રોડ પર થુંકતા 1445 પકડાયા: ઘરે જઈને પણ દંડ લેતું કોર્પો.

11 July 2019 06:47 PM
Rajkot
  • રોડ પર થુંકતા 1445 પકડાયા: ઘરે જઈને પણ દંડ લેતું કોર્પો.

653 વાહન ચાલક રૂા.250-250 ભરી ગયા: સાત દિવસ વિતી જતા ઘરે જઈને રૂા.1000-1000નો દંડ લેતી સોલીડ વેસ્ટ શાખા વાહન ઉભુ રાખીને પાનની પીચકારી મારવા માટે માધાપર ચોક, કાંતા વિકાસ ગૃહ રોડ, કેકેવી અને નાના મવા રોડ ફેવરીટ!

Advertisement

રાજકોટ તા.11
રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર થુંકવા પર પ્રતિબંધ મુકીને સ્વચ્છતા અભિયાનનો વધુ કડક અમલ કરવા પ્રયાસ કરનાર મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાનીના સ્વચ્છ ઈરાદાથી રસ્તા પર થુંકનારાઓની સંખ્યામાં ઘટાડો સીસીટીવી કેમેરામાં દેખાઈ રહ્યો છે. જુદા જુદા રોડના ટ્રાફિક સીગ્નલ સહિતની જગ્યાએ મુકાયેલા સીસી ટીવી કેમેરામાંથી અત્યાર સુધીમાં વાહન ઉભું રાખીને રોડ પર થુંકનારા 1445 પાન ફાકીના શોખીન પકડાયા છે.
મહાપાલિકા દ્વારા મોકલાતા ઈ-મેમો હેઠળ આ પૈકીના 653 વાહન ચાલક મનપામાં રૂા.250-250નો દંડ ભરી ગયા છે તો કાયદા મુજબ સાત દિવસમાં દંડ ન ભરે તો ચાર ગણા દંડની જોગવાઈ હોવાથી સફાઈ તંત્રના અધિકારીઓ 25 કેસમાં તો ઘરે ઘરે જઈને રૂા.1-1 હજારનો દંડ લઈ આવતા ફફડાટ પણ ફેલાયો છે.
શહેરમાં બે મહિના પહેલા જાહેરમાં થુંકવા પર પ્રતિબંધનો અમલ કરવામાં આવ્યો હતો. હાલ મુખ્ય મુખ્ય ચોકના ટ્રાફિક સીગ્નલ પર મુકવામાં આવેલા સીસી ટીવી કેમેરામાંથી થુંકનારા શોખીનો પકડાઈ રહ્યા છે. ધીમે ધીમે આ સંખ્યા ખુબ મોટી થઈ ગઈ છે અને ઈ-મેમોના ધોકા પડવા લાગતા ઘણા શોખીનો શિસ્તમાં આવી ગયા છે. અત્યાર સુધીમાં 792 પાનના શોખીનો હજુ દંડ ભરવામાંથી બાકી છે. આ વિગતો જે તે વોર્ડમાં મોકલવામાં આવતા 25 કેસમાં તો 1-1 હજારનો દંડ લેવામાં આવ્યો છે.
જે રસ્તા પર સીગ્નલ પાસે પાનની પીચકારી મારનારાની સંખ્યા સૌથી વધુ નોંધાઈ છે તેમાં માધાપર ચોકડીએ 384, ઢેબર રોડના કાંતા વિકાસ ગૃહ ચોકમાં 269, કેકેવી ચોકમાં 233, નાના મવા ચોકમાં 151, કાલાવડ રોડના જડુસ હોટલ પાસેના ચોકમાં 83 કેસ પકડીને ઘરે ઈ-મેમો મોકલવામાં આવેલ છે. આ સિવાય પણ ગોંડલ રોડના મકકમ ચોક, ભકિતનગર સર્કલ, ઢેબર ચોક, ગુરૂપ્રસાદ ચોક, જયુબીલી ચોક, સહિતના ચોકમાં પણ થુકનારા લોકો પણ વધુને વધુ ધ્યાનમાં આવી રહ્યા છે. મનપાના સુત્રોએ જણાવ્યું હતું કે શહેરના ગુલ 57 ચોકમાં આવા કેસ પકડાયા છે. તા.17-5થી તા.11-7-19 સુધીમાં આટલા કેસ થયા છે. સાત દિવસની મુદતમાં દંડ નહીં ભરનારાને ઘરે ઉઘરાણી કરવામાં આવી રહી છે. વોર્ડ ઓફીસ, કોર્પો.ના સીવીક સેન્ટર અને ઓનલાઈન પર આ દંડ ભરી શકાય છે. જે જે મુખ્ય ચોકમાં પાન ફાકી થુંકનારા મનપાના કેમેરામાં પકડાઈ રહ્યા છે. તેમાં એ.જી. ચોક, આહીર ચોક, આઝાદ ચોક, આજીડેમ ચોક, આનંદબંગલા ચોક, એસ્ટ્રોન ચોક, બજરંગવાડી, ભગવતીપરા, ભકિતનગર, ભૂતખાના, બીગબાઝાર ચોક, ચુનારાવાડ, ક્રિષ્ટલ મોલ ચોક, દેવપરા, ગોંડલ ચોકડી, ગુંદાવાડી, હનુમાન મઢી, હોસ્પિટલ ચોક, જામટાવર, જીલ્લા ગાર્ડન અને જયુબીલી ચોક, જંકશન પ્લોટ, કોઠારીયા ચોકડી, લીમડા ચોક, મકકમ ચોક, મોરબી રોડ, મોટી ટાંકી, નાગરિક બેંક ચોક, નાના મવા ચોક, પારેવડી ચોક, પાણીનો ઘોડો, રામાપીર ચોક, સોરઠીયાવાડી, ત્રિકોણબાગ, ઉમીયા ચોક, શ્રોફ રોડ, બેડીનાકા, સોજીત્રાનગર વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.


Advertisement