ખાવડાના તુગાની યુવતીને ઉઠાવી જઇ દુષ્કર્મ

12 June 2019 03:23 PM
kutch

પિતરાઇ બહેન સહિત ત્રણ શખ્સો સામે પોલીસમાં ફરિયાદ

ભૂજ તા.12
ભુજના રણકાંધીએ આવેલા તુગા ગામની એક 20 વર્ષિય અપરિણીત યુવતીને જાજરૂ જવાના બહાને પિતરાઈ બહેન અને બે યુવકો બાઈક પર અપહરણ કરી જુણા લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ચકચાર ફેલાઈ જવા પામી છે.
આ યુવતી નિંદ્રાધીન હતી ત્યારે તેની પિતરાઈ બહેન તેને જાજરૂ જવાના બહાને ફળીયા બહાર લઈ ગઈ હતી. જ્યાં અગાઉથી દેઢીયા (જૂણા) ગામનો મુસા ફૂલમામદ સમા અને ઈબ્રાહિમ ઊર્ફે કાકાડો લધા સમા નામના બે યુવકો બાઈક લઈ ઉભા હતા.
તેની પિતરાઈ બહેન મુસાને ઓળખતી હોઈ તે બાઈક પર બેસી ગઈ હતી. ત્રણેય જણાંએ પીડિતાને પણ બાઈક પર બેસી જવા આગ્રહ કર્યો હતો. પરંતુ તે માની નહોતી. જેથી મુસાએ તેને બળજબરીપૂર્વક બાઈક પર બેસાડી દીધી હતી. રાતના અંધારામાં તેઓ તેને જુણા ગામની સીમમાં બાવળની ઝાડીઓમાં લઈ ગયા હતા. જ્યાં મુસો અને તેની પિતરાઈ બહેન એકતરફ જતા રહ્યા હતા અને ઈબ્રાહિમ નામના યુવકે તેના પર બળાત્કાર કર્યો હતો. પરોઢ થયા બાદ આરોપી કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ
તેમ કહી મોટર સાયકલ પર ચાલ્યા ગયા હતા. બીજી તરફ, પરિવારની દીકરીઓ આખી રાત ગાયબ થઈ ગઈ હોઈ કુટુંબીજનો અને ગ્રામજનો શોધતાં શોધતાં ત્યાં આવી ચઢ્યા હતા. યુવતીએ સમગ્ર ઘટનાક્રમ વર્ણવતાં પરિવારજનો તેને ખાવડા પોલીસ મથકે લઈ આવ્યા હતા. ખાવડા પોલીસે પીડિતાની પિતરાઈ બહેન સહિત ત્રણેય સામે ગુનાહિત ષડયંત્ર રચી, અપહરણ કરી બળાત્કાર ગુજારવા સહિતની કલમો તળે ફરિયાદ નોંધી છે.


Loading...
Advertisement