IND vs WI: વરસાદી માહોલ વચ્ચે બીજી વનડેમાં કોહલી અને શ્રેયસ ઐયરની વિસ્ફોટક ઇનિંગ્સ, ભારતનો 59 રને વિજય

12 August 2019 08:32 AM
Sports
  • IND vs WI: વરસાદી માહોલ વચ્ચે બીજી વનડેમાં કોહલી અને શ્રેયસ ઐયરની વિસ્ફોટક ઇનિંગ્સ, ભારતનો 59 રને વિજય

વિરાટ કોહલીના 125 બોલમાં 120 રન, ઐયરના 71 રન

પોર્ટ ઓફ સ્પેન તા.12
વેસ્ટ ઈન્ડીઝને ટી-20 શ્રેણીમાં કલીનસ્વીપ કરનાર ભારતે વન-ડે શ્રેણીની શરૂઆત પણ જીત સાથે કરી હોય તેમ બીજા એક દિવસીય મેચમાં યજમાન ટીમને 59 રને પરાસ્ત કરી હતી. કપ્તાન વિરાટ કોહલીની સદીથી 279 રન ઝુડનાર ભારતીય ટીમે પછી ભુવનેશ્ર્વરની ઘાતક બોલીંગનાં સહારે વિજય હાંસલ કર્યો હતો.

આ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડયુ હતું. ડકવર્થ લુઈસના નિયમ હેઠળ વિન્ડીઝને 46 ઓવરમાં 270 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ આખી ટીમ 210 રનમાં તંબુભેગી થઈ હતી.
મેચની શરૂઆતમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ઓપનર શિખર ધવને ફરી નિરાશ કર્યા હોય તેમ પ્રથમ જ ઓવરના ત્રીજા દડે માત્ર બે રન બનાવીને આઉટ થયો હતો. રોહીત શર્મા પણ અત્યંત દબાણ હેઠળ ધીમી રમત રમતો હતો. કપ્તાન કોહલી સાથે બીજી વિકેટમાં 74 રન બનાવ્યા બાદ તે પણ 18 રને આઉટ થયો હતો.

ઋષભ પંત 20 રને આઉટ થતાં ભારતની 101 રનમાં ત્રણ વિકેટ ડુલ થઈ હતી. એક છેડે અડીખમ કોહલી તથા શ્રેયસ ઐયરે સંગીન ભાગીદારી સાથે જુમલો 226 પર પહોંચાડયો હતો. કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. 125 દડામાં 14 ચોકકા અને એક છગ્ગા સાથે 120 રન ઝૂડયા બાદ તે આઉટ થયો હતો. ઐયરે પણ 71 રન ઝૂડયા હતા. કેદાર જાધવે 14 દડામાં 16 અજય જાડેજાએ 16 દડામાં 16 રન કર્યા હતા. ભૂવનેશ્ર્વર 1 તથા શમી 3 રને અણનમ રહ્યા હતા. ભારતના નિર્ધારીત 50 ઓવરમાં સાત વિકેટે 279 રન થયા હતા.

280 ના ટારગેટ સાથે મેચને પડેલી વિન્ડીઝ ટીમનો ઓપનર ગેઈલ વધુ એક વખત નિષ્ફળ રહ્યો હતો અને 11 રને ભૂવનેશ્ર્વરનો શિકાર થયો હતો. 10.5 ઓવરમાં રમત પછી વરસાદનું વિઘ્ન સર્જાયુ હતું. પરીણામે ચાર ઓવર ઘટાડવામાં આવી હતી. વિન્ડીઝને 46 ઓવરમાં 270 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ગેઈલ પછી હોપ પણ 6 રને આઉટ થયો હતો. લુઈસે એક છેડો સાચવીને 65 રન બનાવ્યા હતા. હેટ માયર (18) સાથે 4 તથા પુરન સાથે 56 રનની ભાગીદારી કરી હતી ત્યારે કુલદીપ યાદવ ત્રાટકયો હતો હેટમાયર તથા લુઈસની વિકેટો ખેડવી હતી.

પુરનને ભૂવનેશ્ર્વરે પેવેલીયન ભેગો કર્યો હતો અને પછી ચેઈઝને આઉટ કર્યો હતો. પુરને 42 તથા ચેઝે 18 રન કર્યા હતા. બ્રેથવેટને ખાતુ ખોલવા દીધા વિના જાડેજાએ પેવેલીયનમાં વળાવ્યો હતો. રોચ બે રને ભુવીનો, શિકાર થયો હતો. મોહમ્મદ શામીએ છેલ્લે કોર્ટલેને 17 રને તથા થોમસને 0 રને આઉટ કરીને વિન્ડીઝનો વાવટો 42 ઓવરમાં 210 રનમાં જ સંકેલી દીધો હતો. વન-ડે વિજય સાથે ભારત શ્રેણીમાં 1-0 થી આગળ થઈ ગયુ છે. કપ્તાન કોહલીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

કોહલીની 42 મી સદી: વિન્ડીઝ સામે સૌથી સફળ બેટસમેનનો મિંયાદાદનો રેકોર્ડ તોડયો
વેસ્ટ ઈન્ડીઝ સામેના બીજા એક દિવસીય મેચમાં ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. તેની કારકીર્દીની આ 42 મી સદી હતી. કોહલીએ 125 દડામાં 120 રન ઝૂડયા હતા. તેમાં 14 ચોકકા અને એક છગ્ગો સામેલ હતો.
42 મી સદી સાથે કપ્તાન કોહલીએ રેકોર્ડ પણ કર્યા હતા. વેસ્ટ ઈન્ડીઝ સામે સૌથી સફળ બેટસમેન તરીકે જાવેદ મીંયાદાદને પછાડીને કોહલીના નામે રેકોર્ડ થયો હતો આ સિવાય સૌરવ ગાંગુલી, રીકી પોન્ટીંગ, જાવેદ મીયાદાદ તથા રોહીત શર્માનો પણ કોહલીએ રેકોર્ડ તોડયો હતો.

મેચ બાદ રોહીત-ધવન વિશે આવુ બોલ્યો કોહલી...
બીજા વન-ડેમાં ભારતની જીત છતાં રોહીત શર્મા-શિખર ધવનની ઓપનીંગ જોડી નિષ્ફળ રહી હતી. મેચ બાદ કપ્તાન કોહલીએ એમ કહ્યું કે ઓપનરો સસ્તામાં પેવેલીયન ભેગા થઈ જતા ઈનિંગ સંભાળવાની જવાબદારી પોતાના ખભ્ભે લઈ લેવી પડે તેમ હતી. 270થી વધુ રન થાય તો પડકારજનક બનશે તેવી ગણતરી હતી જ. જયારે ટીમને જરૂર હોય ત્યારે સદી શકય બને તો તે ખાસ બની જાય છે. રોહીત તથા શિખર મોટો સ્કોર કરી શકયા ન હતા. મોટો સ્કોર કરવાની મુખ્ય જવાબદારી પ્રથમ ત્રણ બેટધરોના માથે જ હોય છે. એક સીનીયર ખેલાડીએ જવાબદારી લેવાની હોય છે. આ મેચમાં તે મારા ભાગે આવી હતી. મોટો સ્કોર ખડકવાના ઈરાદાથી જ પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. વિન્ડીઝના દાવ વખતે બેટીંગ કરવાનું મુશ્કેલ બન્યું હતું. વરસાદને કારણે વિન્ડીઝ થોડી ઝીક ઝીલી શકયુ અન્યથા વિકેટ વધુ ખરાબ થઈ જયવાનું માનતા હતા.


Loading...
Advertisement