અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ,નદીમાં બાળકીનું ડુબી જતાં મોત

22 July 2019 12:19 PM
Amreli Saurashtra
  • અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ,નદીમાં બાળકીનું ડુબી જતાં મોત

ખેતરમાં મુરઝાતી મોલાતને ફાયદો : સાવરકુંડલાના બાઢડાની સીમમાં વીજળી પડતા મકાનને નુકશાન : વીજ ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા વીજળી ગુલ : નદી-નાળાઓ વહેતા થયા : લાઠી નદીમાં બાળકીનું ડુબી જતાં મોત

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.22
અમરેલી જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેંચતા ખેતરમાં મોલાત મુરઝાતા વર્ષ અને પાક નિષ્ફળ જવાની દહેશત સાથે ખેડૂતો-વેપારીઓ આમ જનતા વરૂણદેવને રીઝવવા દુવા-પ્રાર્થના કરી રહ્યા હતા. મેઘરાજાએ પ્રાર્થના સાંભળી હોય તેમ શનિ-રવિવારે મેઘરાજાએ હેત વરસાવતા નદી-નાળા વહ્યા હતા. વિજળીના કડાકા-ભડાકા સાથે બે સ્થળે વીજળી પડતા નુકશાન થયું હતું. જીલ્લામાં જાફરાબાદને બાદ કરતા સર્વત્ર 1 થી 3 ઇંચ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી ફેલાઇ છે.

અમરેલી જિલ્લામાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી અમરેલી સહિત સમગ્ર જિલ્લામાં વાગ્યાથી વીજળીના કડાકા ભડાકા સાથે અમરેલી શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. આ વરસાદ પડવાથી ખેતરમાં ઉભા પાકને જીવનદાન મળ્યું હોવાથી ખેડૂત ખુશખુશાલ થઈ ગયા છે. ગઈકાલે સવારે 6 થી આજે સવારે 6 વાગ્યા સુધીમાં અમરેલી શહેરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો અને લગભગ સમગ્ર જિલ્લામાં જાફરાબાદને બાદ કરતા 1 થી 3 ઈંચ વરસાદ પડ્યો છે. જેને લઈ નદી નાલામાં પાની વહેતા થયા હતા.
આકડાકીય માહિતી જોઈએ તો અમરેલી શહેરમાં 51 મિમી, કુકાવાવ વડીયા 43 મિમી, ખાંભા 22 મિમી, ધારી 42 મિમી, બાબરા 22 મિમી, રાજુલા 13 મિમી, લાઠી 63 મિમી, લીલીયા 74 મિમી અને સાવરકુંડલા .43 મિમી વરસાદ નોંધાયો છે.

નદીમાં ડૂબી જતાં બાળકીનું મોત
અકસ્માતે પગ લપસી જતા ગાગડીયા નદીમાં ડૂબી જવાની બની ઘટના બની હતી. રિદ્ધિ મનહરભાઈ બારૈયા નામની 11 વર્ષની બાળકીનું મોત થતા તેણીના મ્રૂતદેહ ને પીએમ માટે લાઠી સિવિલ હોસ્પિટલે ખસેડવામા આવી હતી. આ ઘટનાની જાણ થતાં સિવિલ હોસ્પિટલમાં લોકોના ટોળા ઉમટ્યા હતા.

સાવરકુંડલામાં વીજળી પડી
આજ સવારથીજ સમગ્ર વિસ્તારમાં અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો તેવામાં વરસાદનું આગમન થતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગયેલ. અસહ્ય ગરમીમાંથી રાહત મળી હતી અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

સાવરકુંડલા તાલુકા પંથકમાં વહેલી સવારથી જ કડાકા-ભડાકા અને વીજળી સાથે ગાજવીજ બે ઇંચ જેટલો વરસાદ પડયો હતો. સાવરકુંડલા જેસર રોડ ખાતે આવેલ 220 કે.વી. સબ સ્ટેશનના ટાવર અને ટ્રાન્સફોર્મર પર વીજળી પડતા ભારે નુકશાન થયું હતું. સમગ્ર તાલુકામાં લાઇટો ગુલ થવા પ ામી હતી. તથા સાવરકુંડલા તાલુકાના મોટાઝીંઝુડા ગામ ખાતે નટુભાઇ દિલુભાઇ ખુમાણના ઘર પર તથા બાઢડા ગામ ખાતે પ્રવિણભાઇ બાવાજીના ઘર પર વીજળી પડતા દીવાલ તથા સ્લેબમાં ગાબડા પડયા હતા અને ઇલેકટ્રીક સામાન બળી જવા પામ્યો હતો. અમરેલી જિલ્લામાં બે દિવસ મેઘમલ્હાર બાદ સવારે વરાપ નીકળતા ખેડૂતો ખેતરે પહોંચ્યા છે. મોલાતોને જીવતદાન મળ્યું છે.


Loading...
Advertisement