વિરપુર પાસે સીએનજી ટેંક લઇને જતા ટ્રકમાં ગેસ લીકેજ : મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી

23 July 2019 12:06 PM
Dhoraji Saurashtra
  • વિરપુર પાસે સીએનજી ટેંક લઇને જતા ટ્રકમાં ગેસ લીકેજ : મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી

ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી ટ્રકને રોડ સાઇડમાં ઉભો રાખી ટેંકનો ખૂલેલો વાલ્વ બંધ કર્યો : કંપનીની ટેકનીકલ ટીમે દોડી આવી કરેલી તપાસણી બાદ ટ્રકને રવાના કરાઇ

જેતપુર તા.23
જેતપુરના વિરપુર નજીક હાઇવે પર આવેલા કિંગ વોટર પાર્ક પાસે શાપરથી જેતલસર જતા સીએનજી ટેંકને લઇને જતા ટ્રકમાં ગેસ લીકેજ થતા ધૂવાડાના ગોટે ગોટા નીકળવા લાગેલ હતા. જો કે ટ્રક ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી ટ્રકને રોડ સાઇડમાં રોકી દેતા મોટી દુર્ઘટના સ્હેજમાં અટકી હતી.
આ અંગે મળતી સીલસીલાબંધ વિગતો એવા પ્રકારની છે કે વીરપુર નજીક હાઇવે પર આવેલ કિંગ વોટર પાર્ક પાસે શાપરથી જેતલસર જતા સીએનજી ટેંકના ટ્રક નં. જીજે 03 એકસ એકસ 7082ના ટેંકનો વાલ્વ ખૂલી જતાં ગેસ લીકેજ થવા લાગેલ હતો.
દરમિયાન આ ઘટનાની જાણ થતાં જ ટ્રક ડ્રાઇવરે સમયસુચકતા વાપરી ટ્રકને રોડ સાઇડમાં ઉભો રાખી દીધો હતો અને આ ઘટના અંગે પોલીસને જાણ કરાતા પીએસઆઇ આર.એલ.ગોયલ સ્ટાફ સાથે ઘટના સ્થળે તાબડતોબ દોડી ગયા હતા અને આ ઘટના અંગે મામલતદારને વાકેફ કરાતા નાયબ મામલતદાર મહેતા ફાયર બ્રિગેડ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
આ દરમિયાન ટ્રક ડ્રાઇવરે સીએનજી ટેંકનો વાલ્વ બંધ કરી દીધો હતો. આ બનાવની જાણ થતાં જ સીએનજીની ટેકનીકલ ટીમ દોડી આવી હતી અને ટ્રકની સીએનજી ટેંકની તપાસણી કરી
હતી. જે બાદ જ ટ્રકને રવાના કરવામાં આવેલ હતો.


Loading...
Advertisement