ડોકટરોએ દર્દીઓના હાથ ન પકડયા! સૌરાષ્ટ્રમાં સજજડ હડતાલ

17 June 2019 11:40 AM
Gujarat Saurashtra
  • ડોકટરોએ દર્દીઓના હાથ ન પકડયા! સૌરાષ્ટ્રમાં સજજડ હડતાલ

પ.બંગાળની ઘટનાના વિરોધમાં સરકારને ઈન્જેકશન મારતી તબીબી આલમ : રાજકોટમાં સિવિલ સહિતના હોસ્પિ., દવાખાના બંધ: જુનાગઢ, ભાવનગર, ખંભાળિયા, ઉના, વેરાવળ, કેશોદમાં ઓપીડી ઠપ્પ: ઈમરજન્સી ચાલુ: પરીક્ષણો પણ બંધ

Advertisement

રાજકોટ તા.17
પશ્ચિમ બંગાળમાં તબીબ પર થયેલા હુમલાની ઘટનાના સૌરાષ્ટ્ર-કચ્છમાં ઘેરા પડઘા પડયા છે. આજે ઠેરઠેર તબીબોએ ઈમરજન્સી સિવાયની આરોગ્યલક્ષી સેવાઓથી 24 કલાક દુર રહેવાની હડતાલ જાહેર કરતા દર્દીઓ હેરાન થયા છે. આ હડતાલને રાજકોટ સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોકટરોએ પણ ટેકો જાહેર કર્યો છે.
પશ્ર્ચિમ બંગાળ કોલકાત્તામાં તબીબ પર થયેલા હુમલાની ઘટનાથી દેશભરની તબીબી આલમમાં આક્રોશ છવાયો છે. દેશભરમાં તબીબોએ તા.17થી 24 કલાક સુધીની જાહેર કરેલી હડતાલમાં સૌરાષ્ટ્ર કચ્છ સોરઠ, હાલાર, ગોહિલવાડ અને ગુજરાતભરના તબીબોએ ટેકો જાહેર કર્યો છે.

રાજકોટ શહેરમાં પણ સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજના તબીબોએ દેશવ્યાપી હડતાલને ટેકો જાહેર કરી ઈમરજન્સી સિવાયની ઓપીડી સહિતની તબીબી સેવા બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે.
અત્રે એ નોંધનિય છે કે રાજકોટની સિવિલ હોસ્પિટલ જીલ્લાની સૌથી મોટી હોસ્પિટલ હોય, અહિં રોજ એક હજારથી વધુ દર્દીઓ જીલ્લાભરમાંથી રાજકોટ આવે છે.
આવા તમામ દર્દીઓને 24 કલાક તબીબી હડતાલને લીધે હેરાન થવું પડશે. તબીબી સુનિં કહેવું છે કે રેગ્યુલર ચેકઅપ માટે આવતા દર્દીઓએ હડતાલને ધ્યાને લઈ ધકકા ન ખાવા જરૂરી છે. બાકી ઈમરજન્સી સેવા રાબેતા મુજબ ચાલુ રખાશે.

ભાવનગર
ભાવનગરમાં આજે ખાનગી દવાખાના, કિલીનીક, નર્સિંગ હોમ, હોસ્પીટલો, લેબોરેટરી, રેડીયોલોજી, સર્વિસીસની સાથોસાથ રેસિડેન્ટ અને ઈન્ટર્ન ડોકટરો એક દિવસના પ્રતીક હડતાલમાં જોડાયા હતા. જો કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહી હતી.
પશ્ર્ચિમ બંગાળના કોલકાત્તામાં ડો. પરભા મુખરજી પર થયેલા હુમલાના પડઘા છેક ભાવનગર સુધી પડયા છે અને આજે શહેરના ડોકટરોએ હડતાલ પાડી હતી. ડો. શરદભાઈ ભટ્ટના જણાવ્યા મુજબ ભાવનગરના તમામ ડોકટરોના સંગઠનોએ હડતાલને સમર્થન આપ્યું છે. અને તમામ ડોકટરો હડતાલમાં જોડાયા છે. લેબોરેટરી પણ બંધ રહી હતી. જો કે ઈમરજન્સી સેવા ચાલુ રાખવામાં આવી હતી.

જુનાગઢ
કોલકાત્તામાં ડોકટર પર થયેલા હીચકારા હુમલામાં આજે સમગ્ર દેશમાં ડોકટરોનો વિરોધનો વંટોળ ઉભો થવા પામ્યો છે.
ડોકટર પરના હીચકારા હુમલાના વિરોધમાં ઈન્ડીયન મેડીકલ એસો.ની સેન્ટ્રલ કમીટીએ બંગાળમાં બંધ પાળ્યો હતો. તેમ છતા પશ્ર્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકારે યોગ્ય પગલા ન લેતા દેશભરના તબીબોમાં રોષ ફેલાયો હતો. જેના પગલે દેશભરમાં બંગાળના તબીબ પરના હીચકારા હુમલામાં ઘેરા પડઘા પડયા હતા અને દેશના તબીબોએ દેશના તમામ ખાનગી દવાખાનાઓ બંધ રાખી હડતાલ પાડવાનો નિર્ણય કરતા આજે સવારે 6થી આવતીકાલ મંગળવારના 6 દરમ્યાન હડતાલ પર જોડાયા છે. 24 કલાકની હડતાલના પગલે ઈન્ડીયન મેડીકલ એસો.ના પ્રમુખ એન.એમ. લાખાણી અને સેક્રેટરી સંજયભાઈ જાવીયાના જણાવ્યા મુજબ અંદાજીત 250 દવાખાના જુનાગઢના તમામ હડતાલમાં જોડાયા છે. જેથી અંદાજીત 10 હજાર જેટલા દર્દીઓને સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી પડશે. માનવતાના ધોરણે ઈમરજન્સીમાં જરૂરત પડશે ત્યાં ફ્રી સેવા આપવા સરકારી હોસ્પિટલમાં સેવા આપવા આવશે.

ખંભાળિયા
પશ્ચિમ બંગાળમાં એક તબિબ પર સ્થાનિક રહીશે કરેલા ઘાતક હૂમલાના ગંભીર પ્રત્યાઘાતો ખંભાળિયા તથા જિલ્લા સાથે દેશભરમાં પડયા છે. બંગાળના ડોકટર પર થયેલા હુમલાના વિરોધમાં ખંભાળિયાના તબીબ મંડળ દ્વારા ઉગ્ર રોષની લાગણી વ્યકત કરાઈ છે. જે અનુસંધાને શનિવારે રાત્રે ઈન્ડિયન મેડીકલ એસો. જામખંભાળીયાના તબીબોની એક વિશાળ રેલી અહિના જોધપુર ગેઈટ ખાતેની નીકળી નગર ગેઈટ ચોક ખાતે સંપન્ન થઈ હતી.

ડોકટર એસો.ના પ્રમુખ ડો. હમીર માડમ તથા સેક્રેટરી ડો. નિસર્ગ રાણીંગાની આગેવાની હેઠળ વિવિધ બેનરો સાથેની આ રેલીમાં સીનીયર ડો. ઓ.પી. શાંખલા, ડો. પડિયા, ડો. શાલીન પટેલ, ડો. રાજેશ બરછા, ડો. નિરવ રાયમગીયા, ડો. સાગર ભૂત, ડો. કોટેચા સહિતના અનેક તબિબો જોડાયા હતા. અને બંગાળની ઘટનાનો ઉગ્ર વિરોધ વ્યકત કર્યો હતો અને સવારથી તમામ તબિબો તેમની ઓપીડી બંધ રાખી 24 કલાકની હડતાલમાં ફકત ઈમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી છે.

કેશોદ
ભારતભરના તબીબોની હડતાલના પગલે કેશોદનાં તબીબો પણ હડતાલમાં જોડાયા છે. કેશોદની તમામ હોસ્પિટલોમાં ઓપીડી સંપૂર્ણપણે બંધ છે. દર્દીઓની સુવિધાઓને ધ્યાનમાં લઈને માત્ર ઈમરજન્સી જ ચાલુ રખાઈ છે.

વેરાવળ
અખીલ ભારતીય ઈન્ડીયન મેડીકલ એસો.ના આદેશ મુજબ કોલકાત્તામાં ડોકટરો ઉપર થયેલ જીવલેણ હુમલો તથા ત્યારબાદ સ્થાનિક સરકારના બિન જવાબદાર વલણના વિરોધમાં આજે સવારે છથી તા.18ના સવારે છ સુધી ઓપીડી મેડીકલ સેવાઓ બંધ રાખવાનું જાહેર કરાયેલ હોય તે અનુસંધાને વેરાવળ ઈન્ડીયન મેડીકલ એસો. પણ આ હડતાલમાં જોડાઈ મેડીકલ સેવાઓ બંધ રાખી છે. જયારે ઈમરજન્સી સેવા ચાલુ છે. આ હડતાલમાં વેરાવળમાં આશરે 50 હોસ્પિટલ અને 200 જેટલા તબીબો જોડાયા છે.

ઉના
પશ્ર્ચિમ બંગાળના તબીબ પર થયેલા હુમલાની ઘટના બાદ સુરક્ષાની માંગને ઉના તેમજ દીવ મેડીકલ એસો. દ્વારા ડોકટરો પર હુમલાની ઘટનાને વખોડી 24 કલાક માટે એસો. દ્વારા ઓપીડી અને રૂટીંગ કામગીરી બંધ કરી માત્ર ઈમરજન્સી સેવા શરૂ રાખવા નિર્ણય કર્યો છે તેમ ડો. રાજેશભાઈ જાની, ડો. દેવમોરારી, ડો. સોલંકી, ડો. અશોક બલદાણીયા, ડો. કિરીટકુમાર કટારીયા, ડો. ડી.ડી. સોલંકી, ડો. અક્ષય માંડલીયા, ડો. મહેશ વૈશ્ય, ડો. શૈલેષ પરમાર, ડો. કપીલ સોલંકી, ડો. આશીષ વકીલ સહિતના ડોકટરોએ જણાવેલ છે.


Advertisement