‘રેરા’ હેઠળ 99 ટકા ફરિયાદોમાં બિલ્ડર-ગ્રાહકો વચ્ચે સમાધાન

11 July 2019 04:39 PM
Ahmedabad Gujarat
  • ‘રેરા’ હેઠળ 99 ટકા ફરિયાદોમાં બિલ્ડર-ગ્રાહકો વચ્ચે સમાધાન

‘રેરા’ની આકરી જોગવાઈઓને કારણે કાનુની કેસ લડવાને બદલે સમાધાનકારી વલણનો જ બિલ્ડરોનો મૂડ સમગ્ર ગુજરાતમાં એક વર્ષમાં બિલ્ડરો વિરુદ્ધ ગ્રાહકોની 220 ફરિયાદો તેમાંથી 219માં સમાધાન

Advertisement

અમદાવાદ તા.11
રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગ્રાહકોને છેતરાતા બચાવવા માટે ‘રેરા’ કાયદો લાગુ પાડવામાં આવ્યો છે. ગ્રાહકો ‘રેરા’માં ફરિયાદ કરે તે સાથે જ બિલ્ડરો સમાધાનકારી માર્ગ અપનાવી લેતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. બિલ્ડર-ગ્રાહક વચ્ચેની તકરારના 99 ટકા કેસોમાં સમાધાન થયાની આંકડાકીય માહિતી જાહેર થઈ ચે.
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીએ ગ્રાહકોની ફરિયાદોની સુનાવણી કરવાનું એકાદ વર્ષ પુર્વે શરુ કર્યુ હતું. જુલાઈ 2018 અત્યાર સુધીમાં રેરા ઓથોરીટી સમક્ષ કાયદાની કલમ 31 હેઠળ 220 કેસો આવ્યા હતા. તેમાંથી 219 કેસોમાં ઓથોરીટી કોઈ આદેશ કરે તે પુર્વેજ બિલ્ડર અને ગ્રાહકો વચ્ચે ઘરમેળે સમાધાન થઈ ગયા હતા. એક માત્ર સુરતના કેસમાં બિલ્ડર પર 5000ની પેનલ્ટી ફટકારવામાં આવી હતી.
સૂત્રોએ એમ કહ્યું છે કે રેરા કાયદા હેઠળ હજુ લોકોમાં જાગૃતિ વધારવી પડે તેમ છે. કારણ કે ગુજરાતમાં રેરા કાયદા હેઠળ નિકાલ થયેલા કુલ કેસોમાં નાગરિકોની ફરિયાદોના કેસોની માત્રા માત્ર 24 ટકા જ છે. સતામંડળે પણ બહુ ઓછા કેસોમાં આકરી કાર્યવાહી કરી છે. વડોદરાના બિલ્ડરે 20 લાક ગ્રાહકને પરત ચુકવ્યા ન હતા અને તે કેસમાં બિલ્ડર વિરુદ્ધ વોરંટ કાઢવામાં આવ્યું તેવો અપવાદરૂપ કેસ છે.
ગુજરાત રેરા સતામંડળ સમક્ષ થયેલી ફરિયાદોમાં મુખ્યત્વે પ્રોપર્ટીનો કબ્જો સોંપવામાં ઢીલ, નિયત સુવિધાઓ નહીં આપવા, નબળા બાંધકામ, નબળા ફીટીંગ, સંકુલમાં નિર્ધારિત સુવિધાઓ નહીં આપવા જેવા મુદાઓ જ છે. સૌથી વધુ 71 ફરિયાદો અમદાવાદમાંથી થઈ છે. ગુજરેરાની વેબસાઈટમાં દર્શાવાયેલી વિગતો મુજબ રાજકોટ, વલસાડ જેવા શહેરોના ફરિયાદ કેસોનો નિવેડો નથી આવ્યો જયારે ભાવનગરના માત્ર એક કેસનો નિકાલ થયો છે.
નાગરિકોની ફરિયાદ સિવાય ‘ગુજરેરા’ દ્વારા 707 કેસો ‘સુઓમોટો’ ધોરણે જ હાથ પર લેવામાં આવ્યા હતા જેમાં ત્રિમાસિક રીટર્ન નહીં ભરવા જેવી નિયમોનો ભંગ કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. રેરા કાયદા હેઠળ નિયમોનું પાલન ફરજીયાત છે. રેરા રજીસ્ટ્રેશન વિના જાહેરાત કે વેચાણ કરવા વગેરે પ્રતિબંધીત છે.
રાજકોટને લાગેવળગે છે ત્યાં સુધી એક ગ્રાહક દ્વારા સતામંડળ સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી. જ્યારે ત્રિમાસિક રીટર્ન જેવા નિયમભંગ બદલ 23 બિલ્ડરો સામે કેસ છે.


Advertisement