અમરેલીમાં સફાઇ માટે ખર્ચાતા લાખો રૂપિયા એળે : ગંદકી-કિચડની સમસ્યા યથાવત

11 July 2019 03:44 PM
Amreli

સ્વચ્છતા અભિયાન શરૂ કરી દવા છંટકાવ કરવા માંગ

Advertisement

અમરેલી, તા. 11
અમરેલી શહેરમાંથી ગંદકી દુર કરવા માટે દર મહિને જનતા જનાર્દનનાં પરસેવાના લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવા છતાં પણ શહેરીજનોમાં સ્વચ્છતાનાં કાર્યને લઈને પાલિકા સામે નારાજગીનો માહોલ જોવા મળી રહયો છે.
પાલિકાને સફાઈકર્મીઓનાં પગાર-ભથ્થા, વાહનો, સાધનો તેમજ કોન્ટ્રાકટથી કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ થયા બાદ પણ શહેરમાંથી સંપુર્ણ પણે ગંદકી દુર થતી નથી.
શહેરના સ્ટેશન રોડ, ચિતલ રોડ, વરસડા રોડ, કપોળ બોર્ડિંગ રોડ, પોસ્ટ ઓફિસ રોડ,જિલ્લા પંચાયત રોડ, લાયબ્રેરી રોડ, રાજમહેલ પટ્ટાંગણ સહિતનાં ટ્રાફીકથી ધમધમતા માર્ગ પર ધુળનાં ઢગ જોવા મળે છે. અને સતત વાહનોની અવર- જવર હોવાથી ધુળની ડમરીઓ ઉડતાં જનઆરોગ્ય પર ખતરો ઉભો થયો છે.
તદ્ઉપરાંત, શહેરનાં રહેણાંક વિસ્તારમાં પણ જાહેર માર્ગ, ખાનગી કે સરકારી જમીનમાં પણ બેફામ ગંદકીનો માહોલ જોવા મળી રહયો છે. ગંદકીનાં કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહયો છે. છતાં પણ પાલિકા દ્વારા સ્વચ્છતા કરીને હવાનો છંટકાવ કરવામાં આવતો નથી.
કલેકટર દ્વારા શહેરનાં તમામ વોર્ડની જવાબદારી ઉચ્ચ અધિકારીને સોંપવામાં આવે અને પાલિકાના શાસકોનો કાન આમળવામાં આવે તેવી માંગ શહેરીજનોમાંથી ઉભી થઈ રહી છે.


Advertisement