કર્ણાટક સરકાર બચાવવાનો કોંગ્રેસનો છેલ્લો દાવ પણ નિષ્ફળ

22 July 2019 11:59 AM
India
  • કર્ણાટક સરકાર બચાવવાનો કોંગ્રેસનો છેલ્લો દાવ પણ નિષ્ફળ

આજે જ વિશ્ર્વાસના પ્રસ્તાવ પર મતદાન માટે બે અપક્ષ સુપ્રીમમાં પહોંચ્યા : સીએમ બદલવાની ઓફર ફગાવતા બાગી ધારાસભ્યો

બેંગાલુરુ તા.22
આજે વિધાનસભામાં વિશ્ર્વાસના પ્રસ્તાવ પર મતદાનમાં પરાજય થતો અટકાવવાના બળવાખોર ધારાસભ્યોને સમજાવવાના છેલ્લા પ્રયાસમાં સતાધારી યુતિના નેતાઓએ જેડીએસના એચડી કુમારસ્વામીના બદલે કોંગ્રેસના કોઈપણ નેતાને મુખ્યપ્રધાન બનાવવા ઓફર કરી છે. પરંતુ બાગી ધારાસભ્યોએ આ પ્રસ્તાવ પણ નકારી સાફ કર્યુ છે કે તે રાજીનામા પાછા નહીં ખેંચે.
બાગી ધારાસભ્યોને મનાવવા કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ મુખ્યપ્રધાન બદલવા ઓફર કરી હતી. ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ત્યારે કુમારસ્વામીની કાર્યશૈલી અને તેના મંત્રીબંધુ એચડી રેવન્નાની દખલનું કારણ આપ્યું હતું.
કોંગ્રેસ નેતા અને મંત્રી ડી.કે.શિવકુમારે જણાવ્યું હતું કે સરકાર પડતી બચાવવા જેડીએસ મુખ્યપ્રધાનના હોદાનો ભોગ આપવા તૈયાર છે.
બાગીઓને સમજાવવા-મનાવવા કેટલાય દિવસોથી કામે લાગેલા શિવકુમારે જણાવ્યું હતું કે જેડીએસએ મને, સિદ્ધારમૈયા અથવા જી પરમેશ્ર્વરમાંથી કોઈને પણ નવા મુખ્યપ્રધાન બનાવવા છુટો દોર આપ્યો છે. પરંતુ શિવકુમારના નિવેદનની ગણતરીથી મીનીટોમાં મુંબઈની હોટેલમાં વારો રાખી રહેલા બળવાખોરોએ વિડીયો જારી કરી તે ઝુકવા તૈયાર નહીં હોવાનો સંદેશો પાઠવ્યો હતો. હમણાં સુધી પુર્વ મુખ્યપ્રધાનના કટ્ટર સમર્થક બાયરાથી બાસવરાજે જણાવ્યું હતું કે અમારું સ્વાભિમાન ઘવાયું છે, અને રાજીનામુ આપવાના નિર્ણયમાંથી પીછેહઠ કરવાનો સવાલ નથી.
દરમિયાન, કર્ણાટકમાં બે અપક્ષ ધારાસભ્યોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ધારાસભાના અધ્યક્ષને તત્કાળ વિશ્ર્વાસનો પ્રસ્તાવ પર મતદાન યોજવા આદેશ આપવા માંગણી કરી છે.
અન્ય એક ઘટનાક્રમમાં બસપાના સુપ્રીમો માયાવતીએ કર્ણાટકકમાં પક્ષના એકમાત્ર ધારાસભ્ય એન.મહેશને મતદાન સમયે યુતિ સરકારની તરફેણમાં મત આપવા જણાવ્યું છે.


Loading...
Advertisement