ખોદકામ પરના ડામર-મોરમ ધોવાઈ ગયા: મનપાની આબરૂ તણાઈ ગઈ!

22 July 2019 06:58 PM
Rajkot
  • ખોદકામ પરના ડામર-મોરમ ધોવાઈ ગયા: મનપાની આબરૂ તણાઈ ગઈ!
  • ખોદકામ પરના ડામર-મોરમ ધોવાઈ ગયા: મનપાની આબરૂ તણાઈ ગઈ!
  • ખોદકામ પરના ડામર-મોરમ ધોવાઈ ગયા: મનપાની આબરૂ તણાઈ ગઈ!
  • ખોદકામ પરના ડામર-મોરમ ધોવાઈ ગયા: મનપાની આબરૂ તણાઈ ગઈ!

150 ફૂટ રોડ, અમીન માર્ગ, જુના રાજકોટના રસ્તાઓ પર ફરી ખાડા પ્રગટ થયા: મેયરના વોર્ડ નં.10ની સોસાયટીઓમાં ગોઠણડુબ પાણી: વરસાદી પાણીના નિકાલની સીસ્ટમ ફેલ: મનસુખભાઈ કાલરીયા :ચોમાસા પૂર્વે ખાડાઓ બુરવાના આદેશ આપી લોકોને મુશ્કેલી નહીં પડવાની ખાતરી આપનાર બંછાનિધિ પાનીની વ્યવસ્થા ફેલ :રાજકોટ મહાપાલિકાએ ચોમાસા પહેલા પૂરા રાજકોટમાં કરેલા અને મંજૂરી આપેલા ખોદકામ અભિયાન બાદ ટ્રાફિકથી ધમધમતા રસ્તા અને રહેણાંક શેરીમાં કાચા પાકા થીગડાના કામ કર્યા હતા. અમુક જગ્યાએ દેકારો હોય ત્યાં ડામરના પેચવર્ક કર્યા હતા. પરંતુ ગઈકાલના એક જ વરસાદમાં આ તમામ રસ્તામાં ફરી મોરમ અને મેટલ ધોવાઈ જતા લોકોને ત્રાસ થઈ પડયો છે.

રાજકોટ તા.22
રાજકોટ શહેરમાં ગઈકાલે સાંજે એકાએક પડેલા અઢી ઈંચ જેટલા વરસાદે ફરી મહાપાલિકાની પ્રીમોન્સુન કામગીરીની પોલ ખોલી નાખી છે. નાલાથી માંડી બ્રીજ અને રાજમાર્ગથી માંડી શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને તંત્ર લાચાર થઈ ગયું હતું. અંતે મેઘરાજાએ મનપાની ક્ષમતા સમજી હોય તેમ વિરામ લેતા પાણી આપોઆપ વહ્યું હતું. પરંતુ ચોમાસા પહેલા આડેધડ થયેલા ખોદકામ પર કરવામાં આવેલા થુંકના સાંધા જેવા મેટલીંગ અને પેચવર્કના કામોનું અનેક જગ્યાએ ધોવાણ થઈ ગયુ હતું.
ચોમાસામાં વાહનચાલકો સહિતના કોઈ લોકોને આ ખાડાઓ થયા હતા તેની અનુભૂતિ નહીં થાય તેવો દાવો તંત્રએ કર્યો હતો. પરંતુ જુના રાજકોટના અનેક ભાગોથી માંડી 150 ફૂટ રોડ, અમીન માર્ગ સહિતના વિસ્તારોમાં ફરી ગારા કીચડનું સામ્રાજય છવાઈ ગયું હતું.
વધુમાં મેયરના વોર્ડ નં.10ના અનેક રહેણાક વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ફેલ જતા સોસાયટીઓમાં ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા અને લોકો હેરાન થઈ ગયાની ફરીયાદ વોર્ડના વિપક્ષી સભ્ય મનસુખભાઈ કાલરીયાએ કરી છે.
ગઈકાલના વરસાદ સાથે રાજકોટના લગભગ તમામ રાજમાર્ગો પર પુર જેવી હાલત થઈ હતી. ખાડાઓ પર કરવામાં આવેલા થીગડાઓ આ વરસાદી પાણી સાથે વહી જતા મનપાની આબરૂ પણ જાણે સાથે ધોવાઈ ગઈ હતી. સમય મર્યાદામાં ખોદકામ પૂરૂ કરવા અને તે બાદ સમયમાં મેટલીંગ અને ડામર કરવાનો આદેશ કમિશ્ર્નર બંછાનિધિ પાનીએ બહાર પાડયો હતો પરંતુ આ કામ મનપાના અધિકારીઓએ કેવું કરાવ્યું છે તે ગઈકાલે લોકોએ અનુભવ્યું હતું. તો વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નાપાસ હોવાનું સામાન્ય લોકોએ પણ કહ્યું હતું.
મેયરના મત વિસ્તાર એવા વોર્ડ નં.10ના સત્યસાઈ હોસ્પિટલ રોડ, મારૂતિ ચોક, મારૂતિ પાર્ક સોસાયટી, શિવ આરાધના સોસાયટી, અલય રેસીડન્સ વગેરે વિસ્તારના મેઈન રોડ તથા શેરીઓમાં દોઢ ઈંચ વરસાદે પણ ગોઠણડુબ પાણી ભરાતા સોસાયટીવાસીઓ તથા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
જયારે વરસાદ પડે ત્યારો બીગબજારની સામેનો વિસ્તાર, 150 ફૂટ રીંગ રોડ નાના મવા સર્કલ, નાના મવા રોડ તરફના વિસ્તારો વગેરે ખુબ મોટા સ્ત્રાવ વિસ્તારમાંથી બધુ પાણી ચંદ્રપાર્ક મેઈન રોડ તથા સત્યસાંઈ હોસ્પિટલ રોડ પરથી પસાર થાય છે. વાસ્તવમાં અગાઉ ભૂતકાળમાં અહીં વોકળો હતો. જે નવા બાંધકામોની આડેધડ મંજુરીઓના કારણે પુરાઈ ગયેલ છે. ખૂબ મોટા જથ્થામાં આવતા પાણીના નિકાલ માટે મનપા દ્વારા બે વર્ષ પહેલા અહીં કરોડોના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈન નાખેલ છે. પરંતુ ત્યાર પછી વરસાદી પાણીની આ સમસ્યામાં બહુ ફરક પડેલ નથી.
સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં પાણી ઉતારવા માટે જાળીઓ મુકવામાં આવેલ છે. પરંતુ તેની ડિઝાઈન ભૂલ ભરેલી લાગે છે. બીગબજાર પાસે મુકવામાં આવ,લ જાળીઓની સાઈઝ, ડિઝાઈન અને સ્થિતિ એવી છે કે વરસાદી પાણી ડ્રેનેજમાં જવાના બદલે ઉપરથી વળી જાય છે એટલે કે ઓવર ટોપીંગ થઈ જાય છે. ઉપરાંત રોડની બંને બાજુ મુકેલી જાળીઓ નવા બાંધકામના કારણે બંધ થઈ ગયેલ છે.
સત્યસાંઈ રોડ ઉપર હોસ્પિટલ પાસે તથા મારૂતિ ચોકમાં મુકવામાં આવેલ જાળીઓની સાઈઝ જરૂર કરતા નાની છે. વળી વરસાદ અગાઉ કે ચાલુ વરસાદે આ જાળીઓની સફાઈ થતી નથી. જેવી કચરો તથા મટીરીયલ ભરાઈ જવાથી પાણી પૂરતા પ્રમાણમાં અંદર ઉતરી શકતું નથી. આ ઉપરાંત મારૂતી પાર્ક અને શિવઆરાધના સોસાયટીની શેરીઓ કરતા મેઈન રોડ ઉંચા છે. બધા કારણોસર થોડા વરસાદે પણ અહીં વધુ પાણી ભરાઈ છે.
વરસાદી પાણીની આ સમસ્યાથી સ્થાનિકો તથા વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા છે. છતાં તેના નકકર ઉકેલ માટે ભાજપના મેયર સહિતના ચુંટાયેલા કોર્પોરેટરોને સહેજ પણ લોકોની પડી નથી અને અમારી વિપક્ષ તરીકેની રજૂઆતોને ‘નાટક’ ગણી ધરાર ઉપેક્ષા કરે છે એવું વિપક્ષી ઉપનેતા તથા વોર્ડ નં.10ના કોંગી કોર્પોરેટર મનસુખભાઈ કાલરીયાએ જણાવેલ છે.


Loading...
Advertisement