વિંછીયાની સત્યજીત સોસાયટીમાં 20 વ્યકિતઓ ફસાયા; મામલતદારે ફોન નહિં ઉપાડતા સસ્પેન્ડ કરવા નોટીસ

10 August 2019 01:03 PM
Jasdan Rajkot
  • વિંછીયાની સત્યજીત સોસાયટીમાં 20 વ્યકિતઓ ફસાયા; મામલતદારે ફોન નહિં ઉપાડતા સસ્પેન્ડ કરવા નોટીસ

મામલતદારના ઘરે જઈ તપાસ કરી તો આરામમાં હોવાનું ખુલ્યુ! : કલેકટર સુધી ફરિયાદ પહોંચતા લાલઘુમ:ડિઝાસ્ટર એકટ હેઠળ કાર્યવાહી; ભારે વરસાદ વચ્ચે લાપરવાહી

રાજકોટ તા.10
રાજકોટ જીલ્લાના વિંછીયામાં ગઈકાલે ભારે વરસાદ થતા સત્યજીત સોસાયટી ખાતે રહેતા 20 જેટલી વ્યકિતઓ પાણીમાં ફસાઈ ગયા હતા. બચાવ માટે મામલતદારને ફોન કર્યો પણ રિસીવ નહીં થતા મામલો કલેકટર સુધી પહોંચ્યો હતો.મામલતદારે કલેકટરનો પણ ફોન રીસીવ નહી કરતા કાળઝાળ બની ગયેલા કલેકટરે સસ્પેન્ડ કરવાની નોટીસ આપી ખુલાસો કરવાની તાકીદ કરી હતી.બીજી તરફ મામલતદારનાં નિવાસસ્થાને તપાસ કરતાં ઘેરથી મળી આવ્યા હતા અને તેમને ઉઠાવી લઈ ઓફીસમાં હાજર કરી કલેકટર સાથે વાત કરાવવામાં આવી હતી. જેમાં કલેકટરે મામલતદારને આડે હાથ લીધા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
રાજકોટ શહેર-જીલ્લામાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે તમામ અધિકારીઓ-કર્મચારીઓને એલર્ટ કરાયા છે. હેડ કવાટર્સ નહી છોડવા સુચના કરી છે તે વચ્ચે ગઈકાલે વિંછીયા પંથકમાં સાત ઈંચ જેવો ભારે વરસાદ પડયો હોય સત્યજીત સોસાયટી વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેમાં મકાનોમાં પાણી ઘુસતા 20 વ્યકિતઓ ફસાયા હતા.
વિંછીયાનાં આ સોસાયટી વિસ્તારનાં રહીશોએ બચાવ માટે મામલતદારને ફોન કર્યો હતો પણ ફોન નહિં ઉપડતા કલેકટર-ડીઝાસ્ટર ક્ધટોલ રૂમને ફોન કરી મદદ માંગી હતી જેમાં કલેકટરે ખુદે વિંછીયા મામલતદારને ફોન કર્યો હતો.જે ફોન પણ રિસીવ નહિં થતા ઉકેલી ઉઠેલા કલેકટરે મામલતદારના ઘરે કર્મચારીઓને દોડાવ્યા હતા અને ઘેરથી ઉઠાવી કચેરીમાં લાવ્યા હતા. બાદમાં કલેકટરે ફોન પર રીતસર ઉઘડો લઈ તેની સામે ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ નોટીસ આપી ફરજમાં બેદરકારી મામલે સસ્પેન્ડ કેમ કરવા નહિં? તે મુદ્દે ખુલાસો કરવાની તાકીદ કરી હતી.
દરમ્યાન વિંછીયામાં પણ ફસાયેલા 20 વ્યકિતઓને રેસ્કયુ કરી નજીકની શાળામાં આશરો અપાયો હતો વિંછીયા શહેર તથા તાલુકા વિસ્તારમાં ભારે વરસાદ પડયો હોય તમામ કર્મચારીઓ મામલતદાર કચેરી ખાતે સ્ટેન્ડ-ટુ રખાયા હતા.


Loading...
Advertisement