3 વર્ષનો સૌથી મોટો ‘સીંગલ-ડે’ કડાકો: શેરબજારમાં હવે શું?

09 July 2019 12:39 PM
Business India
  • 3 વર્ષનો સૌથી મોટો ‘સીંગલ-ડે’ કડાકો: શેરબજારમાં હવે શું?

બેંક તથા મીડકેપ-સ્મોલકેપ શેરોમાં વર્ષનો બીજા નંબરનો મોટો ઘટાડો : બજેટની હતાશાએ મોરલ ડાઉન: હવે 12મીએ ફુગાવા-ઔદ્યોગીક ઉત્પાદનના ડેટા તથા કોર્પોરેટ પરિણામો અસરકર્તા બનશે

Advertisement

રાજકોટ તા.9
કેન્દ્રીય બજેટ જાહેર થયા પછી સળંગ બે દિવસ શેરબજાર ગગડયું છે. સોમવારે સેન્સેકસમાં સર્જાયેલો કડાકો 2016 પછીનો સૌથી મોટો હતા. મંદી પાછળનું મુખ્ય કારણ બજેટની નિરાશા જ હોવા ઉપરાંત અન્ય કેટલાક કારણોને પણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.
દેશમાં માંદગીના ખાટલે ગયેલા અર્થતંત્રને બેઠુ કરવા માટે બજેટમાં કોઈ નકકર દસ્તાવેજો ન હોવાથી હતાશાથી શેરબજાર મંદીમાં સપડાયું છે. બે દિવસમાં ઈન્વેસ્ટરોના પાંચ લાખ કરોડથી વધુ નાણા ડુબી ગયા છે. બાયબેક પરની કરમુક્તિ રદ કરવાના સુપરરીચ પર વધારાના ટેકસમાં વિદેશી ફંડોને આવરી લેવાના તથા કંપનીઓમાં રીટેઈલ ઈન્વેસ્ટરોના હોલ્ડીંગની ટકાવારી વધારવા જેવા પગલાઓએ માર્કેટમાં ધબડકો સર્જયો છે.
શેરબજારના નિષ્ણાંતોના કથન મુજબ ટકાવારીની દ્દષ્ટીએ સોમવારનો કડાકો એપ્રિલ 2016 પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે. બજેટમાં શેરબજારને કાંઈ ન અપાયુ તેની સામે વાંધો નથી પરંતુ વિદેશી ફંડો પર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેકસ વધારાયો તેનાથી હતાશા છે. બાયબેક તથા ઈન્વેસ્ટર હોલ્ડીંગ સંબંધી દરખાસ્તો પણ માફક આવી નથી.
સોમવારે કડાકામાં સૌથી વધુ નિશાન બનેલા ક્ષેત્રોમાં બેંક શેરો પણ સામેલ હતા. બેંક ઈન્ડેકસ અઢી ટકા ગગડયો હતો જે છેલ્લા એક વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. પંજાબ નેશનલ બેંકનું નવુ કૌભાંડ ખુલ્યાનો ગભરાટ હતો. ભુષણ પાવરને લોન આપવામાં 3800 કરોડનું કૌભાંડ માલુમ પડયાની રીઝર્વ બેંકને કરવામાં આવી જ છે.
આ સિવાય રીયલ એસ્ટેટ ક્ષેત્રના શેરોમાં ધબહકો થયો હતો. તે પાછળનું કારણ હાઉસીંગ ફાઈનાન્સ તથા નોન બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓની તકલીફો છે.
ત્રીજુ સેકટર ઓટોમોબાઈલ્સ હતું. ઈલેકટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં ઓટો સેકટરનો વારો જ નીકળ્યો છે. ઉપરાંત ડીમાંડ ઘટી જવાથ માલ ભરાવાને કારણે કંપનીઓએ ઉત્પાદન ઘટાડવાની નોબત આવી હોવાની અસર છે.
શેરબજારના નિષ્ણાંતોના કહેવા પ્રમાણે હવે જૂન ત્રિમાસિકના કોર્પોરેટ પરિણામો મેક્રો ઈકોનોમીક ડેટા તથા અમેરિકી ઘટનાક્રમ માર્કેટને અસર કરશે. આ ઉપરાંત ચોમાસાની પ્રગતિ તથા વૈશ્ર્વિક બનાવોની અસર રહે તેમ છે. 12મી જુલાઈએ ફુગાવા તથા ઔદ્યોગીક ઉત્પાદનમાં આંકડાઓ નિર્ણાયક ભાગ ભજવશે.
શેરબજારનો સોમવારનો કડાકો કેટલો તીવ્ર હતો તેની સાબીતી એ વાત પરથી મળી જાય છે કે સેન્સેકસ હેઠળના 30માંથી માત્ર ત્રણ શેર ઝોનમાં રહ્યા હતા. મીડકેપ અને સ્કોલકેપ શેરોમાં વર્ષમાં બીજા નંબરનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

વિદેશી ઈન્વેસ્ટરો પર સરચાર્જ વિશે તુર્તમાં સ્પષ્ટતા જારી થશે
કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડના ચેરમેન પી.સી.મોદીએ કહ્યું હતું કે બજેટમાં સુપરરીચ પર વધારાયેલા ટેકસમાં વિદેશી પોર્ટફોલીયો ઈન્વેસ્ટરોને પણ આવરી લેવાયા વિશે તુર્તમાં ચોખવટ કરવામાં આવશે. આ મુદો સરકારના ધ્યાનમાં આવ્યો છે. ગત શુક્રવારે નાણાંપ્રધાન સીતારામને બજેટ પેશ કર્યુ હતું તેમાં બે થી પાંચ કરોડની આવક ધરાવનારા પરનો સરચાર્જ 3 ટકા તથા પાંચ કરોડથી અધિકની આવક ધરાવતા લોકો પરનો સરચાર્જ 7 ટકા વધારવાની દરખાસ્ત કરી હતી. અનેક વિદેશી ફંડો એસોસીએશન ઓફ પર્સન ધોરણે પણ કાર્યરત છે.


Advertisement