પાક વિમા મુદ્દે ફરી વિધાનસભામાં ધમાલ

22 July 2019 06:10 PM
Gujarat
  • પાક વિમા મુદ્દે ફરી વિધાનસભામાં ધમાલ

સરકારે આંકડા રજૂ કર્યા : વિપક્ષોનો ખાનગી કંપનીઓને થાબડભાણાનો આક્ષેપ : ધમાલ કરતા કોંગ્રેસને મુખ્યમંત્રીએ જૂનાગઢનો થાક ઉતારવા સલાહ આપી : ગોવિંદભાઇએ પણ ચોગ્ગો ફટકાર્યો :પાક નિષ્ફળ ગયો હોય તો જ વિમો મળે : નીતિનભાઇનું ગીતા જ્ઞાન

ગાંધીનગર તા.22
વિધાનસભામાં આજે પાક વીમાનો મુદ્દો ગૃહમાં ચર્ચાસ્પદ બન્યો હતો. એક તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા પાક વીમા મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો તો બીજી તરફ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કોંગ્રેસ દ્વારા લગાડેલા આરોપ ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે તેવો આક્ષેપ કર્યો હતો .અને પાક વીમા મુદ્દે નીતિન પટેલે જણાવ્યું હતું કે પ્રીમિયમના આધારે વળતર ન હોય પાક નિષ્ફળ ગયો હોય તોજ વળતર મળે તેવી સ્પષ્ટતા કરી હતી .
ક્રોપ કટિંગ ના આખરી પરિણામો મુજબ 2785 કરોડ ના પ્રીમિયમ સામે 1054 કરોડના દાવા થયા હોવાનો સ્વીકાર ગૃહમાં કર્યો જ્યારે વર્ષ 2017માં 32 લાખ મેટ્રિક ટન મગફળી ઉત્પાદન થયું હોવાનું જણાવ્યું હતું વર્ષ 2018 ના રવિ ભાગ અંગેની વિગતો આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું કે 76 કરોડ 73 લાખના પ્રીમિયમ સામે 14 કરોડ 56 લાખના દાવા મંજૂર થયા છે જ્યારે 2018 માં 41 42 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન થયું હોવાનું જણાવ્યું હતું આ તબક્કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે 2018માં 23.37 કરોડના દાવા ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયા છે. જ્યારે 1800 કરોડનો મગફળી વીમો ચૂકવવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
તો બીજી તરફ કપાસ અને દિવેલા એ લાંબી મુદતના પાક હોવાથી એને સ્ક્રૂટિની ચાલતી હોવાનો સ્વીકાર ગૃહમાં કર્યો હતો. આ તબક્કે કોંગ્રેસના શૈલેષભાઈ પરમારે સ્પષ્ટતા કરી હતી ચૂકવેલા પ્રીમિયમ અને મળવા પાત્ર રકમ પૈકી કેટલાક ખેડૂતોએ દાવા કર્યા છે ?
જેનો ઉત્તર આપવા ઊભા થયેલા નીતિનભાઈ પટેલે કોંગ્રેસ ને ટોણો મારતા કહ્યું કે કોંગ્રેસના શાસનમાં પણ ખાનગી કંપનીઓ હતી જ એટલે મારે તેમને વીમા અંગેનો સિદ્ધાંત સમજવો છે .નીતીનભાઇ પટેલના આ વિધાનથી કોંગ્રેસના સભ્યો અકળાયા હતા અને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. આ તબક્કે શૈલેષ પરમારે નીતિનભાઈ પટેલે રાજકીય અવલોકન નહીં કરવા માટે તાકીદ કરી હતી. જેના ઉત્તરમાં નીતીનભાઇ પટેલ શૈલેષ પરમાર ને જણાવ્યું હતું કે હું કોંગ્રેસને ક્રેડિટ આપવા માગું છું. રાજકીય અવલોકન કરતો નથી. પાક વીમા યોજનામાં પાક નિષ્ફળ જાય તો જ વીમો મળે તેવો ઉલ્લેખ કરતા લાંબી લાંબી પ્રસ્તાવના બાંધતા કોંગ્રેસના સભ્યોએ નીતિન પટેલના લંબાણપૂર્વક ના જવાબનો ઉગ્ર વિરોધ કર્યો હતો.
આ તબક્કે નીતિનભાઈ પટેલે પણ ઉશ્કેરાયેલા કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ખેડૂતોને ખોટી રીતે ઉશ્કેરી રહી છે. બસ તેમના આ વિધાનથી બંને પક્ષે હોબાળો શરૂ થયો હતો. આ તબક્કે નીતિનભાઈ પટેલે ગૃહ સમક્ષ એકરાર કર્યો હતો કે પ્રીમિયમ અને વળતરની સરખામણી થાય નહીં તેમના આ વિધાન થી કોંગ્રેસના સિનિયર નેતાઓ પણ ઉગ્ર થઈ ગયા હતા. અને નીતિનભાઇ પટેલ ના જવાબ નો વિરોધ કર્યો હતો આ તબક્કે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ પોઈંટ ઓફ ઓર્ડર ઉપસ્થિત કરતા ગૃહમાં જણાવ્યું હતું કે આજે ખાનગી કંપનીઓ નફો કરતી ગઈ છે ત્યારે સૌરાષ્ટ્રની કહેવત પ્રમાણે "ઘીખીચડી માં રહેવું જોઈએ કાંઠા ન ચૂસી જાય"
આ તબક્કે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિપક્ષી નેતાના આ પ્રશ્નનો ઉત્તર આપતાં ખલેલ પહોંચાડતા કોંગ્રેસના ધારાસભ્ય ના ભીખાભાઈ ને આડેહાથ લેવાની તક ચૂક્યા ન હતા અને જણાવ્યું હતું કે પહેલા તમે જુનાગઢ નો થાક ઉતારો પાછા અહીંયા આવી શકશો નહીં તેમના આ વિધાનથી ભાજપના સભ્યોએ વધાવ્યો હતો.
રાજકોટ ગ્રામીણ ના ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પોઇન્ટ ઓફ કલેરીફિકેશન ઉપસ્થિત કરતાં કોંગ્રેસને આડે હાથ લેવાની તક ચૂક્યા ન હતા. અને જણાવ્યું હતું કે ભૂતકાળમાં વિપક્ષ કોંગ્રેસ જ્યારે ટ્રેઝરી બેચમાં હતી ત્યારે એ વખતે ભાજપ વિપક્ષમાં હતું અને ત્યારે પાકવિમા ના પ્રશ્નો કોંગ્રેસના પૂછતાં તેમણે એવો ઉત્તર આપ્યો હતો કે તમે વાવ્યું નથી તો વીમો શેનો ? ત્યારે કોંગ્રેસે તો અહીં બેસીને ખેડૂતોની ચિંતા કરી હોત તો તે આજે વિપક્ષમાં હોત નહીં તેવી ટિપ્પણી કરતા ગૃહમાં કોંગ્રેસના સભ્યો એ હોબાળો કર્યો હતો.જ્યારે ભાજપના ધારાસભ્યોએ ગોવિંદભાઈ પટેલના વિધાનને પાટલી થપથપાવીને વધાવ્યો હતો.


Loading...
Advertisement