જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી

22 July 2019 05:55 PM
Jamnagar
  • જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગણી

ધારાસભ્ય વિક્રમભાઇ માડમે મુખ્યમંત્રી સમક્ષ લેખિત રજુઆત કરી

જામનગર તા. 22:
દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની મુખ્યમંત્રી સમક્ષ ધારાસભ્ય વિક્રમભાઇ માડમે રજુઆત કરી છે. તેઓએ એક પત્રમાં જણાવ્યું છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર 10 થી 15 ટકા ગામોમાં વાવણી લાયક વરસાદ થયેલ છે. અમુક ગામોમાં ખેડુતોને વરસાદ થવાની આશાએ નહીવત વરસાદમાં વાવણી કરેલ છે. તે વાવણીનો પાક પણ સુકાઇ જતાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉભી થયેલ છે. આ બંને જિલ્લાઓમાં ગામડાઓ પૈકી અમુક ગામોમાં વાવણી લાયક નહીંવત વરસાદ તથા બાકીના ગામોમાં બિલકુલ વરસાદ થયેલ નથી, પીવાના પાણીની તેમજ રોજગારીની અત્યંત મુશ્કેલ સ્થિતિ સર્જાયેલ છે. ખેડુતો તથા માલધારીઓને તેમના પશુઓ માટે ઘાસ-ચારાની પણ મુશ્કેલ સ્થિતિ ઉપસ્થિત થયેલ છે. તેથી દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગર જિલ્લાને તાત્કાલિક અસરથી સંપુર્ણ અછતગ્રસ્ત જાહેર કરવા લોકોની માંગણી છે.
આ તમામ તાલુકાઓમાં ખેડુતોને 100% પાક વિમો ચુકવવો, અછત રાહતના કામો રોજગારી માટે ચાલુ કરવા ઘાસચારો તથા કેટલકેમ્પોની વ્યવસ્થા કરવી, ગામો ગામ તેમજ શહેરી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા વિના વિલંબે કરવી, તેમજ અત્યંત ગરીબ અને નિરાધાર લોકોને કેશડોલ્સ આપવાની વ્યવસ્થા, કરવા તેમજ દુષ્કાળગ્રસ્ત વિસ્તાર માટે જે કાંઇ રાહતનાં પગલા લેવાના થાય તે માટે જરૂરી વ્યવસ્થા પણ આ બંને જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેરકરવાની મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત કરેલ છે.


Loading...
Advertisement