ભચાઉ નજીક નર્મદા કેનાલમાં શ્રમિક પરિવારના બે બાળકો ડૂબી જતા મોત

22 July 2019 02:00 PM
kutch
  • ભચાઉ નજીક નર્મદા કેનાલમાં શ્રમિક 
પરિવારના બે બાળકો ડૂબી જતા મોત

કેનાલમાં ન્હાવા પડયા અને ડૂબી ગયા : પરિવારમાં શોક

ભૂજ તા.22
પૂર્વ કચ્છના ભચાઉ-દુધઈને જોડતા માર્ગ પર લોધેશ્વર નજીક નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશન પાસે ડૂબી જતાં બે કિશોરોના મોત નિપજતાં પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. આ કરુણાંતિકા શનિવારના સવારે 11 વાગ્યાના અરસામાં બની હતી.મૃતક સદાન ફિરોઝ શેખ (ઉ.વ.15) અને રવિ રમેશભાઈ વાલ્મિકી (ઉ.વ.12) નામના કિશોરો કેનાલમાં ન્હાવા પડ્યા હતા. દરમિયાન એકાએક પાણીમાં ગરકાવ થઈ જતાં આસપાસના લોકોએ તેમની શોધખોળ હાથ ધરી હતી.
કચ્છ બ્રાન્ચ કેનાલના મદદનીશ ઈજનેર ઉમેશ પટેલના જણાવ્યા અનુસાર પમ્પિંગ સ્ટેશનથી અંદાજે પાંચસો-સાતસો મીટર દૂર આ બનાવ બન્યો હતો. કેનાલમાં અંદાજે દોઢથી બે મીટર પાણી ભરેલું હતું. એકાદ વાગ્યાના અરસામાં આ ઘટના અંગે જાણ થતાં કેનાલના ગેટ બંધ કરી દઈ પાણીનો પ્રવાહ ઓછો કરી દેવાયો હતો. બાદમાં બંને બાળકોના મૃતદેહ મળી આવ્યાં હતા. બંને બાળકો નજીકમાં રહેતા શ્રમજીવી પરિવારના હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ સરકારી હોસ્પિટલે મોકલી અપાયાં છે.


Loading...
Advertisement