9 મહિનામાં પ્રથમ વખત ભારતની નિકાસમાં ઘટાડો

16 July 2019 02:23 PM
Business India
  • 9 મહિનામાં પ્રથમ વખત ભારતની નિકાસમાં ઘટાડો

આયાત પણ ઘટતા હજુ ‘સ્લોડાઉન’ યથાવત રહેવાના એંધાણ

નવી દિલ્હી તા.16
આર્થિક સ્લોડાઉન ભોગવતા ભારતની નિકાસ છેલ્લા નવ મહિનામાં પ્રથમ વખત ઘટી છે જુન મહિનામાં નિકાસ 10 ટકા ઘટીને 25 અબજ ડોલર પર આવી ગઈ છે. વૈશ્ર્વીક આર્થિક નબળાઈ વચ્ચે પેટ્રોલીયમ પ્રોડકટ, જેમ્સ એન્ડ જવેલરી તથા ટેકસટાઈલ્સને મોટો ફટકો પડયો છે. આઘાતજનક બાબત એ છે કે આયાતમાં પણ 9 ટકાનો ઘટાડો થયો છે. મશીનરી, કાચી સામગ્રી, વિવિધ ઉપકરણોની આયાત ઘટી છે. તેના આધારે ભારતમાં આવતા થોડા મહિના હજી ઔદ્યોગીક ગતિવિધી નબળી જ રહેવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
દેશની નિકાસ અને આયાત એમ બન્ને ક્ષેત્રમાં ઘટાડો થવાથી જુનથી વેપાર ખાદ્યમાં આંશીક સુધારો થયો છે. ગત જુન 2018 માં 16.6 અબજ ડોલરની સરખામણીએ 15.3 અબજ ડોલર થઈ છે. જોકે, નિકાસ વૃધ્ધિ થાય તો જ અર્થતંત્રમાં ધબકાર ઉભો થઈ શકે છે.
છેલ્લા છ મહિનાથી ઔદ્યોગીક ઉત્પાદન વૃધ્ધિદર સતત નબળો પડતો રહ્યો છે. તળીયે પહોંચેલી ડીમાંડ ઓટો ક્ષેત્રે માલ ભરાવો સહીતની બાબતો સુચક છે. કારખાનાઓમાં ઓછી ક્ષમતાથી ઉત્પાદન થઈ રહ્યા છે. કોર્પોરેટ જગત નવુ રોકાણ કરતુ નથી. એટલે નવી રોજગારી પણ ઉભી થઈ શકતી નથી.
નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે અમેરીકાએ આરંભેલા ટ્રેડવોર, યુરોપની નબળી ડીમાંડ જેવા વૈશ્ર્વીક કારણોથી નિકાસમાં કોઈ મોટી વૃધ્ધિ આવી શકે તેમ નથી. ભારતમાં ઉંચા વ્યાજદર તથા ધરખમ ઉત્પાદન ખર્ચનો ગણગણાટ પ્રવર્તી જ રહ્યો છે.


Loading...
Advertisement