મોરબીમાં ‘માનવ સર્જીત’ હોનારત થતા રહી ગઇ!

13 August 2019 06:29 PM
Morbi
  • મોરબીમાં ‘માનવ સર્જીત’ હોનારત થતા રહી ગઇ!

આ વર્ષે જ કેમ આટલા પાણી ભરાયા? ઘરમાં પાણી આવતા લોકો ફફડયા : હવે આયોજન ન થાય તો દર વર્ષે આફત નક્કી..

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી તા.13
મોરબીમાં શનિવારે પડેલ ધોધમાર વરસાદથી લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા. શહેરના છેવાડાના તો ઠીક પોશ વિસ્તાર ગણાતા અને જયાં પ્લોટ લેવા ઉંચી બોલી લાગતી હોય છે તેવો અવની ચોકડી વિસ્તાર જળબંબાકાર થઇ ગયેલ. અવની સોસાયટી, શકિતપાકઁ સોસાયટી અને રમ્યવાટીકા સોસાયટીમાં વરસાદના બંધ થયાને 3 કલાક છતા પાણીના યોગ્ય નિકાલના અભાવે ઘરમા પાણી ભરેલા હતા..! મોરબી નગરપાલીકાએ પાણીનો યોગ્ય નિકાલ કરવાની કોઇ આગોતરી કામગીરી કરી જ ન હોય શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હોય લોકોની તંત્ર પાસે પગલાં લેવા માંગ કરી રહ્યા છે.
તો મોરબીના નવલખી રોડ ઉપર આવેલ કુબેરનગરની ચારેય શેરીઓ તેમજ પાછળની અશોકવાટિકા સહિતની સોસાયટીઓમાં પણ શેરીઓમા 4-5 ફુટ જેટલા પાણી ભરાઈ જતા લોકોએ આફતનો સામનો કરવો પડ્યો હતો.
સામાકાંઠે આવેલ ત્રાજપર ચોકડીથી લઈને તમામ સોસાયટીના પાણીનો નિકાલ ઉમાટાઉનશીપના ખુણા પાસેથી જ થઇને મચ્છુ નદીમાં હોય અને ત્યાં વરસાદી પાણીના નિકાલનો માર્ગ ખૂબ જ નાનો હોવાને લીધે ધીમી ગતિએ પાણી જતું હોય તે વિસ્તારની રિલીફનગર, રોટરીનગર,અરૂણોદયનગર,વિધુત સોસાયટી, સરસ્વતી સોસાયટી, હરીપાર્ક, મહારાણા સોસાયટી,રામકૃષ્ણનગર સહિતની નીચાણવાળી સોસાયટીઓમાં લોકોના ઘરોમાં એકથી દોઢ ફૂટ જેટલું પાણી ભરાતા લોકોના ઘર વખરી પલળી ગયા હતા. જો બપોરે બે વાગ્યે વરસાદ બંધ ન પડ્યો હોત તો લોકોની માઠી નક્કી હતી પરંતુ મેઘરાજે વિરામ લેતા લોકોના શ્વાસ હેઠા બેઠા હતા.
સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયાના જણાવ્યા પ્રમાણે વરસાદ બહુ જ શાંત રીતે વરસેલ પરંતુ આડેધડ માનવ સર્જીત વોકળા અને વરસાદી પાણીના બંધોએ રીતસર મોરબીના રહેણાક વિસ્તાર જેવા કે રવાપર રોડ , ઉમીયા ચોક , અવની ચોકડી , રવાપર ની દરેક નવી સોસાયટી , સરદાર પટેલ રોડ , આલાપ , મારૂતી નગર , ગોકુલ નગર , યદુનંદન , સુભાષનગર , બાપા સિતારામ ચોક તેમજ નવા બનેલ તમામ એપાર્ટમેન્ટમા જે રીતે પાણી આવ્યુ તે ખરેખર નવસારી અને 11 ઓગષ્ટ 1979 ને યાદ કરાવી દીધુ.
લોકો આ બધુ બે દિવસમા ભુલી ગયા કોઇએ આ બાબતને ગંભિરતાથી લીધી નથી પરંતુ જો યોગ્ય રસ્તો ના કર્યો તો દર વરસે આ હાલત થવાની છે ત્યારે સમગ્ર મોરબી વતી નગરપાલીકા, જીલ્લા વહીવટ તંત્ર , રવાપર સરપંચ , રાજકીય આગેવાનો તેમજ જે તે લાગુ પડતા કાઉન્સીલરોને જાહેર વિનંતી અને રજુઆત છે કે આ વિષય ને ગંભિરતાથી લઇ અને જે તે લોકો એ પાણીના વહેણને ગેરકાયદેસર રોક્યા હોય તેમા નિકાલ કરે . નહિતર આગામી સમયમા હોનારતનુ નિર્માણ થશે આ બાબતે વહિવટી તંત્ર દ્વારા એક મીટીગનુ આયોજન કરી તેમા જે તે સોસાયટીમા પાણી આવ્યુ હતુ અને લોકોને બાનમા લીધા હતા તે સોસાયટી ના પ્રમુખો, કાઉન્સલરો, રાજકીય આગેવાનો તેમજ નગરપાલીકાની ટીમો, સરપંચો વગેરેને હાજર રાખી ઉભી થયેલ તકલીફો, તેના કારણો અને નિરાકરણો માટે એક મીટીગનુ આયોજન તાત્કાલીક ધોરણે કરવુ જરૂરી છે.
કારણકે આવો વરસાદ તો આવે જ છે પંરતુ હોનારત પછી આ પરીસ્થિતિનુ નિર્માણ પહેલી વખત થયુ છે તો છેલ્લા એક વરસમા શુ નવું બાંધકામ થયુ કે ફેરફાર થયા જેના કારણે આ પરીસ્થિતનુ નિર્માણ થયુ તેનુ અવલોકન કરીને નિકાલ લાવવો જરૂરી છે નહીતર સમય સાથે બધુ ભુલાઇ જશે અને કારણ સુધી પહોંચી નહી શકાય ત્યારે મોરબીના રવાપર રોડના તમામ નાગરીકો વતી વહીવટી તંત્રને આ બાબતને ગંભિરતાથી લઇ યોગ્ય નિકાલના પગલાં લેવા નિલેશ જેતપરીયાએ જાહેર અપીલ કરી છે.


Loading...
Advertisement