અમરનાથમાં હિમ-શિવલિંગ હજુ પણ અખંડ: 22 દિવસમાં જ ગત વર્ષ જેટલાં ભાવિકો આવ્યા

23 July 2019 12:42 PM
India
  • અમરનાથમાં હિમ-શિવલિંગ હજુ પણ અખંડ: 22 દિવસમાં જ ગત વર્ષ જેટલાં ભાવિકો આવ્યા

15 ઓગષ્ટ સુધી ચાલનારી યાત્રામાં યાત્રાળુઓનો નવો રેકોર્ડ બનશે

નવી દિલ્હી: અમરનાથના દર્શને આવતા યાત્રીઓની સંખ્યા ગત વર્ષના આંકડાને વટાવી ચાર વર્ષમાં સૌથી વધુ થઈ છે, જયારે કેદારનાથ અને બદ્રીનાથ જોડીયા તીર્થસ્થળોની મુલાકાત લેનારા યાત્રીઓની સંખ્યાનો રેકોર્ડ બન્યો છે. સરકાર દ્વારા તીર્થસ્થળોના વિકાસ તથા યાત્રાને વધુ સુવિધાસભર બનાવવાના સરકારના પ્રયાસોને આ રીતે મહોર લાગી છે.
ચાલુ વર્ષે અમરનાથ યાત્રીઓની સંખ્યાનો આખરી આંકડો 2013માં નોંધાયેલી રેકોર્ડ 3,72,000 યાત્રીઓની સંખ્યા બરાબર થવા ધારણા છે. ગત વર્ષે બર્ફીલા બાબાના દર્શન માટે દેશભરમાંથી 2,85,000 ભાવિકો આવ્યા હતા.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગત વર્ષે 60 દિવસમાં જેટલા યાત્રીઓએ અમરનાથના દર્શન કર્યા હતા. એટલી સંખ્યા આ વર્ષે 22 દિવસમાં જ થઈ ગઈ છે. યાત્રા 15 ઓગષ્ટ સુધી ચાલનાર છે.
અત્યારે પણ બરફનું શિવલિંગ એટલું જ દેદીપ્યમાન છે અને અત્યારસુધી હવામાન લાગુ થયું છે. પ્રશાસન દ્વારા સારી વ્યવસ્થા થતાં વધુને વધુ યાત્રીઓ આવી રહ્યા છે.
કેદારનાથ અને બદ્રીનાથના આ વર્ષે 16 લાખ લોકોએ દર્શન કર્યા છે. ગત વર્ષે કેદારનાથના 7.3 લાખ ભાવિકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે એનાથી પણ વધુ 8 લાખ લોકો આવી ચૂકયા છે. બદ્રીનાથમાં પણ 8 લાખ લોકો આવ્યા છે અને ગત વર્ષનો 10.58 લાખ યાત્રાળુઓનો રેકોર્ડ તૂટે તેવી શકયતા છે. અમરનાથ અને કેદારનાથ બન્ને સ્થળે પગદંડી સુધારવા પ્રયાસ કરાયા હતા. રસ્તામાં વિશ્રામ પોઈન્ટ આપવામાં આવ્યા છે. ભૂસ્ખલનથી યાત્રીઓને સંરક્ષણ આપવા રેલીંગ બનાવવામાં આવી છે. બન્ને સ્થળે હેલીકોપ્ટર સેવા શરુ થતાં યાત્રીઓની સંખ્યા વધી છે.


Loading...
Advertisement