વિશ્ર્વવંદનીય પૂ.પ્રમુખ સ્વામી મહારાજની આજે તૃતિય પુણ્યતિથિ : ભાવવંદના

13 August 2019 04:50 PM
Rajkot Dharmik
  • વિશ્ર્વવંદનીય પૂ.પ્રમુખ સ્વામી મહારાજની આજે તૃતિય પુણ્યતિથિ : ભાવવંદના
  • વિશ્ર્વવંદનીય પૂ.પ્રમુખ સ્વામી મહારાજની આજે તૃતિય પુણ્યતિથિ : ભાવવંદના

પૂ.બાપા સાથે 50 કરતાય વધુ વર્ષો રહેલા પૂ.મહંત સ્વામી મહારાજ આલેખે છે અનુભવો-અંતરના ભાવો :દેશ-વિદેશમાં પૂ.પ્રમુખ સ્વામી મહારાજની તૃતિય પુણ્યતિથિએ કાર્યક્રમો : રાજકોટમાં સાંજે ધર્મસભા : પ્રમુખ સ્વામી મહારાજ એટલે સાધુતાનું એવુ શિખર, જેમના શરીર પર ખુદ ભગવુ વસ્ત્ર સાર્થકતા પામે છે : સ્વામીશ્રીએ બીજાનું ભલુ કરવા પોતે ભીડો વેઠયો પોતાના વર્તનથી સૌને રાજી કર્યા, પ્રેમ અને વર્તનનો અલૌકીક જાદુ તેમનામાં સહેજે જોવા મળે : પૂ.મહંત સ્વામી :સ્વામીશ્રીના અનેક રૂપોમાં અઘ્યાત્મ પ્રગટે છે, સંતો ભકતો સાથે એમને રમૂજની છોળો ઉડાડતા જોયા છે : પૂ.મહંત સ્વામી

રાજકોટ તા.13
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પ્રગટ બ્રહ્મસ્વરૂપ, વિશ્ર્વ વિભૂતિપૂ. પ્રમુખ સ્વામી મહારાજની આજે ત્રીજી પુણ્યતિથિ છે. ભાવ વંદના, રાજકોટ સહિત દેશ-વિદેશમાં આવેલા સ્વામીનારાયણ મંદિરોમાં ધર્મસભાના આયોજનો કરાયા છે અને તેમણે ગુણાનુવાદ થશે.
રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ શ્રી સ્વામીનારાયણ મંદિરે સાંજે ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે. મંદિરના કોઠારી સ્વામી શ્રી બ્રહ્મતીર્થદાસજી મ. તથા સંત નિર્દેશક પૂ.અપૂર્વમુનિ મ.નું સાંનિઘ્ય રહેશે.
અહીં બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના અઘ્યક્ષ પૂ.મહંત સ્વામી મહારાજની નજરે કરૂણાના સાગર, વિશ્ર્વ વિભૂતિ પૂ.પ્રમુખ સ્વામી મહારાજ વિશેનું આલેખન પ્રસ્તુત છે.
સાધુતા એ માત્ર કોઈ વેશભૂષા નથી. એ તો એક આધ્યાત્મિક અનુભૂતિ છે. વસ્ત્રો ભગવા કરવાનું તો પહેલા અને આજે પણ સરળ રહ્યું છે. પરંતુ હૈયુ ભગવું કરીને, સાધુતાને રોમરોમમાં પચાવીને, ભગવાન સાથે એકતાર થઈ જવાનું દુર્ગમ અને દુર્લભ છે. ક્યારેક એમ લાગે છે કે, કળિયુગમાં એવી સાધુતાની ઝાંખી પણ મળવી દુર્લભ છે. પરંતુ પ્રમુખસ્વામી મહારાજનું દર્શન અને તેમનો સત્સંગ કરતાં અનુભવાય છે કે, સનાતન હિંદુ ધર્મ અને જગતના ધર્મો એ જેને સાધુતાની ચરમસીમા કહી છે, તે આ મહાપુરુષ છે. સાધના કરીને નહીં, જન્મજાત તેમનામાં એ સાધુતાની મહેક મહેકી છે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણે મોક્ષના દ્વાર સમાન ગુણાતીત સત્પુરુષનાં લક્ષણો વર્ણવીને સાધુતાનું શિખર બતાવ્યું છે. પ્રમુખસ્વામી મહારાજ એટલે સાધુતાનું એવું શિખર, જેમના શરીર પર ખુદ ભગવું વસ્ત્ર સાર્થકતા પામે છે. એમની સાધુતા એટલે સદગુણોનો સાગર. પ્રમુખસ્વામી મહારાજના સહવાસમાં છેલ્લા 50 કરતાય વધુ વર્ષોથી રહીને તેમને નિકટથી જોનારા વરિષ્ઠ સંતોને પૂછવામાં આવ્યું : ’50 વર્ષ પહેલા આપ પ્રમુખ સ્વામી મહારાજ ને પહેલી વખત મળ્યા, ત્યારે તેઓ ગુરુપદે નહોતા, તે સમયે પણ અને આજે પણ તમે તેઓને નિરખો છો. જગતના માંધાતાઓ ની સતત સન્માનવર્ષા વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ; અને તેમના પ્રચંડ પુરુષાર્થથી સંસ્થાના જગપ્રસિદ્ધ કાર્યો સાથે સતત વધતી જતી વિશ્વવ્યાપી ગરિમા, એ આજની પરિસ્થિતિ છે. આ બે અંતિમો વચ્ચે પ્રમુખસ્વામી મહારાજની સાધુતા આપને કેવી અનુભવાય છે?’ પ્રત્યુત્તર રૂપે, 50 કરતાંય વધુ વર્ષોના સ્વામીશ્રી સાથેના અનુભવોને અને રગેરગમાં નીતરતી તેમની સાધુતાને; એમના જ અનુગામી મહંત સ્વામી મહારાજ ની કલમે માણીએ.
મહંત સ્વામી મહારાજ લખે છે
"સને 1951 ની આ વાત છે. ગઢપુરમાં પ્રતિષ્ઠાને આગલે દિવસે પ્રમુખસ્વામી મહારાજ સાથે મારી પ્રથમ મુલાકાત થઇ. એમની ઉંમર તે સમયે 29 વર્ષની... મારી ઉંમર 16 વર્ષની...સ્વામીશ્રીની નિકટમાં આવતા થોડી ક્ષણોમાં જ અદભૂત અને દિવ્ય અનુભવ થયો. એમણે શું પૂછ્યું ને મેં શો જવાબ આપ્યો એ બિલકુલ યાદ નથી. પરંતુ પ્રથમ દર્શને જ આકર્ષણ જરૂર થયું હતું. સંકલ્પો જાણે બંધ થઈ ગયા હતા! તેઓ મને ઓળખતા હોય તેમ લાગ્યું. સ્વામીશ્રીને હું પણ ઓળખતો હોઉં એમ લાગ્યું!! વૈશાખની લૂમાંથી ઊંચકાઇને હિમાલયની ગુલાબી ઠંડક માં મુકાયો હોઉં એવી ટાઢક થવા લાગી. ત્યાં તો એક હરિભક્ત આવ્યા, અને સ્વામીશ્રીને તેમની સાથે જવાનું થયું... પલકારામાં તેઓ સ્મિત કરતા જતા રહ્યા. કોઈએ કીમતી વસ્તુ આંચકી લીધી હોય તેમ હું હેબતાઈ ગયો. આજુબાજુ હજારો લોકો હતા, બૂમાબૂમ અને કલશોર હતો, છતાં હું એકલો પડી ગયો હતો.
આજે સમજાય છે કે સ્વામીશ્રીનું કેવું વ્યક્તિત્વ હતું એ સમયે!!! પ્રભાવ પાડી દેવો, આંજી નાખવા, એવું કાંઈ જ નહીં. સીધા, સાદા, સરળ, નિખાલસ! છતાં હું અંજાઈ ગયો. મને તે સમયે થયેલું : ’વાહ! આ સાધુ સાચા!’ એ છાપ આજ સુધી વિકસતી રહી છે. સૌપ્રથમ વાર મને સાધુ થવાની વાત જો કોઈએ કરી હોય તો એ પ્રમુખસ્વામી હતા.
વેકેશનના દિવસોમાં એક વખત સ્વામીશ્રી અને તેમની જોડના સંતની સાથે મારે અમદાવાદ વિચરણમાં જવાનું થયું. અમે ત્રણે આંબલી વાળી પોળમાં ઉતારે આવ્યા. સ્વામીશ્રી જાતે જ રસોઈ બનાવે. કોણ જાણે સ્વામીશ્રીએ કેવી રીતે જાણી લીધું હતું કે મને રોટલીમાં વધુ રુચિ છે, હું ભાત ખાતો નથી. આથી સ્વામીશ્રી રોજ પોતાના ભાગની રોટલી મને આપી દેતા! તેઓ માત્ર દાળ-ભાત જમી લેતા. ઘી બધું રોટલી પર ચોપડી દે. પોતાના માટે કશું રાખે નહીં. આ બધી વાતની મને જરા પણ જાણ થવા દીધી નહોતી. તે સમયે નાની ઉંમર એટલે મને પણ ભૂખ બહુ લાગે. બીજી બાજુ શરમ પણ આવે. સહેજે માગવા-કરવાની બાધા. પણ સ્વામીશ્રીએ સામેથી અંતરાય તોડ્યો! હું જેટલું જમું તેટલું પીરસતાં જ રહે! સ્વામીશ્રી માટે કંઈ વધે છે કે કેમ તે જોવાની મને સૂઝ પણ નહીં. ખરેખર! આવો નિખાલસ, દિવ્ય, સાધુતાભર્યો પ્રેમ આજે પણ સાંભરે છે. એવું લાગે છે કે જાણે એ પાતાળ ઝરો આજે પણ વણખુટ્યો વહ્યા જ કરે છે...
એવા જ એક પ્રસંગે સ્વામીશ્રી સાથે અમદાવાદ થી વડોદરા જવાનું થયું. હું યુવક તરીકે સેવામાં સાથે હતો. સ્વામીશ્રીએ ટ્રેનમાં બેઠક લીધી. નિયમ ધર્મની મર્યાદા સાચવવા સ્વામીશ્રી યોગ્ય બેઠક ની તપાસ કરવા ઉતર્યા. થોડીવારે આવ્યા, ને કહે : ’ચાલો આગળ સારી જગ્યા છે’. એમ કહેતા એમણે પોતાનું પોટલું લીધું ને હું પણ તેમની પાછળ ચાલવા લાગ્યો!
કોણે જગ્યા શોધવાની હતી? મારે કે સ્વામીશ્રીએ? પણ ગુરુએ સેવક ધર્મ બજાવ્યો. યોગ્ય જગ્યાએ ગોઠવાઈ ગયા. એવામાં સ્વામીશ્રીએ મને પૂછ્યું : ’તમારી થેલી ક્યાં?’ થેલી તો હું પેલા ડબ્બામાં જ ભૂલી ગયેલો! હું મૌન રહ્યો. હજુ લેવા ઉભો થાઉં તે પહેલા તો સ્વામીશ્રી કશું જ કહ્યા વિના મારી થેલી લેવા ઉપડી ગયા. ગિરદી એટલી હતી કે સ્વામીશ્રીને ઉપવાસ પડવાનો ભય પૂરેપૂરો હતો. પણ સ્વામીશ્રી થોડી ક્ષણોમાં તો થેલી લઈને આવી ગયા. હું હતો તો 17 વર્ષનો, પણ મારી બે વર્ષના બાળકની જેમ સંભાળ રાખી. તેમણે મને કશું જ કહ્યું નહીં. સલાહ-સૂચન પણ નહીં કે ’ધ્યાન રાખવું... પોતાનો સામાન તો સાચવવો જોઈએ ને!’ હું તો તે સમયે એમની સેવા માટે સાથે મુકાયેલો તેને બદલે તેમણે મારી સેવા કરી.
ગુરુ જ સેવક ની સેવા કરે. ધ્યાન રાખે તે કેવી અવળી ગંગા! મારી સેવા કે દેખરેખથી શું એમની પ્રસિદ્ધિ થવાની હતી? કે બીજો કોઈ લાભ મળવાનો હતો? પણ આ નાતો તો કેવળ આત્મીયતાનો...
આવા અનેક ગુણોથી ભરેલી સ્વામીશ્રીની સાધુતાએ મારા હૈયે એક અમીટ છાપ પાડી દીધી. 1983માં સ્વામીશ્રીને હ્રદયરોગનો ગંભીર હુમલો થયો તે જ દિવસે અમે બધા ચાલુ વિચરણે સ્વામીશ્રીની ખબર જોવા આવ્યા હતા. સ્વામીશ્રી એ સમયે માંદગીને બિછાને થી સંતો ને બોલાવીને મારી ચિંતા કરવા લાગ્યા હતા: ’મહંત સ્વામી આવ્યા છે તેમને માટે મગ કરી આપજો...’
વડોદરા પાસે બામણગામ ના વિચરણની વાત યાદ આવે છે. અહીં ખોરડે-ખોરડે સ્વામીશ્રી લોકોના ઘરે ઘુમ્યા છે. એકવાર વૈશાખ મહિનામાં સખત તાપમાં સ્વામીશ્રી બપોરે 3 વાગે પધરામણી કરી રહ્યા હતા. વિચરણમાં હું સાથે હતો. એ ગામ ઊંચાણ-નીચાણનાં ઢોળાવોવાળુ છે. સ્વામીશ્રી એક ટેકરો ચઢી રહ્યા હતા. તેમને હાંફ ચડ્યો હતો. પગની પિંડીઓમાં કળતર થતું હોય એવું મને લાગ્યું. એટલે મને દયા આવી, આટલો ભીડો શા માટે? હવે એમણે આરામ કરવો જોઈએ...ત્યાં તો તરત સ્વામીશ્રી મારી સામું જોઈ જરા હસ્યા અને કહે : ’અહીં બધે યોગીબાપા એ પધરામણી કરેલી છે.’ હું ચકિત થઇ ગયો. ક્ષણે ક્ષણે એમણે પોતાના ગુરુને જ નજર સમક્ષ રાખ્યા છે. પોતાના દેહની કોઈ દયા જ નથી. સ્વામીશ્રીએ બીજાનું ભલું કરવા પોતે ભીડો વેઠ્યો. પોતાના વર્તનથી સૌને રાજી કર્યા. પ્રેમ અને વર્તનનો અલૌકિક જાદુ તેમનામાં સહેજે જોવા મળે...
સારંગપુર માં ક્વિઝના એક કાર્યક્રમમાં સ્વામી ને પૂછ્યું : ’આપને શું થવું ગમે?’ સ્વામીશ્રી ધાણી ફૂટે તેમ બોલ્યા હતા : ’સેવક!’
સ્વામીશ્રી બધાના સેવક બનીને રહ્યા છે. ક્યારેય હક્ક જમાવ્યો નથી. ફરજ ઉપર જ ગયા છે. ફરજ ને જ પોતાનો હક માને છે અને આનંદ લૂંટે છે.
બીજું, વર્ષોથી અમે જોતા આવ્યા છીએ ધર્મધુરા સંભાળી ત્યારથી આજ સુધી એમની આટલી પ્રવૃત્તિમાં એમનો આદર્શ ક્યારેય બદલાયો નથી. એમનો આદર્શ છે - આત્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરવી. સ્વામીશ્રીને ક્યારેય એકાંત હોતું નથી. સદાય પ્રવૃત્તિના હલ્લા ચારેબાજુ દેખાયા કરે. આ બધાની વચ્ચે પણ સ્વામીશ્રીની એક શાંત નિરાળી આધ્યાત્મિક છબી ઉપસતી રહી છે. આટલો વ્યવહાર હોવા છતાં સ્વામીશ્રી ક્યારેય વ્યવહારમય લાગ્યા નથી. વહેવારિયા લોકોને એક ટેવ પડી જાય છે તવજ્ઞીશિંક્ષલની. પોતાનું અસ્તિત્વ બતાવવા માટે તેમને બૂમાબૂમનો આશરો હોય છે. મને યાદ છે કે યોગીબાપાના અમૃત મહોત્સવ વખતે સ્વામીશ્રીએ એકલે હાથે બધા જ વિભાગોને સંભાળેલા, પણ ક્યારેય પોતે ઉભરાઈ ગયા નહોતા, આટલા ગૂંચવાડાવાળા અને એકધારા કામમાં સ્વામીશ્રીને ક્યારેય કંટાળેલા નથી જોયા. બિલકુલ ધીર-સ્થિર!
બીજા અમથા બૂમો પાડતા હોય. આપણને લાગે કે આજ વ્યવસ્થાપક હશે! પણ શાંત રહીને કામ કરવાની કુશળતા સ્વામીશ્રીની સાધુતાને વધુ ઝળહળતી બનાવે છે.
સ્વામીશ્રીના અનેક રૂપોમાં અધ્યાત્મ પ્રગટે છે. સંતો ભક્તો સાથે એમને રમૂજની છોળો ઉડાડતા જોયા છે, બાળકો સાથે હળવોફૂલ વાર્તાલાપ સાંભળ્યો છે, સખત ટેન્શન અને ચિંતા ઉભી થઈ જાય તેવા સંજોગોમાં ભગવાનને સર્વ કર્તા-હર્તા સમજીને વગર ચિંતાએ અતિ અગત્યના નિર્ણયો લેતા જોયા છે, અત્યંત મૃદુ વાણીથી એમના અંતરના અમૃત ચાખ્યા છે. આ બધું શું બતાવે છે? તેઓ કોઈના ઠરાવ્યા ઠર્યા નથી. અંતર જ જેમનું અરોગી છે, રાગ-દ્વેષથી રહિત છે, ત્રિગુણથી પર છે, તેવા મહાપુરુષને તો ભગવાન સામેથી વશ વર્તે છે. કોઈ ધારણા નહીં, યોગના કોઈ અંગ નહી, તોપણ સ્વામીશ્રી યોગી છે...
આ લખું છું એ નક્કર અનુભવેલી હકીકત છે, જેના લાખો હરિભક્તો સાક્ષી છે. એમણે વેઠેલો ભીડો એ ભવિષ્યની પેઢી માટે તો કલ્પના કે દંતકથાનો વિષય બની રહેશે. એમની સાથે મારે છેલ્લા 65 વરસનો સંપર્ક છે. તેમનો લાભ લઈએ છીએ, તેમાં અવશ્યપણે અનુભવ્યું છે કે સ્વામીશ્રી અસલી સંત છે, નિરાળા સાધુ છે. એમના અનંત ગુણો કેળવેલા કે મેળવેલા નથી, શીખેલા કે જાણેલા નથી, પોતે પણ ઘડાઈ ઘડાઈને ગુણિયલ થયા તેવું નથી. એમને ભગવાનનો અખંડ અને અનાદિ સંબંધ છે. એટલે જ તેઓ સદ્ગુણોનું નિવાસસ્થાન છે."
પોતાના ગુરુ પ્રમુખસ્વામી મહારાજનો મહિમા સમજતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તથા સમગ્ર સંતો હરિભક્તો આજે તૃતીય પુણ્યતિથિએ તેઓના ચરણોમાં શત શત વંદન કરે છે


Loading...
Advertisement