બોર્ડમાં રાજકીય પૂર: કોંગી કોર્પોરેટરોને હાંકી કઢાયા

13 August 2019 06:23 PM
Rajkot
  • બોર્ડમાં રાજકીય પૂર: કોંગી કોર્પોરેટરોને હાંકી કઢાયા
  • બોર્ડમાં રાજકીય પૂર: કોંગી કોર્પોરેટરોને હાંકી કઢાયા
  • બોર્ડમાં રાજકીય પૂર: કોંગી કોર્પોરેટરોને હાંકી કઢાયા
  • બોર્ડમાં રાજકીય પૂર: કોંગી કોર્પોરેટરોને હાંકી કઢાયા
  • બોર્ડમાં રાજકીય પૂર: કોંગી કોર્પોરેટરોને હાંકી કઢાયા

ચાર દિવસથી અડધા શહેરના રસ્તા પર સેલર-ગટરના પાણી: છતા પ્રશ્ર્નની ચર્ચાના બદલે ધમાસાણ :પ્રારંભિક પ્રશ્ર્નમાં જ કૂદાવતા નગરસેવકોને બહાર કાઢવા મેયરનો આદેશ: ભારે હોહા: વિપક્ષ ધરણા પર બેસી ગયો: રામધૂન

રાજકોટ તા.13
મ્યુનિ. કોર્પોરેશનની આજે મળેલી સામાન્ય સભામાં વિરોધ પક્ષ કોંગ્રેસે પ્રશ્ર્નોતરી વચ્ચે ઝંપલાવીને ભારે વરસાદના ચાર દિવસ બાદ પણ નગરમાં ભરાયેલા વરસાદના અને સેલરના પાણી, ગંદી ભૂગર્ભ ગટરો છલકાતા લોકોને પડતા ત્રાસનો મુદ્દો ઉઠાવતા સભામાં વધુ એક વખત રાજકીય ગરમી સર્જાઈ ગઈ હતી. ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે આ મામલે ગરમાગરમી થતા અને વિરોધ પક્ષ કોંગ્રેસે પ્રિમોન્સુન કામગીરીના થઈ ગયેલા ધોવાણનો મુદ્દો ન છોડતા અંતે મેયર બિનાબેન આચાર્યએ કોંગ્રેસના તમામ સભ્યોને બોર્ડમાંથી હાંકી કાઢવા આદેશ આપી દીધો હતો.
વધુ એક વખત સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્ર્નોની ચર્ચા થઈ ન હતી અને વરસાદ બાદની લોકોને ત્રાસ આપતી હાલતના મુદ્દે પણ રાજકીય પૂર સર્જાતા મનપાના સલામતી સ્ટાફ અને પોલીસે મેયરના આદેશ પરથી કોંગી સભ્યોને ધરણા અને રામધૂન વચ્ચેથી પણ ઉપાડીને બહાર કાઢયા હતા. જે બાદ લગભગ છેલ્લી અડધી કલાક માત્ર ભાજપના સભ્યોની હાજરીમાં હીલ સ્ટેશન જેવા ઠંડા અને શાંત વાતાવરણમાં ચર્ચા પૂરી થવા સાથે તમામ દરખાસ્તો મંજૂર થઈ ગઈ હતી.
આજે 11 વાગ્યે મેયરના અધ્યક્ષસ્થાને જનરલ બોર્ડ શરૂ થતા 27 કોર્પોરેટરમાં સૌથી પ્રથમ ક્રમે રહેલા ભાજપના કોર્પોરેટર અને બાંધકામ સમિતિના ચેરમેન મનીષ રાડીયાના વોટર વર્કસને લગતા પ્રશ્ર્નનો કમિશ્ર્નર બંછાનિધિ પાની જવાબ આપતા હતા. પાણી વિતરણની પૂરી સીસ્ટમ અંગે લાંબી ચર્ચા ચાલતી હોય અને હાલની સ્થિતિ અંગે કોઈ ચર્ચા ન થતા અંતે વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, પૂર્વ નેતા અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, મનસુખભાઈ કાલરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, પારૂલબેન ડેર સહિતના કોર્પોરેટરોએ વરસાદ બાદની નિષ્ફળ દેખાતી કામગીરી સાથેની હાલત મામલે તંત્ર પાસે જવાબ માંગ્યો હતો પરંતુ પ્રશ્ર્નોની ચર્ચા ક્રમ મુજબ થશે તેવું મેયરે નિયમ મુજબ સ્પષ્ટ કહી દીધુ હતું. છતા વિરોધ પક્ષના સભ્યો એકના બે થયા ન હતા. ભાજપ નેતા નીતિન ભારદ્વાજ અને સ્ટે.કમીટી ચેરમેન ઉદય કાનગડે કોંગ્રેસને ટપારી હતી અને બોર્ડની ગરીમમાં રહીને ચર્ચા કરવા કહ્યું હતું પરંતુ ત્યાં સુધીમાં તમામ સભ્યો ડાયસ પાસે આવી ગયા હતા અને તંત્રનો જવાબ માંગવાનું ચાલુ રાખતા અંતે બિનાબેન આચાર્યએ વિપક્ષી સભ્યોને બોર્ડમાંથી બહાર કાઢવા મનપા સલામતી સ્ટાફ અને બંદોબસ્તમાં રહેલી પોલીસને આદેશ આપી દીધો હતો.
બેનર ફરકાવ્યા-ધરણા
રાજકોટ શહેરમાં લગભગ અડધા વિસ્તારોમાં હજુ વરસાદી પાણી ભરેલા છે અને ભૂગર્ભ ગટરો ગંદા પાણી સાથે છલકાઈ રહી છે. પરંતુ ચાર ચાર દિવસથી લોકોના આ પ્રશ્ર્નનો ઉકેલ આવતો નથી. તમામ વોર્ડમાં સેંકડો ઈમારતોમાંથી સેલરના પાણી રોડ પર છોડવામાં આવી રહ્યા છે. આ કારણે રાજમાર્ગો હજુ પાણી પાણી છે. મવડી ચોકડી સહિતના વિસ્તારોમાં પાણીનો નિકાલ હજુ થતો નથી.
વોર્ડ નં.11ના કોર્પોરેટર પારૂલબેન ડેરે નહેરૂનગર સહિતના વિસ્તારમાં ચાર ચાર દિવસથી પાણી વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ગયાનું કહીને ઉપવાસ કરવા ચીમકી આપી હતી.
વોર્ડ નં.3ના કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી અને દિલીપ આસવાણીએ પણ પોપટપરા સહિતના વિસ્તારોમાં પાણીના ભરાવા દુર કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યાનું કહીને આ સમસ્યા સાથેને બેનર ફરકાવ્યા હતા. કોંગ્રેસના અનેક સભ્યોએ બેનર ફરકાવી વિરોધ કરીને ધરણા પ્રદર્શન સાથે રામધૂન બોલાવી હતી.
કોંગ્રેસના સભ્યોને ઉંચકાવીને પોલીસે બહાર કાઢતા કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયા, વશરામભાઈ સાગઠીયા, અતુલ રાજાણી, નિલેશ મારૂ તથા મહિલા સભ્યોને પણ પોલીસ સાથે માથાકૂટ થઈ હતી. એ ડીવીઝન પોલીસ સ્ટાફ સાથે તો હાકલા પડકારા થઈ ગયા હતા અને દેકારા વચ્ચે સભ્યોને બોર્ડ બહાર મોકલી દેવાયા હતા. બાદમાં માત્ર ભાજપ સભ્યોની હાજરીમાં બોર્ડની કાર્યવાહી પૂરી થઈ હતી.

સ્માર્ટ સીટી વરસાદી-ગટરના પાણીથી ઘેરાઈ ગયું:
‘સાંજ સમાચાર’ના અહેવાલનો બોર્ડમાં ઉગ્ર પડઘો..
રાજકોટ તા.13
રાજકોટમાં ગત શુક્રવારે સાંજથી શનિવાર બપોર સુધીમાં વરસી ગયેલા 18 ઈંચ વરસાદે શહેરને એક રીતે ધોઈ નાખ્યું હતું. આ બાદ વરસાદ રહી જવા છતા બિલ્ડીંગના સેલરોના પાણીથી શહેર જળબંબાકાર થયાના અને ભૂગર્ભ ગટરો ઓવરફલો થયાના લોક ફરીયાદના અહેવાલ ‘સાંજ સમાચારે’ પ્રસિધ્ધ કર્યા હતા. ગઈકાલે શહેરના જુદા જુદા ડઝન જેટલા વિસ્તારોની હાલતનો સચિત્ર અહેવાલ રજુ કર્યો હતો. બાદમાં સાંજે કોંગ્રેસ સંકલનની મીટીંગમાં આજના બોર્ડમાં વરસાદી પાણી અને ગટરના પ્રશ્ર્નને ઉપાડવા નિર્ણય લેવામાં આવ્યો હતો. કોંગી નેતા સહિતના સભ્યોએ આ પ્રશ્ર્ન સાથેના બેનર તૈયાર કરાવ્યા હતા અને ભાજપના પદાધિકારીઓ તથા અધિકારીઓ પાસે જવાબ માંગ્યો હતો. આજના દિવસે રાજકોટ શહેર માટે આનાથી મોટી કોઈ સમસ્યા નહીં હોવાનું તમામ ચુંટાયેલા સભ્યો અને અધિકારીઓ સ્વીકારી રહ્યા છે.


Loading...
Advertisement