મા-બાપ પર ત્રાસ ગુજારનાર પુત્રને સંપતિમાં હકક ન મળે

22 July 2019 11:42 AM
Ahmedabad Gujarat
  • મા-બાપ પર ત્રાસ ગુજારનાર પુત્રને સંપતિમાં હકક ન મળે

માતાપિતાને નહીં સાચવતા સંતાનો માટે હાઈકોર્ટનો બોધપાઠરૂપ ચૂકાદો :' માતાનુ વસીયતનામુ માન્ય રાખીને સંપતિ બે પુત્રીઓને સોંપવાનો આદેશ

અમદાવાદ તા.22
મા-બાપને સારી રીતે નહીં સાચવતા સંતાનો માટે બોધપાઠરૂપ ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. માતાપિતાને માર મારતા પુત્રને તેમની સંપતિમાં અધિકાર આપવાનો ઈન્કાર કરીને તમામ સંપતિ બે પુત્રીઓને આપવાનો ચુકાદો આપ્યો હતો.
પારિવારિક વિવાદના એક કેસમાં રમેશ પટેલે (નામ બદલાવ્યુ છે) નામની વ્યક્તિએ હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. વડોદરાનો બંગલો સહીતની પિતાની પ્રોપર્ટીમાં પોતાનો હકક માંગ્યો હતો. આ કેસ અગાઉ વડોદરાની કોર્ટમાં ચાલ્યો હતા. વડોદરા કોર્ટે હકક આપવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો જેમાં એમ કહ્યું હતું કે માતાએ બતાવેલા વસીયતનામામાં પોતાને સંપતિમાં ભાગ આપ્યો નથી જે ગેરકાયદે છે. વસીયતનામામાં માતાની સહી સાચી છે કે બોગસ તે સ્પષ્ટ ન હોવાથી સંપતિમાં ભાગ મેળવવા પોતે હકકદાર છે.
આ કેસમાં રમેશ પટેલના પિતા તથા બે બહેનોએ એવી દલીલ કરી હતી કે રમેશ પટેલની માતાનું વસીયતનામુ કાયદેસરનું જ છે. તેને પ્રોપર્ટીમાં ભાગ ન આપવાના વ્યાજબી કારણો પણ છે.
પુત્ર માતા-પિતાને હેરાન કરતો હતો અને મારઝુડ કરતો હતો તે કારણોસર સંપતિમાંથી બાકાત રાખવામાં આવ્યાની દલીલ અદાલતે ગાસ રાખી હતી. પુત્ર માતા અને પિતા બન્નેને મારઝુડ કરતો હોવાનું અદાલતમાં પેશ થયેલા દસ્તાવેજો પરથી સાબીત થાય છે. પિતા જીવીત છે અને અદાલતમાં તેમના નિવેદન પણ આ હકીકત સાબીત કરે છે. માતાએ અગાઉ પોલીસમાં ફરિયાદ કરીને પુત્રની મારઝુડ-ત્રાસ સામે રક્ષણ પણ માંગ્યું હતું અને તેમાં પણ સંપતિનો ઉલ્લખ હતો.
પુત્રની મારઝુડ-ત્રાસના કારણે જ માતાએ સંપતિમાં ભાગ ન આપવાનું વલણ અપનાવ્યુ હોવાનું માનીને હાઈકોર્ટે વડોદરાની અદાલતમાં આદેશને માન્ય રાખ્યો હતો.


Loading...
Advertisement