સ્પર્મ વહેલની ઉલટી : પરફયુમ માટે ઉપયોગી અતિ દુર્લભ માછલી સાથે કચ્છનો શખ્સ મુંબઇથી ઝબ્બે

20 June 2019 12:22 PM
kutch Crime Gujarat Saurashtra
  • સ્પર્મ વહેલની ઉલટી : પરફયુમ માટે ઉપયોગી અતિ
દુર્લભ માછલી સાથે કચ્છનો શખ્સ મુંબઇથી ઝબ્બે
  • સ્પર્મ વહેલની ઉલટી : પરફયુમ માટે ઉપયોગી અતિ
દુર્લભ માછલી સાથે કચ્છનો શખ્સ મુંબઇથી ઝબ્બે

1.7 કરોડની કિંમતી માછલી પ્લેગના રોગ સામે ઉપયોગી મનાય છે : અંબર મનાતી મચ્છી હાથ લાગે તેનો બેડો પાર થાય

Advertisement

ભૂજ તા.20
દેશની રાજધાની મુંબઈના ઘાટકોપરમાંથી પોલીસે 1 કરોડ 7 લાખની કિંમતનું 1.13 કિલોગ્રામ ‘અંબર’ જપ્ત કર્યું છે. આ માલ કચ્છનો લલિત વ્યાસ નામનો 44 વર્ષિય શખ્સ મુંબઈમાં વેચવા આવ્યો હતો. લલિતે નાગપુરના 52 વર્ષિય રાહુલ દુપારેને અંબરનો જથ્થો આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં અંબરની ખૂબ ઊંચી માગ છે. ખાસ કરીને, દુબઈ જેવા ખાડી દેશોમાં તેની દાણચોરી થાય છે. ઝડપાયેલા શખ્શોને પોલીસે 20મી જૂન સુધી રીમાન્ડ મેળવ્યાં છે.

અંગ્રેજી ભાષામાં Ambergris તરીકે ઓળખાતો આ પદાર્થ સમુદ્રનો ખજાનો અથવા તરતા સોના તરીકે વિશ્વવભરમાં પ્રખ્યાત છે. અંબરને ‘વ્હેલ માછલીની કિંમતી ઉલટી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વ્હેલ માછલીની વિવિધ પ્રજાતિ પૈકીની સ્પર્મ વ્હેલ નામની માછલીના પેટમાં અંબરનું સર્જન થાય છે. સમુદ્રીજીવશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર સ્પર્મ વ્હેલના આંતરડામાંથી ઝરતાં અંત:સ્ત્રાવથી અંબર સર્જાય છે.

જો કે, આ અંબરના સર્જનમાં વર્ષો નીકળી જાય છે. માત્ર એકાદ ટકો માછલીના પેટમાં જ રહેલું અંબર મોઢા વાટે બહાર આવે છે.સ્પર્મ વ્હેલનું વજન 41000થી 45000 કિલો જેટલું હોય છે. સ્પર્મ વ્હેલ પ્રજાતિ લુપ્ત થવાના આરે છે અને તેને વિશ્વભરમાં સંરક્ષિત જાહેર કરાઈ છે. આ પદાર્થ કઠણ મીણ જેવો હોય છે. જે સફેદ-રાખોડી અને પીળાશ પડતા રંગનો ક્યારેક કાળાશ પડતો હોય છે. મોટાભાગે તે સમુદ્રની સપાટી પરથી તરતો મળે છે. ક્યારેક મૃત સ્પર્મ વ્હેલના પેટમાંથી પણ તે મળી જતું હોય છે.

અંબરનો ઉપયોગ પરફ્યુમ ઈન્ડસ્ટ્રીમાં થાય છે. તેની સુવાસ કસ્તુરી મૃગ (Musk) જેવી હોય છે. અંબરમિશ્રિત પરફ્યુમ ખૂબ જ ઊંચી કિંમતે વેચાય છે. પરફ્યુમની સુવાસ લાંબો સમય ટકી રહે છે. જો કે, તે ખૂબ દુર્લભ હોઈ પરફ્યુમ ઈન્ડસ્ટ્રી હવે કૃત્રિમ પદાર્થોનો ઉપયોગ કરે છે. અગાઉના સમયમાં આરબ, યુનાની અને રોમન લોકો અંબરને ભારતમાંથી લઈ જતા હતા. પાક અને મસાલામાં તેમજ ઔષધ તરીકે નબળાઈ, નામર્દાઈ, આંચકી, અપસ્માર, મૂચ્ર્છા, ક્ષય, સન્નિપાત અને મગજની નબળાઈમાં તે વપરાય છે. યુરોપીયન સંસ્કૃતિ અને દંતકથાઓમાં પણ અંબરનો ઉલ્લેખ છે. અંબરની દાણચોરી પર ભૂતકાળમાં હોલિવુડમાં ફિલ્મો અને સોપ ઓપેરા બની ચૂકેલી છે. કહેવાય છે કે યુરોપમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે લોકો અંબરના અંશ સાથે રાખીને ફરતાં. એવું મનાતું કે અંબરની સુવાસથી પ્લેગના જીવાણુનો ચેપ નથી લાગતો.

અખાતી દેશોમાં અંબર શુકનવંતુ મનાય છે.
મધ્યપૂર્વના અખાતી દેશોમાં અંબરને વળી જેમ ઘોડાની નાળને શુકનવંતી માનવામાં આવે તેમ અંબરને શુકનવંતુ મનાય છે. અંબરને લઈ સમુદ્ર ખેડતાં ખારવાઓમાં પણ અનેક કથાઓ છે. કહે છે કે જો અંબર મળી જાય તો ખારવાની સાત પેઢી તરી જાય છે. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ગત વર્ષે જ જખૌ નજીકના એક ગામમાં રહેતા માછીમારને અંબરનો મોટો જથ્થો હાથ લાગ્યો હતો. જો કે, તે જથ્થો કોને મળ્યો હતો તે બાબત ક્યારેય બહાર નહોતી આવી. અંબર એ સ્પર્મ વ્હેલનો ઉત્સર્જિત પદાર્થ હોઈ તેના વેચાણ પર કોઈ પ્રતિબંધ નથી. પરંતુ, અંબર મેળવવાની લ્હાયમાં સ્પર્મ વ્હેલનો શિકાર થતો હોઈ અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ મુકાયેલો છે. પોલીસે પકડેલો લલિત વ્યાસ કચ્છનો છે ત્યારે લલિતે અંબરનો આ જથ્થો કોની પાસેથી મેળવ્યો છે તે વિગતો રીમાન્ડમાં બહાર આવશે.


Advertisement