રાજકોટમાં પૂરપ્રકોપ: મોટામવા, બેડીનાકા પાસેના વોંકળામાં યુવક સહિત 6 તણાયા, 2 લાપતા....

03 August 2019 09:29 AM
Rajkot Saurashtra
  • રાજકોટમાં પૂરપ્રકોપ: મોટામવા, બેડીનાકા પાસેના વોંકળામાં યુવક સહિત 6 તણાયા, 2 લાપતા....

ભારે વરસાદથી શહેરભરના વોંકળામાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેમાં શહેરની હોસ્પિટલમાં પાણી ભરાતાં 5 સગર્ભા સહિત 6ને સુરક્ષિત સ્થળે ખસેડાયા

રાજકોટ તા.3
રાજકોટમાં ગઈકાલે બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી અનરાધાર વરસવાનું શરૂ કરી લેતાં શહેરમાં જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ શહેરમાં આવેલા નાળા અને વોકળામાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું. જેના પગલે પાણીમાં તણાઈ જવાની એકથી વધુ ઘટનાઓ બની હતી.


શહેરમાં ગઈકાલે અલગ અલગ ચાર સ્થળો પર પાણક્ષમાં તણાવાની ઘટનામાં એક બાળક તથા અજાણ્યા યુવાનની લાશ મળી આવી છે જયારે અન્ય બે લાપતા યુવાનની ગઈકાલે મોડી સાંજ સુધી શોધખોળ કર્યા બાદ આજે સવારે ફરી ફાયરબ્રિગેડ દ્વારા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.


રાજકોટમાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યા બાદ આસમાનમાં કાળા ડીબાંગ વાદળોમાંથી ધોધમાર વરસાદ વરસવાનૂું શરૂ થયુ હતુ. કલાકોમાં છ થી આઠ ઈંચ સુધી વરસાદ પડી ગયો હતો. વરસાદના પગલે શહેરમાં આવેલા વોકળા અને નાળાઓમાં પુર આવ્યા હતા. દરમ્યાન શહેરમાં તણાઈ જવાની પણ કેટલીક ઘટના બની હતી.


લાલપરી નજીક માલધારી સોસાયટી શેરી નં.2 માં રહેતા પ્રમોદભાઈ મકવાણાનો નવ વર્ષનો પુત્ર વિજય ગઈકાલ સાંજનાં ઘર પાસે શાળા નં.62 નજીક રમતા રમતા લાલપરી વોકળામાં તણાઈ જતાં તેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. બાદમાં બાળકની શોધખોળ કરતા લાલપરી નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો વિજય બે ભાઈ અને બે બહેનના પરીવારમાં નાનો હોવાનું અને તેના પિતા શાકભાજીના ધંધાર્થી હોવાનું જાણવા મળે છે. બનાવના પગલે દેવીપુજક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. અન્ય બનાવમાં રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે ક્રિશ્ર્ના પાર્ક સામે ત્રીસ વર્ષિય અજાણ્યો યુવાન ગટરના પાણીમાં તણાઈ ગયા બાદ શોધખોળ કરતા તેની લાશ જ મળી હતી. પોલીસ દ્વારા યુવાનની ઓળખ મેળવવા તેના વાલી વારસની શોધખોળ કરી રહી છે.


જયારે મોચીબજાર નજીક ચબુતરા નજીક વાલ્મીકીવાસમાં રહેતો સતીષ મનુભાઈ પઢીયાર ઉ.વ.22 નામનો યુવાન ચબુતરા વોકળામાં પાણી ભરાયું હોય તે જોવા જતાં પણ લપસી જતા તણાયો હતો તેની શોધખોળ મોડી સાંજ સુધી કરવા છતા ન મળતા સવારે ફરી ફાયર બ્રિગેડના સ્ટાફ શોધખોળ શરૂ કરવામાં આવી હતી.


લાપતા થનાર સતીષ ત્રણ બહેનનો એકનો એક ભાઈ છે તે સફાઈકામ કરતો હોવાનૂું માલુમ પડયુ છે.યુવાનનો કોઈ પતો ન લાગતા તેના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા છે.
આ ઉપરાંત શહેરના કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ નજીક રૂચી રેસીડેન્સીમાં રહેતો શૈલેષ વાઘજીભાઈ મકવાણા ઉ.વ.35 બપોરના પોતાના ઘેર હતો અને, ઘર નજીકનાં વોંકળામાં પાણી આવ્યા તે જોવા ગયો હતો વરસાદથી બચવા તેણે છત્રી લીધી હતી. છત્રી હાથમાંથી પડી જતાં તે લેવા તે વોંકળા નજીક જતાં તે પણ વોકળામાં આવેલા પુરમાં તણાઈ ગયો હતો ફાયર બ્રિગેડ દ્વારા મોડી સાંજ સુધી તેની શોધખોળ કરાઈ હતી પરંતુ તેનો પતો લાગ્યો ન હતો જેથી સવારે ફરી તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

 


Loading...
Advertisement