વર્લ્ડકપ ફાઈનલ: હા, મેં ભુલ કરી હતી, ઈંગ્લેન્ડને 6 ને બદલે 5 રન જ આપવાના હતા: ધર્મસેનાની કબુલાત

22 July 2019 12:37 PM
Sports
  • વર્લ્ડકપ ફાઈનલ: હા, મેં ભુલ કરી હતી, ઈંગ્લેન્ડને 6 ને બદલે 5 રન જ આપવાના હતા: ધર્મસેનાની કબુલાત

ટીવીમાં રીપ્લે નિહાળ્યા બાદ ભુલનુ ભાન થયુ હતુ: 6 રન આપવાના ફેંસલા વખતે તમામ અમ્પાયર-રેફરી સંમત હતા; ભુલનો કોઈ અફસોસ નથી

કોલંબો તા.22
વર્લ્ડકપ ક્રિકેટમાં ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરતા પરિણામ પર ઉઠેલા વિવાદ અને અમુક નિર્ણયો સામે ચિંધાયેલી આંગળી વચ્ચે ફાઈનલ મેચમાં અમ્પાયર ધર્મસેનાએ પોતાની ભુલ સ્વીકારીને એવુ નિવેદન કર્યુ છે કે અંતિમ ક્ષણોમાં ઓવરથ્રો વખતે 6 રન અપાયા તે ભુલ હતી અને એક રન ઓછો આપવાનો થતાને હતો. ધર્મસેનાના આ વિધાનથી નવો વિવાદ ઉદભવી શકે છે.
ફાઈનલ મેચની અંતિમ ઓવરમાં જીત માટે ઝઝુમતા ઈંગ્લેન્ડના બેન સ્ટોકસે એક શોટ ફટકારીને બે રન લેવાનો પ્રયત્ન કર્યો હતો. બીજા રન વખતે રનઆઉટથી બચવા ડાઈવ લગાવી હતી ત્યારે કિવીઝ ફીલ્ડરે ફેંકેલો બોલ સ્ટોકસના બેટને સ્પર્શીને બાઉન્ડ્રીની બહાર પહોંચી ગયો હતો. અમ્પાયર ધર્મસેનાએ ઈંગ્લેન્ડને 6 રન આપ્યા હતા. આ પછીના ત્રણ દડામાં ઈંગ્લેન્ડનો 241 રનમાં ઓલઆઉટ થયુ હતું અને મેચ ટાઈમાં પરિણમ્યો હતો.
વર્લ્ડકપનો ફાઈનલ ટાઈ થતા સુપરઓવર રમવાનો વખત આવ્યો હતો. જો કે, અંતિમ ઓવર ઓવરમાં છ રન આપવાના નિર્ણય સામે તુર્ત જ સવાલ ઉઠયા હતા પરંતુ દિલધડક મેચના રોમાંચમાં દબાઈ ગયા હતા. સુપર ઓવરમાં પણ જુમલો એક સરખો થતા બન્ને ટીમોએ ફટકારેલી બાઉન્ડ્રીના આધારે ઈંગ્લેન્ડને વિજેતા ઘોષિત કરવામાં આવ્યું હતું.
પુર્વ અમ્પાયર સીમોન ટોફેલ સહીતના ક્રિકેટ નિષ્ણાંતોએ એવો અભિપ્રાય દર્શાવ્યો હતો કે ઓવરથ્રો વાળા બોલમાં કિવીઝ ફીલ્ડરે બોલ ફેંકયો ત્યારે બીજો રન દોડી રહેલા ઈંગ્લીશ બેટસમેનો ક્રોસ થયા ન હતા એટલે છના બદલે ઈંગ્લેન્ડને પાંચ જ રન આપવાની જરૂર હતી.
આ મેચના અમ્પાયર એવા શ્રીલંકાના પુર્વ ટેસ્ટ ખેલાડી ધર્મસેનાએ એક અંગ્રેજી અખબાર સાથેની મુલાકાતમાં એમ જણાવ્યું હતું કે પોતે ટેલીવીઝન રીપ્લેનો આશરો લીધો ન હતો અન્યથા બેટસમેનો બોલ થ્રો થયો ત્યારે ક્રોસ થયા ન હોવાનું જાણમાં આવી શકાય.
ધર્મસેનાએ સ્વીકાર કર્યો હતો કે 6 રન આપવાના નિર્ણયમાં ભુલ રહી ગઈ હતી. ટેલીવીઝન પર મેચ રીપ્લે નિહાળ્યા બાદ આ ભાન તયુ છે અને ત્યારે ભુલની સમજ પડી છે. મેદાનમાં ટીવી રીપ્લે જોવાની સુવિધા નથી એટલે ભુલ ભરેલા નિર્ણય બદલ અફસોસ કરવાનો કોઈ સવાલ નથી.
તેઓએ એવી ચોખવટ કરી હતી કે અન્ય અમ્પાયર અધિકારીઓ સાથે વિચારવિમર્શ કર્યા પછી છ રન આપવાનો ફેંસલો કર્યો હતા. લેગ અમ્પાયર સાથે કોમ્યુનીકેશન સીસ્ટમ મારફત વાતચીત કરી હતી જે અન્ય તમામ અમ્પાયર તથા મેચ રેફરી સંભાળતા હોય છે.
તેઓએ પણ ટીવી રીપ્લે ચેક કર્યા ન હતા અને બેટસમેનોએ બે રન પુરા કરી લીધા હોવાનું જાહેર કર્યુ હતું તેના આધારે પોતે ઈંગ્લેન્ડને 6 રન આપવાનો ફેંસલો કર્યો હતો.


Loading...
Advertisement