સગર્ભાનું હૃદય બંધ પડી ગયુ; સમયસર સારવારથી શિશુ-માતાનો બચાવ

11 July 2019 02:43 PM
kutch
  • સગર્ભાનું હૃદય બંધ પડી ગયુ; સમયસર સારવારથી શિશુ-માતાનો બચાવ

ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં રેર કહી શકાય તેવી સફળ સર્જરી : મેડીકલ ઇમરજન્સી સફળતાપૂર્વક પસાર

Advertisement

ભુજ, તા. 11
ભુજની અદાણી ગ્રુપ સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના ગાયનેક અને એનેસ્થેટીકના નિષ્ણાત તબીબોની ટીમે અંજારની 27 વર્ષિય પ્રસુતા નસીમાબાનુને બાળક સમેત ઉગારી લઈ નવજીવન આપ્યું છે.
નસીમબાનુને અંજારના સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી જી.કે. જનરલમાં ખસેડવામાં આવી ત્યારે તેણીને પ્રસવપીડા શરુ થઇ ગઈ હતી. પ્રસવપીડા સાથે બ્લડપ્રેશર 190/130 જેટલું વધુ થઈ જતાં તેના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું.
જેથી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા અનિયમિત બનતાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું હતું. મહિલા દર્દીને C-PAP (Continued Positive Airway Pressureમશીનની મદદથી ઉગારવા પ્રયાસ કરાયો હતો. એસોસિએટ પ્રોફેસર ડો. ગિરિજા બેલાડ અને સિનિયર રેસિડેન્ટ ડો. અક્સા ખત્રીના જણાવ્યા અનુસાર, 3 કલાક પછી દર્દીને ખાંસી શરુ થઇ જતાં કૃત્રિમ શ્વાસોચ્છવાસ માટે ફેફસામાં નળી (ઇન્ટ્યુબેશન) નાખવામાં આવી હતી. નળી વાટે પાણી બહાર આવવા લાગ્યું હતું તે સમયે દર્દીને એકાએક પ્રસવપીડા બંધ થઇ જતાં તાત્કાલિક સિઝેરીયન કરી ગર્ભમાંથી બાળકને બહાર કાઢવું પડે તેવી અત્યંત જટિલ મેડિકલ ઈમરજન્સી ઉભી થઈ હતી.
સિઝેરીયનની તૈયારી શરૂ કરી કે અચાનક દર્દીની નાડના ધબકારા બંધ થઈ ગયા હતા. દર્દીના બચવાની તકો સાવ ઘટી જતાં એનેસ્થેટીક સર્જને તાત્કાલિક તેને CPR (Cardio Pulmonary Resuscitation) આપવાનું શરૂ કર્યું હતું. હૃદયના ધબકારા બંધ પડી જાય ત્યારે આ ટેકનીક લાઈફ સેવીંગ ટેકનીક ગણાય છે. જેમાં બે હથેળી વડે ખાસ મુઠ્ઠીવાળી હૃદય નજીક સતત દબાવવામાં આવે છે. જો કે, દર્દી ગર્ભવતી હતી અને તેથી અન્ય દર્દીની જેમ તેને CPR આપવામાં બીજી અગવડ સર્જાતી હતી.
ઓપરેશન ટેબલ પરની ઈમરજન્સીની સ્થિતિમાં હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ અને સિનિયર ગાયનેક સર્જન ડો. ભાદરકા પણ ડોક્ટરોની મદદમાં દોડી આવ્યા હતા. માતાના જીવન-મરણ વચ્ચેના જંગમાં તબીબોને ગર્ભમાં રહેલો બીજો જીવ પણ બચાવી લેવાની તત્પરતા હતી.
સીપીઆર આપ્યા બાદ મહિલાનું હૃદય ફરી ધબકવા માંડતા બીજી જ પળે ડોક્ટરોએ સિઝેરીયન કરી દઈ માત્ર 15 મિનિટમાં જ ગર્ભસ્થ શિશુને બહાર લઈ લીધું હતું. સીઝેરીયન કરવા સાથે ડોક્ટરોએ હાઈ બ્લડપ્રેશરને કારણે ગર્ભમાં ભરાયેલું પાણી પણ દૂર કર્યું ને આ સાથે જ માતાને ચેતના આવી ગઈ. ઈઙછ પણ માફક આવી ગયું. ફેફસામાં પાણી હોઈ દર્દીને ICUમાં શિફ્ટ કરી સઘન સારવાર અપાતાં દર્દીની તબિયતમાં સુધારો આવવા માંડ્યો ને તે સામાન્ય રીતે શ્વાસ લેતી થઈ.
સમગ્ર સારવાર અને શસ્ત્રક્રિયામાં ડો. ઉર્વાંગી ઠક્કર, ડો. વિનોદ મકવાણા, એનેસ્થેટીક સર્જન ડો. રામનંદન પ્રસાદ, આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. પૂજા કુમાકિયા વગેરે રેસિડેન્ટ્સ અને ટીચીંગ સ્ટાફ પણ જોડાયો હતો.


Advertisement