સેલરના પાણી છોડતા બિલ્ડીંગો પર તવાઇ : 11 પંપ સીઝ-દંડ

13 August 2019 06:32 PM
Rajkot
  • સેલરના પાણી છોડતા બિલ્ડીંગો પર તવાઇ : 11 પંપ સીઝ-દંડ
  • સેલરના પાણી છોડતા બિલ્ડીંગો પર તવાઇ : 11 પંપ સીઝ-દંડ

અંતે રસ્તાઓ ધોઇ નાંખતા પાણીને રોડ પર આવતુ રોકાવતા કમિશ્નર : મીત બિલ્ડર, કોટક બેંક, ઓપ્શન, બોમ્બે હાઇટસ, ઇમ્પિરીયલ હાઇટસ સામે કાર્યવાહી

રાજકોટ તા.13
ભારે વરસાદ બાદ જે-તે આસામીઓ દ્વારા સેલર કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા જણાયેથી તેઓને લેખિત તાકિદ કરી, ડી-વોટરીંગ મશીનરી જપ્ત કરી નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે. જેના પગલે આજે સેન્ટ્રલ ઝોનમાં 8, વેસ્ટ ઝોનમાં 2 અને ઈસ્ટ ઝોનમાં 1 પંપ સીઝ કરવામાં આવેલ છે.
સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.14માં ગીતાનગર-6માં મીત બિલ્ડર દ્વારા તેમની સાઈટ ખાતે ભરાયેલા પાણીનો રોડ પર નિકાલ કરવામાં આવી રહયો હોવાનું જણાતા તેમનો ડીવોટરિંગ પંપ સીઝ કરાયો હતો, જ્યારે વોર્ડ નં.7માં ડો. યાજ્ઞિક રોડ પર કોટક મહિન્દ્રા બેંકવાળા બિલ્ડિંગમાંથી 1, તેની બાજુમાં આવેલ ઓપ્શન શો રૂમવાળા બિલ્ડિંગમાંથી 1, એ.જી.એમ. જીમવાળા બિલ્ડિંગમાંથી 1, ટાગોર રોડ પર ડો. આશિષ વેકરીયાની હોસ્પિટલવાળા બિલ્ડિંગમાંથી 1, એસ્ટ્રોન ચોકમાં, નચિકેતાની બાજુમાં મારૂતી મેનોર કોમ્પ્લેક્સમાંથી 1 અને ભાલોડીયા સ્કૂલ સામે હરી પેલેસવાળા બિલ્ડિંગમાંથી 1 પંપ, તથા ઈસ્ટ ઝોનમાં વોર્ડ નં.5 માં રણછોડનગર - 10 માં "બોમ્બે હાઈટ્સ" ક્ધસ્ટ્રકશન સાઈટ ખાતેથી પણ રોડ પર પાણી છોડવામાં આવતા હોવાનું જોવા મળતા પંપ સીઝ કરવામાં આવેલ છે.
દર વર્ષે ભારે વરસાદને કારણે શહેરમાં સ્થાનિક લોકો તથા બિલ્ડરો દ્વારા હયાત સેલરો તથા નવા બનતા બિલ્ડીંગનાં પાયાનાં ખોદાણમાં ભરાયેલ પાણીનો શહેરનાં મુખ્ય/આંતરીક રસ્તાઓ પર તથા ભૂગર્ભ ગટરમાં ડી-વોટરીંગ કરીને નિકાલ કરતા હોવાનું ધ્યાને આવેલ છે.
આ રીતે પાણીનાં નિકાલને કારણે રસ્તાઓને ખૂબ જ નુકશાન થાય છે જેથી નાગરિકોને અવર-જવરમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉદ્દભવે છે. આ ઉપરાંત પાણી ભૂગર્ભ ગટરમાં નિકાલ કરવાને કારણે હયાત ભૂગર્ભ ગટરની પાઇપલાઇનોમાં ઓવર કેપેસીટીને કારણે મેનહોલ ઉભરાવાની સમસ્યા ઉદ્દભવે છે તથા ડ્રેનેજ પાઇપલાઇનો દિવસો સુધી હેડીંગ થવાના કારણે ભૂગર્ભ ગટરનાં ગંદા પાણી ઉભરાઇને રસ્તા ઉપર ફેલાય છે, જેનાં કારણે લગત વિસ્તારોમાં ગંદકી ફેલાવાને લીધે લોકોનું આરોગ્ય જોખમાય છે.
શહેરમાં જે-તે આસામીઓ દ્વારા સેલર કે ચાલુ બાંધકામ સાઇટનાં પાયાનાં ખોદાણમાંથી જાહેર રસ્તા પર પાણી નિકાલ કરતા જણાયેથી તેઓને લેખિત તાકિદ કરી, ડી-વોટરીંગ મશીનરી જપ્ત કરી નિયમાનુસાર દંડનીય કાર્યવાહી કરવા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આદેશ આપ્યો છે.
કામગીરીની કડક અમલવારી જે-તે ઝોનનાં ટાઉન પ્લાનીંગ, બાંધકામ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, આરોગ્ય તથા જગ્યા રોકાણ શાખા દ્વારા સંલગ્ન ઝોનનાં નાયબ કમિશનરશ્રીઓનાં સીધા સુપરવિઝન હેઠળ સંયુક્ત રીતે કરવામાં આવી રહી છે.
વેસ્ટ ઝોનમાં એસ.આર. ડેવલોપર, ઓસ્કાર ટાવરની બાજુમાં અને ઈમ્પીરીયલ હાઈટ્સ, 150 રીંગ રોડના પંપ સીઝ કરાયા છે.


Loading...
Advertisement