અમિત જેઠવા હત્યા કેસ: પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત 7આરોપીને આજીવન કેદની સજા

11 July 2019 12:17 PM
Junagadh Crime Gujarat Saurashtra
  • અમિત જેઠવા હત્યા કેસ: પૂર્વ સાંસદ દીનુ સોલંકી સહિત 7આરોપીને આજીવન કેદની સજા

2010 માં આરટીઆઈ એકવિસ્ટની થયેલી સરાજાહેર હત્યામાં ભાજપના પૂર્વ સાંસદની સજા જાહેર : ખાસ સીબીઆઈ કોર્ટનો ચૂકાદો: પૂર્વ સાંસદ તથા તેના ભત્રીજા શિવા સોલંકીને રૂા.15-15 લાખનો દંડ: હોસ્ટાઈલ થયેલા સાક્ષીઓ સામે કાર્યવાહીનો આદેશ: નવ વર્ષની કાનુની લડાઈ બાદ આખરે ચર્ચાસ્પદ કેસમાં ચુકાદો

Advertisement

રાજકોટ તા.11
ગુજરાતના બહુચર્ચીત અમીત જેઠવા હત્યા કેસમાં આજે ખાસ સીબીઆઈ કોર્ટે ભાજપનાં પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સહીત તમામ સાત આરોપીઓને આજીવન કેદની સજા
ફટકારી છે.

ગત તા.6 ના રોજ અમદાવાદની આ અદાલતે દિનુભાઈ સોલંકી ઉપરાંત તેમના ભત્રીજા શિવા સોલંકી, શૈલેષ પંડયા, પોલીસ કોન્સટેબલ બહાદુરસિંહ વાઢેર, શિવા પંચાલ, સંજય ચૌહાણ અને ઉદાજી ઠાકોરને દોશીત જાહેર કર્યા હતા અને ઉઘડતી અદાલતે સજા ફટકારી છે.20 જુલાઈ 2010 ના રોજ આરટીઆઈ એકટીવીસ્ટ અમિત જેઠવાની અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ગુજરાત હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પ.પાસે બાઈક ઉપર આવેલા બે શખ્સોએ જેઠવા ઉપર આડેધડ ગોળી છોડીને તેની સરાજાહેર હત્યા કરી હતી અને તેમાં ભાજપના જુનાગઢ જીલ્લાના પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકીનું નામ ખુલ્યુ હતું.

જુનાગઢ જીલ્લામાં ગેરકાનુની રીતે ખાણ ખોદકામના મુદ્દે અમિત જેઠવાએ માહીતીના અધિકાર હેઠળ કરેલી અરજીઓ દિનુભાઈ સોલંકી માટે મુશ્કેલી સાબિત કરે તેવી હતી અને અમિત જેઠવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી હોવાના સંકેત બાદ દિનુભાઈ સોલંકીની સુચનાથી અમિત જેઠવાની હત્યા થઈ હોવાનું ખુલ્યુ હતું.

આજે ખાસ સીબીઆઈ કોર્ટે પોતાનો ચુકાદો આપતા આ કેસમાં હોસ્ટાઈલ જાહેર થયેલા 155 સાક્ષીઓ સામે પણ તપાસના આદેશ આપ્યા છે.દિનુભાઈ સોલંકી તથા તેના ભત્રીજા શિવા સોલંકીને અદાલતે રૂા.15-15 લાખનો દંડ ફટકાર્યો છે જેમાં રૂા.3-3 લાખ અમિત જેઠવાના સંતાનોને વળતરરૂપે અપાશે.

આ કેસમાં દિનુભાઈ સોલંકીને અગાઉ જ સાબરમતી જેલમાં ધકેલી દેવાયા હતા અને આજે તેમને કોર્ટમાં હાજર રખાયા હતા તેમના ધારાશાસ્ત્રી હવે ઉંમરલાયક થઈ ગયા હોવાથી તેમની સજા હળવી કરવા માંગણી કરી હતી પરંતુ ખાસ સીબીઆઈ કોર્ટે તે નકારી છે.

કોને કેટલો દંડ
* દીનુ બોઘા સોલંકી રૂા.15 લાખ
* શીવા સોલંકીને 15 લાખ
* શૈલેષ પંડ્યા 10 લાખ
* બહાદુરસિંહ વાઢેર 10 લાખ
* શિવા પચાણ 8 લાખ
* સંજય ચૌહાણ 1 લાખ
* ઉદાજી ઠાકોરને 25000


Advertisement