કચ્છના અબડાસામાં વરસાદી પાણીમાં ડુબી જતાં બેના મૃત્યુ

13 August 2019 12:11 PM
kutch
  • કચ્છના અબડાસામાં વરસાદી  પાણીમાં ડુબી જતાં બેના મૃત્યુ

બે અલગ-અલગ બનાવમાં આધેડ-કિશોરના મોતથી શોક

ભૂજ તા.13
કચ્છના અબડાસામાં ભારે વરસાદ બાદ નદી-સરોવર નવા નીરથી લહેરાઈ રહ્યાં છે. ત્યારે, પાલર પાણીએ આજે બે અલગ અલગ દુર્ઘટનામાં એક કિશોર અને આધેડનો ભોગ લેતાં સચરાચર વરસાદનો ઉલ્લાસ માતમમાં ફેરવાયો છે.
જખૌના આશિરાવાંઢમાં 12 વર્ષનો કિશોર તળાવમાં ડૂબી જતાં મૃત્યુ પામ્યો છે. મૃતક અયુબ હસણ જત સવારે ઢોર ચરાવવા ગયો હતો અને તળાવમાં ન્હાવા પડ્યો હતો. આજે બપોરે બે વાગ્યાના અરસામાં તળાવના પાણી પર તેનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.
બનાવ અંગે જખૌ પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ, ઉકીરમાં નદીના વહેણમાં તણાઈને ડૂબી જવાથી 58 વર્ષના હમીર રબારી નામના આધેડનું મોત નીપજ્યું છે. મૃતક હમીરભાઈ સવારે વાડીએ ગયા હતા અને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું વાયોર પોલીસે જણાવ્યું છે.


Loading...
Advertisement