વાંકાનેરમાં જિન ભકિત સંગીત કાર્યક્રમમાં ભાવિકો વિભોર

13 August 2019 05:25 PM
Morbi Dharmik
  • વાંકાનેરમાં જિન ભકિત સંગીત કાર્યક્રમમાં ભાવિકો વિભોર

પૂ.વીરતાબાઈ મ.ના 31 વર્ષના સંયમ જીવન તથા 50 વર્ષના જીવન પ્રસંગે

વાંકાનેર તા.13
ધર્મનું આરાધન અને જિનેશ્ર્વર ભગવંતની ભકિત સુખકારી છે, સાધી-સાધ્વીજી મહાસતીજીઓના આશિર્વાદ સુખકારી છે, મુનિ ભગવંતો-સાધ્વીજી ભગવંતોનો સંસર્ગ આત્માની જાગૃતિ લાવે છે, કર્મનિર્જરા અને કર્મક્ષય માટે જીવમાત્રને પ્રેરીત કરી આંતરિક સુખ પમાડે છે. આ ભાવો સાથે ત્રણ કલાકથી વધુ સમય જિનભકિત સંગીતની રમઝટ બોલાવતા જૈન સંગીતકાર અંકુર શાહે પૂજય વીરતાબાઈ મહાસતીજીના 31 વર્ષના સંયમજીવન તથા 50 વર્ષના જીવન પ્રસંગે પોતાની મધુર વાણીમાં ગીતોસ્તવનો પીરસ્યા હતા.
31 વર્ષ પહેલા ભાગવતી દિક્ષા અંગીકાર કરનાર પોતાની દિકરી મહાસતીજી વીરતાબાઈને તેમના સાંસારિક માતુશ્રી તારાબહેન સ્ટેજ પર જઈ વંદન કર્યા એવી શ્રમણ જૈન પરંપરામાં દેવો- ઈન્દ્રો પણ સાધુ સાધ્વી ભગવંતોને વંદન કરે છે.
જૈન સાધુ સંસ્થામાં પ્રત્યેક સાધુ સાધ્વી મહાસતીજી પોતાના સંયમ જીવનમાં કયાંય સંઘર્ષ ન જન્મે, કયાંય સ્વાર્થ ન આવે, કયાંય ધન, કુટુંબ કે સંસાર બાધક ન બને તે માટે 6 જીવનિકાયની રક્ષા, 12 વ્રતોનું પાલન કરી અહિંસા અને અનેકાંતવાદ દ્વારા શરીરસુખ અને ઈન્દ્રિયસુખથી ઉપર ઉઠી અધ્યાત્મ સુખના માર્ગે લઈ જવા સમસ્ત માનવજાત અને જીવસૃષ્ટિની ખેવના કરે છે.,
અંતરશત્રુઓ સામે જંગે ચડનારા, સમગ્ર જીવસૃષ્ટિના આવિશ્ર્કારની ભાવના રાખનારા, ભૌતિક સામગ્રીના ખડકલા વચ્ચે અત્યંત ઓછા વસ્ત્રો અને ઉપકરણો વાપારી દેહ પર પરિગ્રહ છે. એ વિચારધારાથી સાધુ સાધ્વીજી મહાસતીઓ ઉગ્ર તપશ્ર્ચર્યા કરતા રહે છે. આવા ભાવોને સંગીતમાં વણી લઈ થયેલા આ કાર્યક્રમમાં સ્થાનકવાસી જૈન સંઘમાં ચાતુર્માસ કરી રહેલા મહાસતીજી હિતાજ્ઞાશ્રીજી થાણા 4 તથા તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ કરી રહેલા સાધ્વીજી ભગવંત દર્શિતરત્નશ્રીજી થાણા 4 એ સમસ્ત જૈન જૈનેતર સમાજની હાજરી વચ્ચે સૌને અંતરના આશિર્વાદ પાઠવ્યા હતા.
રાજકોટ નિવાસી મુકેશભાઈ ઈશ્ર્વરલાલ દોશી તથા લતેશભાઈ ઈશ્ર્વરલાલ દોશી, ભાઈઓનો પરિવાર, 10-11 સ્થળોએથી આવેલા સગા સબંધી મહેમાનો સ્થાનકવાસી સંઘના પ્રમુખો અનુભાઈ મહેતા તથા બળવંતભાઈ પટેલ, તપગચ્છ જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઈ દોશી, દિગંબર જૈન સંઘના ટ્રસ્ટીઓ, વિસાશ્રીમાળી જૈન સંઘના પ્રમુખ લલીતભાઈ મહેતા તથા બન્ને મહિલા મંડળોના પ્રમુખો પ્રજ્ઞાબેન પટેલ, નિલાબેન દોશી સહિત જૈન શ્રાવિકાઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની વ્યવસ્થા પ્રદીપભાઈ મહેતા, કેતનભાઈ મહેતા, રાજુભાઈ શાહે સંભાળી હતી.
આ પ્રસંગે યોજાયેલ નવકાશી જમણમાં 1500 જેટલા જૈનોએ લાભ લીધો હતો.


Loading...
Advertisement