સુરજબારીની ખાડીમાંથી મહિલાની હત્યા કરેલી લાશ કોથળામાંથી મળી આવતા ચર્ચા

22 July 2019 11:52 AM
kutch Crime Saurashtra
  • સુરજબારીની ખાડીમાંથી મહિલાની હત્યા  કરેલી લાશ કોથળામાંથી મળી આવતા ચર્ચા

વિકૃત હાલતમાંથી મળેલી લાશનું ફોરેન્સીક પીએમ કરાવવા તજવીજ

ભૂજ તા.22
સૌરાષ્ટ્ર અને કચ્છને જોડતા સૂરજબારી ચેરાવારી વાંઢ નજીક દરીયાની ખાડીમાં કંતાનના કોથળામાં બાંધીને ફેંકી દેવાયેલી અજાણી મહિલાની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે.
રવિવારે બપોરે દરિયાના પાણીની વીર ઉતરતાં ખાડીના પટ પર રહી ગયેલો દુર્ગંધ મારતો કોથળો લોકોની નજરે ચઢ્યો હતો. ઘટના અંગે જાણ થતાં સામખિયાળી પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
પોલીસે કોથળો ખોલાવતાં અંદરથી મૃત મહિલાની દુર્ગંધ મારતી અને વિકૃત થઈ ગયેલી લાશ મળી આવી હતી. પીએસઆઈ આર.એમ.ઝાલાએ જણાવ્યું હતું કે, મહિલાની ઉંમર અંદાજે 30થી 35 વર્ષની છે. તેના માથામાં ઈજાના નિશાન જોવા મળ્યાં છે. જેથી કોઈએ તેની હત્યા કરી મૃતદેહને કોથળામાં પેક કરી નિકાલ કરવા પ્રયાસ કર્યો હોવાનું જણાય છે. મહિલાનો મૃતદેહ જોતાં ત્રણ કે ચાર દિવસ અગાઉ તેની હત્યા થઈ હોય તેવી શક્યતા છે. જો કે, મૃત્યુનો સચોટ સમય અને કારણ જાણવા મૃતદેહને જામનગર એમ.પી.શાહ મેડિકલ કોલેજમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાશે. મૃત મહિલાના હાથ પર દિલની નિશાની સાથે એસપી લખેલું ટેટૂ પણ જોવા મળ્યું છે. મૃત મહિલા કોણ છે તે સ્પષ્ટ થયા બાદ હત્યારા અંગેની કડીઓ મળી શકે છે. પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુધ્ધ હત્યાનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.


Loading...
Advertisement