ભાજપ સંગઠન પર સંઘનો પ્રભાવ વધશે: 12 પ્રચારકોને સમાવવા તૈયારી

10 July 2019 08:02 PM
India Politics
  • ભાજપ સંગઠન પર સંઘનો પ્રભાવ વધશે: 12 પ્રચારકોને સમાવવા તૈયારી

આજથી વિજયવાડામાં સંઘની મહત્વની બેઠક: દક્ષિણના રાજયોમાં બંગાળ અને કેરાળા સ્ટાઈલની એન્ટ્રી માટે સંઘની મદદ મેળવશે

Advertisement

નવી દિલ્હી તા.10
આગામી સમયમાં ભાજપના નવા સંગઠનમાં આરએસએસનો દબદબો વધી શકે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી અમીત શાહે અગાઉ જ પદ છોડવાની જાહેરાત કરી છે અને તેમના સ્થાને કાર્યકારી પ્રમુખ તરીકે હાલ જે.પી.નડ્ડાને નિયુક્ત કરાયા છે અને ત્રણ રાજયોની ચૂંટણી પછી આગામી વર્ષે ભાજપનું નવું સંગઠન રચાય શકે છે અને તેમાં આરએસએસના 12થી વધુ પ્રચારકોને સમાવાશે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આજથી વિજયવાડામાં આરએસએસની એક ઉચ્ચ સ્તરીય બેઠક શરુ થઈ છે અને તેમાં અમીત શાહ અને જે.પી.નડ્ડા બંને હાજર રહી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપે તેલંગાણા, કેરાળા, આંધ્રપ્રદેશ અને તામીલનાડુ જેવા રાજયોમાં તેનો પ્રભાવ વધારવા સંઘની મદદ માંગી છે. આ રાજયોમાં હાલ આરએસએસના જે કાંઈ અગ્રણીઓ કામ કરી રહ્યા છે તેઓને અપગ્રેડ કરીને ભાજપમાં સમાવાશે. ભાજપમાં સામાન્ય રીતે સંગઠનમાં સંઘના પ્રચારકોને નિયુક્ત કરવામાં આવે છે અને તબકકાવાર તેઓ ભાજપમાં મહત્વના સ્થાન મેળવતા જાય છે. હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક સમયે ગુજરાતમાં સંઘના પ્રચારક હતા અને બાદમાં ભાજપના સંગઠનમાં આવીને રાજકીય કારકિર્દી બનાવી છે.


Advertisement