયો હતો અને 600 પોઈન્ટના કડાકાથી 36981 સાંપડયો હતો જે ઉંચામાં 37715 તથા નીચામાં 36968 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 175 પોઈન્ટ ગગડીને 10934 હતો જે ઉંચામાં 11145 તથા નીચામાં 10931 હતો.


Loading...
Advertisement