કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે હળવા ભારે ઝાપટા : ભૂજમાં ઝરમર

23 July 2019 11:44 AM
kutch Gujarat
  • કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે હળવા ભારે ઝાપટા : ભૂજમાં ઝરમર

નખત્રાણા પંથકના તળાવમાં નવા નીરના આગમનથી લોકોએ વધાવ્યું

ભૂજ તા.23
વરુણદેવે આજે કચ્છના બંદરીય માંડવી તાલુકાના વિવિધ ગામોમાં ધોધમાર ઝાપટાંઓ વરસાવીને ધરતીપુત્રોને ધરપત આપી છે.
સાંજે પાંચ વાગ્યા બાદ તાલુકાના નાની ખાખર, મોટી ખાખર, ગઢશીશા, બીદડા, લુડવા, રામપર વેકરા વગેરે વિવિધ ગામોમાં જોરદાર ઝડી વરસી જતાં લોકોને કાળઝાળ ગરમીમાં રાહત થઈ છે. બીજી તરફ, ભુજના માધાપર અને આસપાસના ગામોમાં પણ સાંજે પાંચ વાગ્યાના અરસામાં હળવા છાંટા વરસતાં માર્ગો ભીના થયા હતા. ગઈકાલે નખત્રાણા તાલુકાના નાગવીરી ગામનું તળાવ ઓગની જતાં લોકપરંપરા મુજબ આજે ગ્રામજનોએ નવા નીરનું હોંશભેર પૂજન કર્યું હતું. દક્ષિણ ગુજરાત પર સર્જાયેલી સિસ્ટમના કારણે આવતીકાલે પણ કચ્છમાં છૂટાછવાયાં વિસ્તારોમાં હળવો વરસાદ વરસતો રહેશે તેમ હવામાન વિભાગની આગાહી છે. દરમિયાન, ભચાઉ તાલુકાના કુંભારીયામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હોવાના અહેવાલો છે.જયારે ભુજ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર છાંટા પડ્યા છે.


Loading...
Advertisement