અબ યે દેશ હુઆ બેગાના: સિંહોને જુનાગઢ કરતાં ભાવનગર-અમરેલીના લોકો વધુ મૈત્રીપૂર્ણ લાગે છે

13 August 2019 11:56 AM
Ahmedabad Gujarat Saurashtra
  • અબ યે દેશ હુઆ બેગાના: સિંહોને જુનાગઢ કરતાં ભાવનગર-અમરેલીના લોકો વધુ મૈત્રીપૂર્ણ લાગે છે

સદીઓથી ગીરના સિંહો અને લોકો વચ્ચે સાંસ્કૃતિક-પરંપરાગત નાતાની દુહાઈ આપવામાં આવતી હતી, પણ હવે એવું નથી : સિંહોના હુમલા અને પાકને નુકસાનીથી જુનાગઢના લોકો હવે સાવજ સામે થયા છે : અડધા સિંહો અભ્યારણ્ય અને સંરક્ષિત વિસ્તાર બહારના 4 જીલ્લાઓમાં સ્થળાંતર કરી ગયા છે

અમદાવાદ તા.13
માણસજાત માટે કહેવાય છે કે લાંબો સમય પરિચિત રહીએ ત્યારે સામેના માણસ પ્રત્યે એક જાતનો અણગમો ઉત્પન્ન થાય છે. ગુજરાતમાં સિંહો બાબતેના એક મહત્વના અભ્યાસમાં પણ આવું તારણ નીકળ્યું છે.
વાઈલ્ડલાઈફ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયા (ડબલ્યુઆઈઆઈ)ના ‘ઈકોલોજી ઓફ લાયન ઈન એગ્રો પેસ્ટોરલ ગીર લેન્ડસ્કેપ- ગુજરાત’ નામના 2009 થી 2014 વચ્ચે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાયું છે કે છેલ્લા એક દસકાથી પડોસના અમરેલી અને ભાવનગર જીલ્લામાં પગપેસારો કરનારા સિંહોને ત્યાંના લોકો ગીર અભ્યારણ જયાં આવેલું છે તે ગુજરાતના લોકો કરતાં વધુ મૈત્રીપૂર્ણ છે.
ખ્યાતનામ સિંહ નિષ્ણાંત અને વાઈલ્ડલાઈફ વિજ્ઞાની વાય.વી.ઝાલાએ સંશોધકો કૌશિક બેનરજી અને પરાવિતા બાસુ સાથે હાથ ધરેલા અભ્યાસમાં લોકોના વલણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. એમાં જણાયું હતું કે ભાવનગર જીલ્લો વધુ સિંહપ્રેમી છે, જયારે જુનાગઢ એટલો લગાવ ધરાવતો નથી. ઉલ્લેખનીય છે કે જુનાગઢ જીલ્લો સિંહ સાથે વસવાટનો લાંબો ઈતિહાસ ધરાવે છે, અને
હવે આ જીલ્લો કૃષિ ઘાસચારાની દ્દષ્ટિએ વિખેરાઈ ગયો છે.
ગીરના અને બહારના સંરક્ષિત વિસ્તારના 254 ગામોના 680 લોકોનો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. સંશોધકોના મત મુજબ સિંહો સાથેનો સંઘર્ષ લાંબો સમય સહન કર્યા પછી જુનાગઢના ઉતરદાતાઓ અમરેલી અથવા ભાવનગર જીલ્લાના લોકો કરતાં વધુ હોસ્ટાઈલ (દુશ્મનાવટ) છે. આવી દુશ્મનાવટના હાર્દમાં અર્થશાસ્ત્ર છે. જુનાગઢના મોટાભાગના લોકોને સિંહોના હુમલાના કારણો પાક અને પશુઓનું નુકશાન વેઠવું પડયું છે.
ગીર બહાર સિંહોની વસતીની ગીચતા 100 ચોરસ કીમીએ માત્ર 2 છે. સામાજીક સહિષ્ણુતાની મર્યાદામાં આ સંખ્યા હોવાથી લોર્મ તેમના વિસ્તારમાં સિંહ ઈચ્છે છે.
2015ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 523 સિંહો હતા અને અત્યારે તે 700 આસપાસ હોવાનું માનવામાં આવે છે. એમાંના 50% સંરક્ષિત વિસ્તારની બહારના ભાવનગર, અમરેલી, પોરબંદર અને ગીર સોમનાથના 22,000 ચોરસ કીમી વિસ્તારમાં રહે છે. હજુ હમણાં સુધી ગીરમાં માણસ અને સિંહ વચ્ચેના અતૂટ નાતાને સિંહોની સંખ્યામાં વૃદ્ધિ માટે યશ આપવામાં આવતો હતો. જાણીતા સિંહ નિષ્ણાંત એચ.એસ.સિંહે સ્થાનિક લોકોની સંસ્કૃતિ અને પરંપરામાં સિંહના ગૌરવવંતા સ્થાન પર ભાર મુકી રાજયમાં સિંહોની જાળવણીમાં આ મુદો કેન્દ્રસ્થાને હોવાનું એક સંશોધનપત્રમાં જણાવ્યું હતું.


Loading...
Advertisement