બેવડો ફાયદો: ‘વાયુ’ નબળું પડતાં ચોમાસું આગળ વધશે

17 June 2019 11:35 AM
Gujarat Saurashtra
  • બેવડો ફાયદો: ‘વાયુ’ નબળું પડતાં ચોમાસું આગળ વધશે

કેરળમાં એક સપ્તાહ મોડું પડેલુ ચોમાસુ વાવાઝોડાના કારણે અટકી પડયું હતું, પણ હવે સક્રીય : આગામી 24-48 કલાકમાં તામિલનાડુ, આંધ્ર, તેલંગણ અને મહારાષ્ટ્રમાં વરસાદની સંભાવના : ‘વાયુ’ના વિસર્જન સાથે ચોમાસાના પવનોને અરબી સમુદ્ર તરફ આગળ વધવામાં માર્ગ મોકળો

Advertisement

નવી દિલ્હી: અરબી સમુદ્રમાં સર્જાયેલા સીવીયર ‘વાયુ’ વાવાઝોડાએ ગુજરાત સરકાર અને લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. વાવાઝોડાની ચેતવણીને અનુલક્ષી ગુજરાતમાં પહેલી જ વાર 3 લાખ લોકોનું સ્થળાંતર કરવા સાથે તટીય વિસ્તારોના મુખ્ય મથકોએ એનડીઆરએફ, લશ્કર તથા વાયુદળની ટુકડીઓ તહેનાત અને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા. છેલ્લી ઘડીએ ‘વાયુ’ એ યુ-ટર્ન મારતાં ખતરો લગભગ ટળી ગયો છે. અલબત, વાવાઝોડાએ ફરી દિશા બદલી છે, અને એ નબળું પડી કચ્છકાંઠે ત્રાટકવાની શકયતા છે. એ કારણે નૈઋત્યના ચોમાસાની પ્રગતિ અને પેટર્નને અસર થઈ છે.
પરંતુ ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના સીનીયર વિજ્ઞાની કે સાથી દેવીએ જણાવ્યું હતું કે રવિવારથી મોનસુન એકટીવીટીએ ફર વેગ પકડયો છે અને પશ્ર્ચિમ બંગાળના ઉતરીય ભાગો સુધી ઈશાનના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થયો છે.
કેરળમાં લગભગ એક સપ્તાહ મોડું, 8 જૂને ચોમાસાનું આગમન થયું હતું. ચોમાસામાં વિલંબના કારણે જૂનની મધ્ય સુધીમાં પ્રિ-મોન્સુન વરસાદથી 46% ખાધ રહી છે.
સામાન્ય રીતે દેશનો 70% વરસાદ આવતા નૈઋત્યનુ ચોમાસુ 15 જૂન સુધીમાં સમગ્ર ઈશાન અને પુર્વીય ઉતરપ્રદેશના અમુક ભાગોને આવરી લેતું હોય છે. જૂનથી મધ્ય સુધીમાં દક્ષિણ દ્વિપકલ્પથી માંડી મધ્યપ્રદેશ અને ગુજરાતમાં પણ એ પ્રવેશતું હોય છે.
ચોમાસાની અરબી સમુદ્ર શાળા 65% ભેજ લાવે છે. ‘વાયુ’ વાવાઝોડું સંપૂર્ણપણે વિખેરાય જાય એ પછી ભેજનું પ્રમાણ વધશે.
સ્કાયમેટ વાઈસ પ્રેસીડેન્ટ મહેશ પાસાવતે જણાવ્યું હતું કે 25થી48 કલાક પછી ચોમાસાનો સામાન્ય પ્રવાહ વેગ પકડશે અને તામિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગણ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ લાવશે. વરસાદમાં નાટકીય વધારો નહીં થાય, પણ સુકા હવામાનની પરિસ્થિતિમાં બદલાવ થશે.
પુર્વ તટેથી ચોમાસું આગળ વધી 24થી48 કલાકમા ઓડીશા પહોંચશે. પાલાવતે જણાવ્યું હતું કે 21 અથવા 22 જૂને ચોમાસાની તીવ્રતા વધતાં મધ્યપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વરસાદ પડશે.
દરમિયાન, વાયુ આજે સાંજે ગુજરાત તટ પાર કરે તેવી સંભાવના છે. એ કારણે ચોમાસાના પવનોને અરબી સમુદ્ર તરફ ગતિ કરવાનો માર્ગ મોકળો બનશે. હવામાન ખાતાએ વાયુની અસર નીચે ગુજરાત, ખાસ કરીને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે.


Advertisement