ગોંડલ ડેપોમાં પાસધારક વિદ્યાર્થીઓને હેરાનગતિ : બસમાં મુસાફરી કરવાનો ઇન્કાર

20 July 2019 02:55 PM
Gondal
  • ગોંડલ ડેપોમાં પાસધારક વિદ્યાર્થીઓને હેરાનગતિ : બસમાં મુસાફરી કરવાનો ઇન્કાર

એકસપ્રેસ-ગુર્જરીનગરી બસમાં બેસવા દેવાતા નહિ હોવાની રાવ

ગોંડલ, તા. ર0
ગોંડલ અને રાજકોટ વચ્ચે વ્યાપક પ્રમાણમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે, એસટી ડેપો દ્વારા ઉદાસીનતા દાખવી ઘણી બસો માં વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવતા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ભાવેશભાઈ ભાષાએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એસટી બોર્ડ નિગમ, એસટી ડિવિઝન ગોંડલ , તેમજ જિલ્લા કલેકટર રાજકોટ ને પત્ર લખી ફરિયાદ કરી છે કે ગોંડલ- રાજકોટ વચ્ચે વ્યાપક પ્રમાણમાં વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે, સવાર અને સાંજના સમયે ધારી- રાજકોટ, ગોંડલ-રાજકોટ, રાજકોટ- ધારી તેમજ રાજકોટ-ગોંડલની બસમાં વિદ્યાર્થી પાસ ચલાવવામાં આવતા નથી, જેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઉપરાંત એક્સપ્રેસ બસ કે ગુર્જરનગરી બસમાં પણ વિદ્યાર્થી પાસ પર મુસાફરી આપવામાં આવતી નથી, તો આ અંગે તાકીદે યોગ્ય પગલાં લેવા માંગ કરી હતી.
મોટાભાગની બસો બાયપાસ દોડતી રહે છે
વિદ્યાર્થી પાસ ઉપર મુસાફરી ના કરવા દેવાના મુદ્દે રોષે ભરાયેલ વાલીઓએ જણાવ્યું હતું કે રાજકોટ થી ઉપડતી અને જુનાગઢ, પોરબંદર તરફ જતી ઘણી બસો ગોંડલ બાયપાસ થી જ દોડતી રહે છે, ગોંડલ નો સ્ટોપ હોવા છતાં પણ તે શહેરમાં પ્રવેશતી નથી જો આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન છેડવાની ફરજ પડશે તેવું અંતમાં જણાવ્યું હતું.
લોહાણા સમાજની નાગ પાંચમી
ગોંડલ : લોહાણા સમાજ દ્વારા આગામી 22 ને સોમવાર ના રોજ નાગપંચમીની ઉજવણી કરવામાં આવશે. જે દર વર્ષ ની માફક આ વર્ષે પણ ગોંડલ માં વસતા લોહાણા પરિવાર ના લોકો માટે નાગ પાંચમી પૂજા નું આયોજન ઠા નાનુભાઈ ભેળવાળા ના ઘરે 2- સ્ટેશન પ્લોટ શ્યામ વાડી પાસે તથા ઠા વીરેન્દ્ર કાંતિલાલ એન્ડ બ્રોધર્સ (પાનવાળા) લક્ષ્મી ભુવન, નાની બજાર, ડેરા શેરી, શ્રીમાળી શેરી ગોડલ મુકામે પૂજન માટે વ્યવસ્થા કરાઈ છે. જ્ઞાતિ ના ભાઈઓ બહેનો એ દર્શન નો લાભ લેવા યાદી માં જણાવાયું છે.
માનવતાની મહેક ખીલી ઉઠી
ગોંડલ : અમદાવાદ થી એક યુવાન હોસ્પિટલ માં તેમના કામ અર્થે ગોંડલ આવેલ અને તેનું પાકીટ ખોવાઈ ગયું આ જેમાં 40000 રૂ. રોકડા તથા 10 જેટલા એટીએમ તથા ક્રેડિટકાર્ડ હતા..
આ પાકીટ લીલાખાના યુવાનો સુભાષ બલદાણીયા, પ્રદીપ પરડવા, ભાવિન ધામેલીયા ફાટક પાસે રોડ પરથી મળ્યું... પાકીટ ચેક કરતા તેમાં હજ્જારો રૂપિયા રોકડ હતા તેમજ ક્રેડિટ કાર્ડ હતા તરત જ એમાંથી ફોન નમ્બર પર કોન્ટેક કરી પાકીટ મુળ મલિક ને પરત કર્યું.
મુક્તેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસ દરમિયાન દરરોજ રાત્રે લઘુ રુદ્રાભિષેક
આગામી તારીખ 2 ના શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે, પ્રતિવર્ષ મુજબ સ્મશાન ખાતે આવેલ શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિરે આચાર્ય હિતેશભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને સંગીત સાથે લગ્ન રુદ્રાભિષેક નું આયોજન કરવામાં આવેલ છે જેનો સમય રાત્રીના 8 થી 12 નક્કી કરાયો છે આ લઘુ રુદ્રાભિષેક માં બેસનાર યજમાનો પાસેથી કોઇપણ જાતનો ચાર્જ કે ફી લેવામાં આવતી નથી.


Loading...
Advertisement