ગુજરાતનું એક ટીપુ પાણી પણ કોઈ છીનવી નહીં શકે: રૂપાણી

20 July 2019 07:14 PM
Rajkot Gujarat
  • ગુજરાતનું એક ટીપુ પાણી પણ કોઈ છીનવી નહીં શકે: રૂપાણી

ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે જળ યુધ્ધ ચરમસીમાએ: મુખ્યમંત્રી વિજયભાઈના પાણીદાર તેવર :વીજળી નહીં તો પાણી નહીંની મધ્યપ્રદેશની ચીમકીમાં દેખાતું કોંગ્રેસનું ગંદુ રાજકારણ: સુપ્રિમના આદેશથી ટ્રીબ્યુનલે 40 વર્ષથી પાણીના હિસ્સા પાડેલા છે :લોકો ચિંતા ન ક૨ે, નર્મદાના આશિર્વાદથી પીવાનું પાણી મળતુ ૨હેશે : રૂપાણી

રાજકોટ તા.20
ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે નર્મદા નીર પ્રશ્ર્ને શરૂ થયેલું જળયુધ્ધ રાજકીય દિશામાં આગળ વધી રહ્યું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની સરકારના પ્રધાન હનીસિંઘ બધેલે નર્મદા યોજના અંગે આપેલા નિવેદનને કોંગ્રેસના ગંદા રાજકારણ અને કમનસીબ માનસીકતા સાથે સરખાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનું એક ટીપુ પણ પાણી કોઈ છીનવી નહીં શકે તેવું સ્પષ્ટ કહી દીધુ છે. 40 વર્ષ પહેલા સુપ્રિમ કોર્ટના આદેશ પરથી ટ્રીબ્યુનલે કરેલી વ્યવસ્થા મુજબ જ ચાર રાજયો આ પાણીનો ઉપયોગ કરે છે ત્યારે આડકતરી રીતે વિજયભાઈ રૂપાણીએ ગુજરાત કોઈને નડતું નથી ત્યારે મધ્યપ્રદેશ પણ ગુજરાતને ન નડે તેવો ઈશારો કમલનાથને મોકલી દીધો છે.
આજે પત્રકાર પરીષદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે 1979થી ટ્રીબ્યુનલે નર્મદાના પાણીની વહેંચણી કરી છે અને તેમાં લેશમાત્ર ફેરફાર કરવાનો અધિકાર કોઈપણ રાજયને નથી. આ વહેંચણી ટ્રીબ્યુનલના ચુકાદા મુજબ રચાયેલી કંટ્રોલ ઓથોરીટીની પુન:વસન માટેની બેઠક 12 જુલાઈએ બોલાવવામાં આવી ત્યારે મધ્યપ્રદેશના કોઈ અધિકારી હાજર ન હતા. બાદ 18 જુલાઈએ મીટીંગનો બહિષ્કાર કરવાનો ઈરાદો રાખીને 61મી બેઠકમાં 49મી બેઠકની કાર્યવાહીની નોંધ સામે વિરોધ દર્શાવ્યો હતો. સ્વાયત સંસ્થા નર્મદા કંટ્રોલ ઓથોરીટીની નિષ્પક્ષતા સામે કાદવ ઉછાળવો તે રાજકીય બદ ઈરાદા રૂપ છે.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ એવું કહે છે કે અમારી સાથે ગુજરાત ભેદભાવ કરે છે. ગુજરાત અમને વિજળી નહીં આપે તો અમે પાણી નહીં આપીએ. વિસ્થાપિતોને અસર થવાનો ભય દેખાડી ગુજરાત સરકાર મધ્યપ્રદેશના હિત વિશે વિચારતી નહીં હોવાનો આક્ષેપ કરે છે. વિજળી નહીં તો પાણી નહીંની ધમકી આપે છે. આ અંગે વિજયભાઈએ કહ્યું કે ગુજરાત સરકાર કયારેય ટ્રીબ્યુનલના નિયમો બહાર ગઈ નથી. મધ્યપ્રદેશ સાથે ભેદભાવ રાખ્યો નથી. કોંગ્રેસ પાણી મુદ્દે ગંદુ રાજકારણ રમે છે. પણ સરવાળે ગુજરાતનું પાણી કોઈ છીનવી શકશે નહીં.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ઉત્પાદન થતુ વીજળીનો 57 ટકા હીસ્સો મધ્યપ્રદેશને મળે છે. મધ્યપ્રદેશ સરકાર આવી ચીમકી પણ આપી ન શકે. લોકસભાની ચૂંટણીમાં પછડાટ બાદ કોંગ્રેસ નાસીપાસ થઈને આવા નિવેદન આપે છે. કોંગ્રેસ હારને પચાવી શકી નથી. ભૂતકાળમાં પણ ડેમના કામ આડે રાજકારણ કરતી આવી છે. વાસ્તવમાં કોંગ્રેસ સરકાર પાસે માહિતીનો અભાવ છે અને બાલીશ નિવેદન કરે છે. કારણ કે ટ્રીબ્યુનલ સામે કોઈ જઈ શકતું નથી.
મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર દ્વારા ખેલાતા આવા રાજકારણ અને ગુજરાતની જનતા વિરોધી વાત બદલ ગુજરાત કોંગ્રેસને પણ મધ્યપ્રદેશ પાસે ખુલાસો માંગવા પડકાર ફેંકતા વિજયભાઈએ કહ્યું હતું કે ગુજરાતને કોઈ ચીમકી આપવાની જરૂર નથી. ઉલ્ટાનું વરસાદ ખેંચાતા સૌએ ચિંતામાં સાથે મળીને કામ કરવું જોઈએ. કોંગ્રેસ દેશ હિતને યાદ રાખતી નથી. સુપ્રિમના ચુકાદા મુજબ 2022 સુધી પાણીના હિસ્સામાં કોઈ ફેરફાર કરી શકાય તેમ નથી. વીજ ઉત્પાદનમાં ગુજરાતનો પણ 16% હિસ્સો છે. આમ છતા ડેમની સુરક્ષાની દ્દષ્ટિએ તેનું ટેસ્ટીંગ આવશ્યક છે. 40 વર્ષથી જળવાઈ રહેલું સહકારનું વાતાવરણ ડહોળવાનો નિંદનીય પ્રયાસ છે.
નર્મદા ઓથોરીટીની તટસ્થા પર ગુજરાતને પૂરો ભરોષો છે. ટ્રીબ્યુનલ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાઓના પાલન કરાવવા માટે તે સક્ષમ છે એવું અંતમાં કહ્યું હતું. આ પત્રકાર પરિષદમાં પ્રવકતા રાજુભાઈ ધ્રુવ, ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બિનાબેન આચાર્ય, સ્ટે.ચેરમેન ઉદય કાનગડ હાજર રહ્યા હતા.


Loading...
Advertisement