અમરેલી જિલ્લામાં દરીયાઇ તટના રાજુલા-જાફરાબાદના 23 ગામોનું સ્થળાંતર કરવા તજવીજ : ટીમો તૈનાત

12 June 2019 03:16 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં દરીયાઇ તટના રાજુલા-જાફરાબાદના
23 ગામોનું સ્થળાંતર કરવા તજવીજ : ટીમો તૈનાત

127 થી 135 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના : 4 લાખ લોકોને એસએમએસથી જાણ : એસટી 60 બસો સ્ટેન્ડ બાય : આર્મીના જવાનોની મદદ

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.12
હવામાન ખાતાની આગાહી અનુસાર 10 થી 14 જૂન સુધી અરબી સમુદ્રમાં લો પ્રેશર ઉદભવેલ છે. જેના પરિણામે દરિયાકાંઠાના રાજુલા અને જાફરાબાદ તાલુકાઓને અસર થવાની શકયતા છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટર આયુષ ઓકના અઘ્યક્ષ સ્થાને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં આવનાર વાવાઝોડા સામે સાવચેતીના પગલા લેવા માટેની વ્યવસ્થાની માહિતીઓની સાથે યોગ્ય માર્ગદર્શન પુરૂ પાડયું હતું.
કલેકટરે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે રાજુલા અને જાફરાબાદ તાલુકાના લગભગ 23 જેટલા ગામો પ્રભાવીત થવાની સંભાવના છે અને આ તમામ વિસ્તારોમાં લગભગ 120 થી 135 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. આ ઉપરાંત દરીયાઇ સપાટીની ઉંચાઇમાં લગભગ 1.પ મીટરનો વધારો થવાની શકયતા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લગભગ 4 લાખ લોકોને એસએમએસના માઘ્યમથી જાણ કરવામાં આવી છે. રાજય સરકાર તરફથી આવા સમયમાં અમરેલી જિલ્લાને એનડીઆરએફની 4 ટીમો અને આર્મીની 6 ટીમો સહાય કરશે. વીજ થાંભલા અને રોડ રસ્તાની દેખરેખ માટે પીજીવીસીએલ અને આર એન્ડ બી દ્વારા ટીમ બનાવાઇ છે.
જિલ્લાની શાળાઓમાં તા.12 અને 13ના રજા જાહેર કરવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં તંત્ર દ્વારા અનાજના પૂરતા જથ્થાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ઉપરાંત જીએસઆરટીસીની 60 જેટલી બસો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આ તકે જિલ્લા વિકાસ અધિકારી સી.એમ.પાડલીયાએ જણાવ્યું હતું કે આરોગ્ય ખાતા દ્વારા વિવિધ જગ્યાએ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવશે. તમામ દરીયાઇકાંઠા વિસ્તારમાં શેલ્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આ શેલ્ટરોમાં મેડીકલ ટીમોને પણ તૈયાર રાખવામાં આવશે. સગર્ભા મહિલાઓની ખાસ કાળજી લેવા માટે દરેક આંગણવાડી બહેનોને સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા વહિવટી તંત્રે જાહેરજનતાને કેટલાક તકેદારીનાં પગલા લેવા અનુરોધ કર્યો છે.


Loading...
Advertisement