ગોંડલમાં ધોરાજીના ટ્રક ડ્રાઈવરની થયેલી હત્યાનો ભેદ ઉકેલવા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ

12 June 2019 03:25 PM
Gondal

લોહીવાળો પથ્થર ટ્રકની કેબીનમાંથી કબ્જે કરાયો

Advertisement

ગોંડલ તા.12
ગોંડલના નવા માર્કેટ યાર્ડ પાસે ધોરાજીના ટ્રક ડ્રાઈવરની કરાયેલી હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે સીસી ટીવી ફૂકેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ટ્રાફિકથી સતત ધમધમતા ગોંડલના નવા માર્કેટ યાર્ડ સામે ગઈકાલે સવારના મૂળ લિયાદના અને હાલ ધોરાજી રહેતા ટ્રક ડ્રાઈવર સુરેશ સવજીભાઈ સુરેલા (ઉ.40)ની પથ્થરોના ઘા મારી નિર્મમ રીતે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા શહેર પોલીસ ઈન્સપેકટર કે.એન. રામાનુજ, રાઈટર હરુભા જાડેજા સહિતના પોલીસ કાફલાએ દોડી જઈ તપાસ હાથ ધરી હતી.
આ હત્યાના બનાવ અંગે પીઆઈ રામાનુજે જણાવ્યું હતું કે સુરેશ ગત રાત્રીના ગોંડલના રઘુવીર જીનીંગમાં કપાસ ભરેલો ટ્રક ખાલી કરવા માટે આવ્યો હતો બાદમાં યાર્ડ પાસે રોકાયો હતો તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો છે. સુરેશ પરણીત હતો, આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ લઈ તપાસ ચલાવવામાં આવી રહી છે. ટ્રક ડ્રાઈવરની હત્યામાં બે મોટા પથ્થર તેમજ એક નાના પથ્થરનો ઉપયોગ થયેલ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું છે. સૌ પ્રથમ ટ્રકની કેબીનમાં ડ્રાઈવરને કોઈ સાથે માથાકૂટ થયેલ હોવાનું પોલીસને જણાઈ રહ્યું છે કારણ કે ટ્રકની કેબીનમાં પણ એક લોહીવાળો પથ્થર મળી આવ્યો છે. જયારે ટ્રકની બહાર નીચે બે લોહીવાળા પથ્થર મળી આવ્યા હતા. પોલીસે આ તમામ વસ્તુઓ કબજે કરી હતી અને ટ્રકના માલિક ધોરાજીવાળા મનોજભાઈ ગોરધનભાઈ સોજીત્રાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી હતી. ધોરાજીના સરદાર ચોકમાં રહેતા ટ્રકના માલિક મનોજભાઈ સોજીત્રાએ પોલીસને જણાવ્યુંં હતું કે તેઓ તમામ વેપાર ઓનલાઈન જ કરી રહ્યા છે. માટે ડ્રાઈવર હસ્તક કોઈ રોકડ નાણાનો વહીવટ કરવામાં આવતો ન હતો તેથી લૂંટના ઈરાદે હત્યા થયેલ હોવાનું હાલ પોલીસને જણાઈ રહ્યું નથી.


Advertisement