એન્ટરટેઈન્મેન્ટ ગિલ્ડ કરશે કંગનાનો બોયકોટ, જાહેરમાં માફીની માંગ

10 July 2019 02:20 PM
Entertainment
  • એન્ટરટેઈન્મેન્ટ ગિલ્ડ કરશે કંગનાનો બોયકોટ, જાહેરમાં માફીની માંગ

પત્રકારને ખખડાવવો કંગનાને ભારે પડશે :કંગનાનું મીડીયા કવરેજ ન કરવાનો ગિલ્ડનો નિર્ણય

મુંબઈ તા.10
પત્રકાર સાથે બબાલ કરવી હવે કંગના રનૌત માટે મુશ્કેલી બની શકે તેમ છે. એન્ટરટેઈન્મેન્ટ જર્નાલીસ્ટ ગિલ્ડે કંગનાનો બોયકોટ-વિરોધ કરવાનું એલાન કર્યું છે અને કંગનાને જાહેરમાં માફી માગવાની માંગ કરી છે.
કંગના રનૌત અને રાજકુમાર સ્ટારર આવનારી ફિલ્મ ‘જજમેન્ટલ હૈ કયા?’ના પ્રમોશન દરમ્યાન કંગના એક પત્રકાર સાથે બાખડી પડી હતી જેના વિરોધમાં એન્ટરટેઈન્મેન્ટ જર્નાલીસ્ટ ગિલ્ડે કંગનના બહિષ્કારનું એલાન કર્યું છે અને તેનુ મીડીયા કવરેજ ન કરવાનો નિર્ણય લીધો છે.
ગિલ્ડના પ્રતિનિધિમંડળે ગઈકાલે ફિલ્મની નિર્માત્રી એકતા કપુર સાથે બેઠક કરીને આ બાબતની જાણકારી આપી હતી અને કંગના જાહેરમાં માફી માગે તેવી માંગણી કરી હતી. એક પત્રકારે જણાવ્યુ હતુ કે પ્રોડયુસર એકતા કપુરે માફી માગવા મુદે સહમતી દર્શાવી છે.
રવિવારની અપમાનજનક ઘટનાને લઈને એકતા કપુરે ખેદ પણ વ્યકત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘જજમેન્ટલ હૈ કયા’ના પ્રમોશન દરમ્યાન કંગનાએ એક પત્રકાર સામે તેની (કંગનાની) ફિલ્મ ‘મણિકર્ણિકા’ની વિરૂધ્ધ લખવા અને તેની વિરૂધ્ધ કેમ્પેન ચલાવતો હોવાનો આરોપ મૂકી પત્રકારને બધાની વચમાં ખખડાવી નાખ્યો હતો.

લોકોએ પોતાની ઝાટકણી માટે પણ તૈયાર રહેવું જોઈએ

તાપસી પન્નુ, અનુરાગ કશ્યપ અને રંગોલી વિશે પૂછતાં કંગનાએ કહ્યું...

કંગના રનોટનું કહેવું છે કે દરેક વ્યક્તિએ તેમની પોતાની ઝાટકણી માટે તૈયાર રહેવું જોઈએ. હાલમાં જ કંગનાની બહેન રંગોલીએ ટવીટર પર તાપસી પન્નુની ટીકા કરી હતી. આ પગલે અનુરાગ કશ્યપ પણ તાપસીના બચાવમાં આવ્યો હતો. આ વિશે પૂછતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું મારી બહેનની પ્રવકતા નથી. તેના પોતાનો વ્યુ રજુ કરવાનો તેને હક છે. તે કોઈ અન્ય વ્યક્તિની ટવીટર વોલ પર જઈને નથી લખી રહી. તે જે લખી રહી છે એ લોકોને પસંદ ન હોય તો તેની ટવીટ ન વાંચવી જોઈએ. તે કંઈ લોકોના દરવાજા ખખડાવીને તેની ટવીટ વાંચો એમ નથી કહી રહી. લોકો તેમના અશ્ર્લીલ ફોટો ટવીટર પર શેર કરે છે. જયારે તે તો ફકત પોતાનો વ્યુ રજુ કરી રહી છે. ઈન્ટરવ્યુમાં તાપસીએ કહ્યું હતું કે કંગનાને કામ ન મળી રહ્યું હોવાથી તે સગાવાદને જવાબદાર કહેતી ફરે છે. આથી તેણે ડબલ ફીલ્ટર લગાવવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિનો મજાક ઉડાડવામાં કંઈ ખોટું નથી, પરંતુ તમારે પોતાના માટે પણ તૈયાર રહેવું જોઈએ. કોઈ તેમની ઝાટકણી કાઢે ત્યારે કેમ તેમને વાંધો પડે છે?


Loading...
Advertisement