ઘનશ્યામનગરનો પારસ સતવારા મિત્ર સાથે નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ

20 July 2019 06:49 PM
Rajkot
  • ઘનશ્યામનગરનો પારસ સતવારા મિત્ર સાથે
નીકળ્યા બાદ ભેદી સંજોગોમાં ગુમ

શ્રી હરી ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં મિત્રને સીમકાર્ડ આપ્યા બાદ લાપત્તા થયો

રાજકોટ તા.20
શહેરના ઘનશ્યામનગર શેરી 1/4માં રહેતો 16 વર્ષીય પારસ અતુલ કટેશીયા બે દિવસ પહેલા કારખાને ગયા બાદ ઘરે પરત નહીં ફરતા માતા દક્ષાબેન કટેશીયાએ થોરાળા પોલીસ મથકમાં કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કોઠારીયા મેઈન રોડ ઘનશ્યામનગર શેરી 1/4માં રહેતો રીક્ષા ડ્રાઈવીંગનો ધંધો કરતા અતુલ ગામજી કટેશીયા (ઉ.40) નામના સતવારા પ્રૌઢને સંતાનમાં 21 વર્ષીય યશ અને 16 વર્ષીય પારસ નામનો બે પુત્ર છે. જેમાં પારસ ધોરણ 10માં નાપાસ થતા પારસ શ્રી હરી ઈન્ડસ્ટ્રીઝ શેરી નં.9માં આવેલા બાલાજી ઈન્ડ.માં બારીના સોકેટ બનાવવાનું કામ શીખવા માટે જાય છે. જેમાં ગત તા.18ના રોજ સવારના તેના મિત્ર વિશ્ર્વજીતસિંહ જગતસિંહ પરમાર સાથે કારખાને જવા માટે નીકળ્યો હતો. સાંજના સમયે માતા દક્ષાબેને પુત્ર પારસને ફોન કરતા સ્વીચ ઓફ આવ્યો હતો.
જેથી તેના મિત્ર વિશ્ર્વજીતસિંહને ફોન કરી પુછપરછ કરતા અમો બન્ને જણા સવારના તમારા ઘરેથી ચાલતા ચાલતા નીકળ્યા હતા ત્યારે હરી ઈન્ડ. શેરી નં.9માં જતા વળાંક પાસે પહોંચતા સવારના આઠેક વાગ્યાના અરસામાં પારસે તેના ફોનમાંથી સીમકાર્ડ કાઢી મને આપેલ અને કારખાને આવેલ નથી તેવુ પારસની માતાને વિશ્ર્વજીતસિંહએ જણાવ્યું હતું. આ બાબતની જાણ થતા પારસના પિતા પુત્રએ પારસની કારખાને તેમજ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરી હતી. પરંતુ કયાંય પુત્રની માહિતી નહીં મળતા દક્ષાબેન અતુલભાઈ કટાશીયાએ થોરાળા પોલીસ મથકમાં બાળકનું કોઈ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદના આધારે પીએસઆઈ આર.એન. કોટવાલે 16 વર્ષીય પારસ સતવારાની શોધખોળ શરૂ કરી છે. ગુમ થનાર સગીર બાળક ઘરેથી નીકળ્યો ત્યારે દુધીયા કલરનો શર્ટ અને બ્લુ કલર જેવું જીન્સનું પેન્ટ પહેરેલુ હતું. તે દેખાવે ઘઉવર્ણો છે અને ઉચાઈ સાડા પાંચ ફૂટ તેમજ હોઠ પર કાળા તલનું નિશાન છે અને કપાળ પર જુની લાગેલુ નિશાન છે. ઉપરોકત બાળકને કોઈને જોવા મળે તો થોરાળા પોલીસ મથકના 0281- 2385952 નંબર પર સંપર્ક સાધવા જણાવ્યું છે.


Loading...
Advertisement